Airtel Recharge Plan : ટેલિકોમ સેક્ટરની દિગ્ગજ કંપની Airtel એ પોતાના કરોડો ગ્રાહકોને મોટો ઝટકો આપ્યો છે. કંપનીએ કોઈ પણ પૂર્વ સૂચના આપ્યા વગર રાતોરાત પોતાના પ્રીપેડ રિચાર્જ પ્લાનની કિંમતમાં વધારો કરી દીધો છે. આ ફેરફાર એટલી ઝડપથી થયો છે કે, ઘણા યુઝર્સ જ્યારે નવું રિચાર્જ કરવા ગયા ત્યારે તેમને આ ભાવ વધારાની જાણ થઈ હતી.
કયા પ્લાનમાં થયો વધારો?
Airtel એ તેના સૌથી લોકપ્રિય એવા 84 દિવસની વેલિડિટી ધરાવતા પ્લાનની કિંમત વધારી દીધી છે. પહેલા આ પ્લાન માટે યુઝર્સને ₹859 ચૂકવવા પડતા હતા, પરંતુ હવે તે માટે ₹899 ખર્ચવા પડશે. એટલે કે, સીધો ₹40 નો વધારો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત કંપનીએ પોતાનો સસ્તો ₹799 વાળો પ્લાન પણ હવે લિસ્ટમાંથી હટાવી દીધો છે.
સુવિધાઓમાં કોઈ ફેરફાર નહીં
ચિંતાની વાત એ છે કે, ભાવ વધવા છતાં યુઝર્સને મળતી સુવિધાઓમાં કોઈ જ સુધારો કરવામાં આવ્યો નથી. આ ₹899 ના પ્લાનમાં પહેલાની જેમ જ દરરોજ 1.5GB ડેટા, અનલિમિટેડ વોઈસ કોલિંગ અને રોજની 100 SMS ની સુવિધા મળે છે. તેની વેલિડિટી પણ 84 દિવસ જ રાખવામાં આવી છે. એટલે કે, ગ્રાહકોએ એ જ સુવિધાઓ માટે હવે વધુ કિંમત ચૂકવવી પડશે.
સામાન્ય લોકો પર અસર
આ ભાવ વધારાની સૌથી મોટી અસર એવા મધ્યમ વર્ગના યુઝર્સ પર પડશે જેઓ લાંબા ગાળાના પ્લાન રિચાર્જ કરવાનું પસંદ કરે છે. ખાસ કરીને ગામડાઓ અને નાના શહેરોમાં જ્યાં લોકો બજેટ પ્લાન પર વધુ આધાર રાખે છે, તેમને હવે દરેક રિચાર્જ પર વધારાનો આર્થિક બોજ સહન કરવો પડશે.
આગામી સમયમાં અન્ય કંપનીઓ પણ ભાવ વધારશે?
નિષ્ણાતોનું માનવું છે કે, આ તો માત્ર શરૂઆત છે. 5G નેટવર્ક ઊભું કરવા અને કંપનીનો ખર્ચ કાઢવા માટે ટેલિકોમ કંપનીઓ હવે ટેરિફ વધારી રહી છે. એવી શક્યતા સેવાઈ રહી છે કે, Airtel ના આ પગલાં બાદ રિલાયન્સ Jio અને Vi પણ નજીકના ભવિષ્યમાં તેમના પ્લાન મોંઘા કરી શકે છે.





