Ahmedabad Plane Crash latest Update: અમદાવાદમાં પ્લેન ક્રેશની ઘટનાને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. હાલ અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસ વધુ તેજ બની ગઈ છે. જે કંપનીએ આ પ્લેન બનાવ્યું હતું તે કંપનીના અધિકારીઓ પણ અમેરિકાથી અમદાવાદ આવી પહોંચ્યાં છે. અમેરિકાથી અમદાવાદ પહોંચી ગઈ છે વિમાન ઉત્પાદક કંપની બોઈંગની ટીમ. પ્લેન મેન્યુફેક્ચર કંપની બોઈંગના અધિકારીઓ વિમાન દુર્ઘટના અંગેની તપાસમાં ટેકનિકલ સપોર્ટ પુરો પાડશે.
અમદાવાદથી લંડન જતી ફ્લાઈટમાં 242 મુસાફરો અને 10 ક્રૂ મેમ્બર સહિત 252 લોકો સવાર હતા. પ્લેનમાં સવાર લોકો પૈકી માત્ર એક જ વ્યક્તિ જીવિત બચી શક્યો છે. જ્યારે આ દુર્ઘટનામાં પ્લેન અમદાવાદ સિવિલ હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટરોની હોસ્ટેલ પર પડ્યું હતું. સિવિલ કમ્પાઉન્ડમાં આવેલાં અતુલ્ય હોસ્ટેલના મેસમાં અચાનક પેસેન્જર પ્લેન ઘુસી જતા મોટી જાનહાનિ સર્જાઈ હતી.
અમદાવાદથી લંડન માટે ઉડાન ભર્યાની માત્ર બે જ મિનિટમાં આ પ્લેન ક્રેશ થઈ ગયું હતું. જેને પગલે હોસ્ટેલની કેન્ટિનમાં જમી રહેલાં અનેક રેસિડેન્ટ ડોક્ટરો, અન્ય સ્ટાફ પણ આ દુર્ઘટનામાં મોતને ભેટ્યાં. એટલું જ નહીં સિવિલ કમ્પાઉન્ડની હોસ્ટેલ કેન્ટેનની નીચે ચા-નાસ્તાની લારીવાળા, ગલ્લાવાળા, ત્યાં હજાર લોકો અને ત્યાંના રસ્તા પરથી પસાર થતાં રાહદારીઓ અને વાહનચાલકો પણ આ દુર્ઘટનાનો શિકાર બન્યાં છે. આમ આ પ્લેન ક્રેશની દુર્ઘટનામાં અનેક લોકોના મોત નીપજ્યાં છે.
હાલ એફએસએલ સહિત અનેક તપાસ એજન્સીઓ આ વિમાન દુર્ઘટના સંદર્ભે તપાસ કરી રહી છે. એટલું જ નહીં હજુ મૃતકોના DNAના આધારે તેમની ઓળખ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. અત્યાર સુધીમાં 32 મૃતકોના DNA મેચ થયા છે. જ્યારે 12 સ્વજનોને તેમના પરિજનનો મૃતદેહ સોંપવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છેકે, હજુ સુધી આ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામનાર ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના મૃતદેહની કોઈ ભાળ મળી નથી. સિવિલ હોસ્પિટલ ખાતેના પોસ્ટમોર્ટમ રૂમમાં ડેથ સર્ટીફિકેટ માટેની પણ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.






