શનિવારે સવારે હૈદરાબાદના રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી થાઇલેન્ડના ફુકેટ માટે રવાના થયેલી એર ઇન્ડિયા એક્સપ્રેસ ફ્લાઇટ ટેકનિકલ કારણોસર ટેકઓફ કર્યા પછી થોડીવારમાં જ પાછી વળી ગઈ હતી. ફ્લાઇટ નંબર IX110 હૈદરાબાદથી સવારે 6:40 વાગ્યે રવાના થઈ હતી, જે સમયપત્રક કરતાં લગભગ 20 મિનિટ મોડી હતી. વિમાન સવારે 11:45 વાગ્યે ફુકેટમાં ઉતરવાનું હતું, પરંતુ ટેકઓફ કર્યા પછી તરત જ હૈદરાબાદ પાછું આવી ગયું. Flightradar24ના ડેટા અનુસાર વિમાને ઉડાન ભરી હતી પરંતુ ખૂબ દૂર જઈ શક્યું નહીં અને હૈદરાબાદમાં સુરક્ષિત રીતે ઉતરાણ કર્યું. જોકે અત્યાર સુધી એરલાઇન કે એરપોર્ટ તંત્ર તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી કે વિમાનને કેમ પાછું ફેરવવામાં આવ્યું. તે બોઇંગ 737 મેક્સ 8 વિમાન હતું.
નોંધનીય છે કે અગાઉ ભારતમાં ફ્લાઇટ્સ સંબંધિત ઘણી ખામી સર્જાવીની ઘટનાઓ સામે આવી ચુકી છે. આ અઠવાડિયાના ગુરુવારે, દિલ્હીથી ઇમ્ફાલ જતી ઇન્ડિગોની ફ્લાઇટ 6E-5118ને ટેકનિકલ ખામીને કારણે ટેકઓફ કર્યા પછી તરત જ પાછી ફરવુ પડ્યું હતું. સવારે 10:25 વાગ્યે ટેકઓફ કર્યા પછી વિમાન 11:16 વાગ્યે દિલ્હી પરત ફર્યું. ટેકનિકલ તપાસ પછી વિમાન ફરીથી 12:30 વાગ્યે ટેકઓફ થયું અને 2:53 વાગ્યે ઇમ્ફાલ પહોંચ્યું, જે તેના નિર્ધારિત સમય 1:10 વાગ્યા કરતાં ઘણું મોડું હતું.
અગાઉ પણ ટેકનિકલ ખામી સર્જાઈ હતી
ઇન્ડિગોના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, "દિલ્હીથી ઇમ્ફાલ જતી ફ્લાઇટ 6E-5118માં ટેકઓફ થયાના થોડા સમય પછી જ એક નાની ટેકનિકલ ખામી સર્જાઈ હતી. પાઇલટ્સે વિમાનને પરત કરવાનો સાવધાનીપૂર્વક નિર્ણય લીધો અને વિમાન સુરક્ષિત રીતે ઉતર્યું. તપાસ બાદ વિમાને ફરીથી ઉડાન ભરી હતી. મુસાફરોને થયેલી અસુવિધા બદલ અમે દિલગીર છીએ."
વિમાન ખામીની અનેક ઘટનાઓ
દિલ્હીથી ગોવા જઈ રહેલી ઈન્ડિગોની બીજી ફ્લાઇટ 6E-6271 માં પણ એન્જિનમાં ખામી સર્જાઈ હતી, ત્યારબાદ વિમાનને મુંબઈ વાળવામાં આવ્યું હતું અને ત્યાં સુરક્ષિત રીતે ઉતરાણ કરવામાં આવ્યું હતું. આ પહેલા 19 જૂને દિલ્હીથી લેહ જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઇટને ટેકઓફ કર્યાના લગભગ બે કલાક પછી ટેકનિકલ ખામીને કારણે દિલ્હી પરત ફરવું પડ્યું હતું. 6 મેના રોજ, બેંગકોકથી મોસ્કો જતી એરોફ્લોટ ફ્લાઇટ SU273ને કેબિનમાં ધુમાડા જેવી ગંધ આવતાં દિલ્હી એરપોર્ટ પર કટોકટીના ધોરણે ઉતરાણ કરવું પડ્યું હતું.






