Home Tech/Gadgets Ai Usage Based Billing Anthropic News Gujarati

હવે વીજળીની જેમ હિસાબ આપવો પડશે AIનો : આ કંપનીએ કરી દિધી શરૂઆત

AI Billing Model
Published by: Vishal Dave
Last Updated: Apr 16, 2026, 06:00 PM IST

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ હવે માત્ર ટેક્નોલોજી નથી, પરંતુ ધીમે ધીમે રોજિંદી જરૂરિયાત બની રહી છે. હવે એક નવી ટ્રેન્ડ સામે આવી રહી છે AI માટે વીજળી જેવી યુઝ આધારિત બિલિંગ. આ બદલાવ ટેક ઇન્ડસ્ટ્રીમાં મોટી ક્રાંતિ લાવી શકે છે.

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ક્ષેત્રમાં ઝડપથી થતા વિકાસ વચ્ચે હવે તેની પ્રાઈસિંગ મોડલમાં પણ મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. AI કંપનીઓ હવે માત્ર ટેક્નોલોજી વિકાસ સુધી સીમિત નથી, પરંતુ હવે તેઓ મોનેટાઈઝેશન પર પણ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. તાજેતરમાં Anthropic એ પોતાના Claude AI માટે નવી પ્રાઈસિંગ પોલિસી જાહેર કરી છે, જેમાં યુઝર્સ પાસેથી “ઉપયોગ મુજબ” ચાર્જ લેવામાં આવશે. આ મોડલ વીજળી અથવા પાણી જેવી સેવાઓના બિલિંગ મોડલ સાથે સરખાવવામાં આવી રહ્યો છે.

યુઝ પ્રમાણે બિલિંગ: શું બદલાયું?

Anthropicએ પોતાના એન્ટરપ્રાઈઝ પ્લાન્સમાં મોટો ફેરફાર કર્યો છે. અગાઉ કંપની ફિક્સ સબ્સ્ક્રિપ્શન મોડલ પર કામ કરતી હતી, જેમાં દર મહિને નિશ્ચિત રકમ ચૂકવવી પડતી હતી. હવે કંપનીએ “પર-સીટ + યુઝેજ” મોડલ શરૂ કર્યું છે. એટલે કે, યુઝર્સને પ્લેટફોર્મ ઍક્સેસ માટે એક બેઝ ફી આપવી પડશે અને પછી તેઓ જેટલો AI ઉપયોગ કરશે તેના આધારે વધારાનો ચાર્જ લાગશે. આ મોડલમાં કંપનીએ કેટલાક પ્લાન્સના બેઝ પ્રાઈસ ઓછા કર્યા છે, પરંતુ સાથે API પર મળતા 10-15% ડિસ્કાઉન્ટને પણ હટાવી દીધા છે.

યુઝર્સ પર શું અસર પડશે?

આ નવી પ્રાઈસિંગ પોલિસીનો સીધો અસર યુઝર્સ પર પડશે. હવે તેઓએ AIનો ઉપયોગ કરતી વખતે વધુ ધ્યાન રાખવું પડશે, કારણ કે દરેક કમાન્ડ અથવા ટોકન માટે ખર્ચ વધશે. યુઝર્સને પહેલાથી જ પ્રી-પેમેન્ટ કરવી પડશે અને ત્યારબાદ તેઓ તે ક્રેડિટના આધારે AIનો ઉપયોગ કરી શકશે. આ મોડલ ખાસ કરીને મોટા બિઝનેસ અને એન્ટરપ્રાઈઝ માટે બનાવવામાં આવ્યો છે, જ્યાં AIનો ઉપયોગ વિશાળ પ્રમાણમાં થાય છે.

AI કંપનીઓ હવે રેવન્યુ પર ફોકસમાં

છેલ્લા કેટલાક વર્ષોમાં AI કંપનીઓએ ડેટા સેન્ટર, રિસર્ચ અને ડેવલપમેન્ટમાં ભારે રોકાણ કર્યું છે. પરંતુ અત્યાર સુધી આ રોકાણ સામે પૂરતો નફો મળ્યો નથી. તેથી હવે કંપનીઓ મોનેટાઈઝેશન માટે નવા રસ્તા શોધી રહી છે—જેમ કે યુઝેજ આધારિત બિલિંગ, એડ મોડલ અને પ્રીમિયમ સેવાઓ.

શું સાચી પડી રહી છે Sam Altman ની વાત?

થોડા સમય પહેલા OpenAI ના CEO સેમ ઑલ્ટમેનએ જણાવ્યું હતું કે ભવિષ્યમાં AI એક બેઝિક યુટિલિટી બની જશે જેમ કે વીજળી અને પાણી. તેમણે કહ્યું હતું કે લોકો AIનો ઉપયોગ કરતી વખતે વધુ વિચારશે નહીં અને તેઓ માત્ર જેટલો ઉપયોગ કરે છે એટલો જ ખર્ચ ચૂકવશે. Anthropicના આ નવા પગલાંથી લાગે છે કે આ વિચાર હવે વાસ્તવિકતા બની રહ્યો છે.

ભવિષ્યમાં AIનો ઉપયોગ કેવી રીતે બદલાશે?

આ બદલાવ AIના ઉપયોગને વધુ વ્યવસ્થિત અને નિયંત્રિત બનાવી શકે છે.

  • યુઝર્સ વધુ સાવધાનીથી AIનો ઉપયોગ કરશે

  • કંપનીઓ માટે ખર્ચ મેનેજમેન્ટ સરળ બનશે

  • નાના યુઝર્સ માટે ખર્ચ વધવાની શક્યતા

પરંતુ સાથે સાથે, આ મોડલ AIને વધુ વ્યાપક અને સ્કેલેબલ સર્વિસ બનાવવા માટે મદદરૂપ પણ બની શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now