Home Tech/Gadgets Ai Success Story Chatgpt Mrna Cancer Vaccine Dog

AIનો અદભૂત ઉપયોગ : ChatGPTની મદદથી તૈયાર કરી કેન્સર વેક્સિન, જાણો આખી ઘટના

AIનો અદભૂત ઉપયોગ
Published by: OBS Bureau
Last Updated: Mar 16, 2026, 08:30 PM IST

જ્યારે એક તરફ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ના દુરુપયોગની ચર્ચાઓ વધી રહી છે, ત્યારે ઓસ્ટ્રેલિયાથી એક એવા સમાચાર આવ્યા છે જેણે તબીબી જગતમાં સનસનાટી મચાવી દીધી છે. ઓસ્ટ્રેલિયાના એક ટેક એક્સપર્ટે OpenAIના ચેટબોટ ChatGPT અને Google DeepMind ના AlphaFold નો ઉપયોગ કરીને પોતાના પાલતૂ શ્વાન માટે કેન્સરની વેક્સિન બનાવી છે. આ અનોખી પહેલને કારણે ગંભીર બીમારીથી પીડાતા શ્વાનનું ટ્યૂમર હવે અડધું થઈ ગયું છે અને તેને નવું જીવન મળ્યું છે.

મિત્ર માટે એક્સપર્ટે ટેકનોલોજીનો લીધો સહારો

ટેક એક્સપર્ટ પોલ કોનિંગહેમે જણાવ્યું કે તેમનો શ્વાન 'રોઝ' તેમનો શ્રેષ્ઠ મિત્ર છે. જ્યારે તેમને ખબર પડી કે રોઝને ગંભીર ટ્યૂમર છે અને તેની પાસે ગણતરીના દિવસો જ બાકી છે, ત્યારે તેમણે હાર માનવાને બદલે AIની મદદ લેવાનું નક્કી કર્યું. તેમણે આખી પ્રક્રિયા માટે ChatGPT અને જિનોમિક સિક્વન્સિંગનો સહાય લીધી હતી.

ChatGPT અને ડેટા પ્રોસેસિંગની ભૂમિકા

પોલે આ રસી બનાવવા માટે ખૂબ જ જટિલ પ્રક્રિયા અનુસરી હતી:

  • DNA સિક્વન્સિંગ: તેમણે રોઝના ટ્યૂમરના સેમ્પલ લીધા અને તેનું DNA સિક્વન્સિંગ કરાવ્યું. આ ટિશ્યુના ડેટાને ડિજિટલ ફોર્મેટમાં ફેરવવામાં આવ્યો.

  • જાયન્ટ ડેટા પ્રોસેસિંગ: ગીગાબાઈટ્સમાં રહેલા જિનેટિક ડેટાને પ્રોસેસ કરવા અને DNAમાં રહેલી ખામીઓને શોધવા માટે તેમણે AIનો ઉપયોગ કર્યો.

  • બ્લૂ પ્રિન્ટ તૈયાર કરી: ChatGPT એ તેમને પર્સનલાઈઝ્ડ mRNA વેક્સિનની બ્લૂ પ્રિન્ટ તૈયાર કરવામાં મદદ કરી. એટલું જ નહીં, ચેટબોટે તેમને યુનિવર્સિટી ઓફ ન્યૂ સાઉથ વેલ્સ (UNSW) ના નિષ્ણાતોનો સંપર્ક કરવા પણ સલાહ આપી હતી.

પરિણામ: ટ્યૂમરની સાઈઝમાં મોટો ઘટાડો

ગયા વર્ષે નાતાલની રજાઓ દરમિયાન આ સારવાર શરૂ કરવામાં આવી હતી. વેક્સિન આપ્યા બાદ પરિણામ આશ્ચર્યજનક રહ્યા છે. રોઝનું ટ્યૂમર હવે અડધું થઈ ગયું છે અને તેની તબિયતમાં સુધારો જોવા મળી રહ્યો છે. પોલના મતે વેક્સિન બનાવવા કરતા વધુ અઘરું કામ સરકારી મંજૂરી મેળવવાનું હતું. આ ટ્રાયલ માટે એથિક્સ અપ્રુવલ મેળવવામાં તેમને 3 મહિનાનો સમય લાગ્યો હતો.

OpenAIના પ્રેસિડેન્ટની પ્રતિક્રિયા

OpenAI ના પ્રેસિડેન્ટ ગ્રેગ બ્રોકમેને આ સફળતા પર X (ટ્વિટર) પર પોસ્ટ કરીને ખુશી વ્યક્ત કરી છે. તેમણે લખ્યું કે, AI એ પોલને એટલા સશક્ત બનાવ્યા કે તેઓ પોતાના ડોગી માટે કસ્ટમ mRNA કેન્સર વેક્સિન બનાવી શક્યા. આ વિશ્વની કોઈપણ શ્વાન માટે બનાવવામાં આવેલી પ્રથમ પર્સનલાઈઝ્ડ કેન્સર વેક્સિન છે.

આ કિસ્સો સાબિત કરે છે કે AI માત્ર ફોટા કે વીડિયો બનાવવા પૂરતું સીમિત નથી, પરંતુ મેડિકલ સાયન્સના ક્ષેત્રમાં પણ તે મોટી ક્રાંતિ લાવી શકે છે. ભવિષ્યમાં જટિલ બીમારીઓના ઈલાજ માટે AI એક વરદાન સાબિત થઈ શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now