Home Tech/Gadgets Ai Protest Mental Health Workers Strike Job Security

આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ સામે બગાવત : નોકરી જવાના ભયે અમેરિકામાં 2400થી વધુ સ્વાસ્થ્ય કર્મીઓએ કરી હડતાળ

આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ સામે બગાવત
Published by: Vishal Dave
Last Updated: Mar 24, 2026, 05:08 PM IST

આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)ના કારણે વિશ્વભરમાં નોકરીઓ પર સંકટના વાદળો ઘેરાઈ રહ્યા છે. આ ડર હવે વાસ્તવિક વિરોધ પ્રદર્શનમાં ફેરવાઈ રહ્યો છે. અમેરિકાના નોર્ધન કેલિફોર્નિયામાં આશરે 2400થી વધુ મેન્ટલ હેલ્થ પ્રોવાઈડર્સે AIના વધતા પ્રભાવ અને નોકરીઓ ગુમાવવાના ડરે 24 કલાક સુધી કામકાજ ઠપ્પ કરીને હડતાળ પાડી હતી. આ તમામ કર્મચારીઓ 'Kaiser Permanente' નામની જાણીતી હેલ્થકેર સંસ્થા સાથે જોડાયેલા છે.

કર્મચારીઓની મુખ્ય ચિંતા અને કંપનીનો દાવો

હડતાળ પર ઉતરેલા હેલ્થ વર્કર્સનું માનવું છે કે કંપની ધીમે-ધીમે થેરાપિસ્ટની જગ્યાએ AIને લાવી રહી છે. જોકે, કંપનીએ વળતો દાવો કર્યો છે કે AI ક્યારેય મેડિકલ ડિસીઝન લેશે નહીં અને કોઈ પણ થેરાપિસ્ટને રિપ્લે કરવામાં આવશે નહીં. કર્મચારીઓનું કહેવું છે કે હાલમાં લાયસન્સ ધરાવતા ક્લિનિકલ સોશિયલ વર્કર્સને છૂટા કરીને બિનઅનુભવી લોકોની ભરતી કરવામાં આવી રહી છે, જે સ્પષ્ટપણે AI તરફી બદલાવના સંકેત આપે છે.

શું મેન્ટલ હેલ્થ કેરમાં AIની એન્ટ્રી થઈ રહી છે?

નિષ્ણાતોના મતે અત્યાર સુધી મેન્ટલ હેલ્થ કેરને સંપૂર્ણપણે હેન્ડલ કરી શકે તેવું કોઈ ચોક્કસ AI ટૂલ બન્યું નથી. હાલમાં AI નો ઉપયોગ માત્ર પેપરવર્ક અને ડેટા મેનેજમેન્ટ પૂરતો મર્યાદિત રાખવાની વાત કરવામાં આવી રહી છે. તેમ છતાં, માઈક્રોસોફ્ટ દ્વારા લોન્ચ કરાયેલ 'Copilot Health' અને OpenAI તેમજ Perplexity ના નવા ટૂલ્સ સૂચવે છે કે હેલ્થકેર સેક્ટરમાં AI મોટા પાયે ફેરફારો કરવા માટે સજ્જ છે. ઘણા હેલ્થ ચેટબોટ્સ અત્યારે દર્દીઓની પ્રાથમિક તપાસ કરી રહ્યા છે, જે ભવિષ્યમાં નિષ્ણાતોની જગ્યા લઈ શકે છે.

ભવિષ્યમાં નોકરીઓ પર મોટું જોખમ

AIના આગમન બાદ એવી નોકરીઓ પર સૌથી વધુ જોખમ છે જેમાં એકનું એક કામ વારંવાર કરવાનું હોય અથવા જેમાં ઓછી કુશળતાની જરૂર હોય. તાજેતરના એક અહેવાલ મુજબ, વર્ષ 2035 સુધીમાં ઓછી સ્કીલ ધરાવતી આશરે 30 લાખ જેટલી નોકરીઓ AI ના કારણે ખતમ થઈ શકે છે. કેલિફોર્નિયામાં થયેલો આ વિરોધ એ વાતનો પુરાવો છે કે ટેકનોલોજી અને માનવ સંસાધન વચ્ચેનો સંઘર્ષ હવે ઉગ્ર બની રહ્યો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now