Home Tech/Gadgets Ai Dependency And Engineer Imposter Syndrome 2026

AI છીનવી રહ્યું છે આત્મવિશ્વાસ? : 'હું કાબિલ નથી' તેમ માનીને એન્જિનિયર પોતે જ પોતાને ગણાવી રહ્યો છે નવશિખિયો

AI છીનવી રહ્યું છે આત્મવિશ્વાસ?
Published by: OBS Bureau
Last Updated: Mar 07, 2026, 09:30 PM IST

વર્તમાન સમયમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) લોકોના કામ સરળ બનાવી રહ્યું છે પરંતુ તેની પાછળ એક ગંભીર પાસું પણ છુપાયેલું છે. સતત એઆઈ પર નિર્ભર રહેવાને કારણે પ્રોફેશનલ્સમાં પોતાના કૌશલ્ય પ્રત્યે શંકા જન્મી રહી છે. તાજેતરમાં એક બેકએન્ડ એન્જિનિયરે રેડિટ પર પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું કે કેવી રીતે એઆઈના ઉપયોગે તેના આત્મવિશ્વાસને હચમચાવી દીધો છે. લગભગ 11 મહિનાથી નોકરી કરી રહેલા આ ટેક પ્રોફેશનલને હવે એવું લાગવા માંડ્યું છે કે તે અન્ય સાથીદારોની સરખામણીએ ઓછો કાબિલ છે અને આજે પણ એક નવશિખિયા જેવો અનુભવ કરી રહ્યો છે.

AI વગર કામ કરવામાં પડી મુશ્કેલી

સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલી પોસ્ટ મુજબ આ એન્જિનિયર ઓફિસના રોજિંદા કાર્યો માટે Cursor AI કોડ એડિટર અને Cloud AI આસિસ્ટન્ટ જેવા ટૂલ્સનો ઉપયોગ કરતો હતો. જો કે તેની ચિંતા ત્યારે વધી જ્યારે ગયા અઠવાડિયે અચાનક Cursor એ કામ કરવાનું બંધ કરી દીધું હતું. એક મહત્વનું કામ બાકી હોવા છતાં એઆઈની મદદ વગર તે કામ પૂરું કરવું એન્જિનિયર માટે અત્યંત કપરું સાબિત થયું હતું. આ સ્થિતિ જોઈને સિનિયર કર્મચારીઓએ પણ તેની મજાક ઉડાવી હતી કે એઆઈ વગર કામ કરવું તેના માટે મુશ્કેલ છે.

પોતાની સ્કીલ્સ પર થવા લાગી શંકા

આ ટેક પ્રોફેશનલ માટે નોકરી મેળવવાનો પ્રવાસ પણ સંઘર્ષપૂર્ણ રહ્યો હતો. વર્ષ 2023માં ગ્રેજ્યુએશન પૂરું કર્યા બાદ અનેક ઈન્ટરવ્યુમાં નિષ્ફળતા મળ્યા પછી છેક 2025માં તેને સફળતા મળી હતી. લાંબા સમયના સંઘર્ષ બાદ મળેલી નોકરીમાં હવે એઆઈ પરની નિર્ભરતાએ તેને માનસિક રીતે અસુરક્ષિત કરી દીધો છે. તેને ડર છે કે તે ખરેખર કંઈ નવું શીખી રહ્યો નથી અને જ્યારે પણ કોઈ ટેકનિકલ સમસ્યા આવે છે ત્યારે તે પોતાની બુદ્ધિ વાપરવાને બદલે એઆઈનો શોર્ટકટ અપનાવે છે.

શીખવાની ક્ષમતા પર પડી રહી છે અસર

નિષ્ણાતોના મતે એઆઈ ચોક્કસપણે કામની ગતિ વધારે છે પરંતુ તે યુઝર્સને નવી વસ્તુઓ શીખતા અટકાવી શકે છે. જ્યારે આપણે કોઈ કામમાં અટવાઈએ છીએ ત્યારે પોતાની આવડતનો ઉપયોગ કરવાને બદલે એઆઈની મદદ લેવાની આદત પડી જાય છે. આ પરિસ્થિતિ લાંબે ગાળે વ્યક્તિના આત્મવિશ્વાસ પર નકારાત્મક અસર કરે છે અને એઆઈ વગર સર્જનાત્મક કે ટેકનિકલ કાર્ય કરવું અશક્ય જેવું લાગવા માંડે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now