Home Gujarat Ahmedabad Transgender Kashish De Family Filed A Complaint Against A Daughter From Moraiya Village

અમદાવાદના કિન્નર કશિશ દે પરિવારે મોરૈયા ગામની દીકરીનું ભર્યું મામેરૂ : કિન્નર સમાજે એક ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું, ભાવનાઓનો સૌથી સુંદર સ્પર્શ

અમદાવાદના કિન્નર કશિશ દે પરિવારે મોરૈયા ગામની દીકરીનું ભર્યું મામેરૂ
Play Video
Published by: OBS Bureau
Last Updated: Feb 20, 2026, 04:47 AM IST

અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના મોરૈયા ગામમાં આવેલા ધર્મનંદન રેસીડેન્સીમાં આજે એક અનોખું અને ભાવુક દ્રશ્ય સર્જાયું હતું. ગીતાબેન કિશોરભાઈ પમારાની દીકરી ક્રિનાના લગ્ન પ્રસંગે અમદાવાદના જમાલપુરથી કશિશ દે પરિવાર મામેરું લઈને મોરૈયા પહોંચ્યો હતો. સામાન્ય રીતે મામેરું માત્ર એક પરંપરા ગણાય છે, પરંતુ આજે ક્રિનાનું મામેરું માણસાઈ, સ્નેહ અને સંબંધોની સાચી વ્યાખ્યા બની ગયું. આ પ્રસંગે ગૂંજેલા મામેરાના ગીતો અને મંગળગીતોની ધૂન મોરૈયા ગામમાં વર્ષો સુધી સંભળાતી રહેશે.

કિન્નરોએ દીકરીનું મામેરું ભર્યું

ક્રિનાના લગ્નનો આ શુભ પ્રસંગ માત્ર એક પરિવારનો આનંદ નહોતો, પરંતુ સમગ્ર ગામ માટે ભાવનાત્મક ક્ષણ બની ગયો હતો. નાયક ભાવના દે, શારદા દે, નાયક કશિશ દે અને ભાવના દે માસી તેમના પરિવાર સાથે મામેરું ભરવા માટે પહોંચ્યા હતા. ખાસ વાત એ રહી કે કિન્નર સમાજે આ પ્રસંગે એક ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું. હાથમાં કપડાં, દાગીના અને રોકડા રૂપિયા લઈને, ચહેરા પર ખુશી અને હૃદયમાં સ્નેહ સાથે કિન્નરોએ જે રીતે દીકરીનું મામેરું ભર્યું, તે જોઈને હાજર રહેલા લોકો દંગ રહી ગયા. ઘણા લોકોની આંખોમાં આંસુ આવી ગયા હતા.

કિન્નર કશિશ દેને ક્રિનાના પરિવારની મદદે!

જ્યારે કિન્નર કશિશ દેને ક્રિનાના પરિવારની પરિસ્થિતિ વિશે જાણ થતાં કહ્યું કે “દીકરીના લગ્ન છે, તો મામેરું અમે ભરીશું.” આ માત્ર એક વચન નહોતું, પરંતુ લાગણીઓનો સૌથી સુંદર સ્પર્શ હતો. આજે સવારે કશિશ દે પોતાના સમગ્ર ગ્રુપ સાથે ડીજે અને મંગળગીતો ગાતા લગ્ન સ્થળે પહોંચ્યા હતા અને આનંદભેર મામેરું ભર્યું હતું. દીકરીની માતાએ ભાવુક બનીને કહ્યું કે, “ભગવાને અમારા ઘરે સંબંધીઓ મોકલી દીધા. આ લોકો ખાલી કિન્નર નથી, અમારા સ્નેહી છે.” કિન્નર સમાજની આ પહેલે ફરી એકવાર સાબિત કરી દીધું કે સંબંધો લોહીથી નહીં, પરંતુ દિલની સચ્ચાઈ અને સારા કર્મોથી બને છે. મામેરું ભરાતા આખા ઘરમાં ઉત્સાહ, આનંદ અને આશીર્વાદનો માહોલ છવાઈ ગયો હતો. લોકો દૂર દૂરથી આ અનોખું મામેરું જોવા આવ્યા હતા અને આ પ્રસંગ મોરૈયા ગામના ઇતિહાસમાં એક યાદગાર ક્ષણ બની ગયો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now