Home Gujarat Ahmedabad Ahmedabad Shilaj Hybrid Ga Nja Seizure Sog Arrest

શીલજમાં ટુ-વ્હીલર પર ગાંજો વેચવા નીકળ્યાને પોલીસ ભટકાઈ! : SOG એ 9.08 લાખના જથ્થા સાથે 2 ને દબોચ્યા

Ahmedabad SOG
Published by: Aryan Shah
Last Updated: Apr 14, 2026, 10:17 AM IST

Ahmedabad : અમદાવાદમાં નશાના વેપારીઓ સામે પોલીસે ઝુંબેશ તેજ કરી છે. અમદાવાદ ગ્રામ્ય સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) એ બાતમીના આધારે શીલજ સર્કલ નજીક રેઇડ કરીને લાખોની કિંમતના હાઇબ્રીડ ગાંજા સાથે બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી કુલ 9.08 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને NDPS એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ગુપ્ત બાતમી અને પોલીસ વોચ

અમદાવાદ રેન્જ આઈજી અને ગ્રામ્ય એસપીની સૂચના મુજબ જિલ્લામાં નશીલા પદાર્થોની હેરાફેરી રોકવા માટે વિશેષ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ દરમિયાન SOG ની ટીમ બોપલ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે તેમને ચોક્કસ બાતમી મળી હતી કે, બે શખ્સો ટુ-વ્હીલર પર હાઇબ્રીડ ગાંજો લઈને શીલજ વિસ્તારમાં વેચાણ માટે આવવાના છે.

શીલજ સર્કલ પાસે સફળ રેઇડ

મળેલી બાતમીના આધારે પોલીસે શીલજ સર્કલ નજીક આવેલા હોક્કો આઈસ્ક્રીમ પાર્લરની સામે વોચ ગોઠવી હતી. આ દરમિયાન બે શંકાસ્પદ શખ્સો ટુ-વ્હીલર પર આવતા જ પોલીસે તેમને આંતરી લીધા હતા. તેમની તલાશી લેતા તેમની પાસેથી ભુખરા-કાળા રંગનો નશાકારક હાઇબ્રીડ ગાંજો મળી આવ્યો હતો. સ્થળ પર હાજર FSL અધિકારીએ ચકાસણી કરતાં આ પદાર્થ NDPS એક્ટ હેઠળ પ્રતિબંધિત ડ્રગ હોવાનું સાબિત થયું હતું.

9.08 લાખનો મુદ્દામાલ જપ્ત

પોલીસે આ સમગ્ર કાર્યવાહી દરમિયાન કુલ 9,08,360 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જેમાં અંદાજે 8,57,500 રૂપિયાની કિંમતનો 245 ગ્રામ હાઇબ્રીડ ગાંજો, એક ટુ-વ્હીલર, મોબાઈલ ફોન અને રોકડ રકમનો સમાવેશ થાય છે. આટલી મોટી માત્રામાં નશીલો પદાર્થ ક્યાંથી લાવવામાં આવ્યો અને કોને વેચવાનો હતો તે દિશામાં પોલીસે તપાસ તેજ કરી છે.

આ પણ ખાસ વાંચો : અમદાવાદ એરપોર્ટ પર DRIનો સપાટો : બેંગકોકથી લવાયેલો હાઇબ્રિડ ગાંજો જપ્ત, 2ની ધરપકડ

આરોપીઓની વિગત અને તપાસ

ઝડપાયેલા આરોપીઓમાં નવા વાડજ વિસ્તારનો 27 વર્ષીય યશ કનૈયાલાલ ચૌહાણ અને ભાડજ વિસ્તારનો 42 વર્ષીય નીરજ પ્રવિણભાઈ પટેલ સામેલ છે. જોકે, આ ગુનામાં સંડોવાયેલો અન્ય એક આરોપી કેનીલ પટેલ હાલ ફરાર છે, જેને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે બોપલ પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now