Home Gujarat Ahmedabad Plane Crash Accident Police Department Is Continuously Working To Maintain Order In Coordination With The Administration Health Department And Other Agencies

અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના : વહીવટી તંત્ર, આરોગ્ય વિભાગ અને અન્ય એજન્સીઓ સાથે સંકલન દ્વારા પોલીસ વિભાગ વ્યવસ્થા જાળવવા સતત કાર્યરત

અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના
Published by: OBS Bureau
Last Updated: Jun 16, 2025, 02:18 PM IST

અમદાવાદના મેઘાણીનગરમાં બનેલી એર ઇન્ડિયાના પ્લેન ક્રેશની ગોઝારી ઘટના બાદ વહીવટી તંત્ર અને રાજ્ય સરકારના વિભાગો તથા રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ એજન્સીઓ દ્વારા ત્વરિત રાહત, બચાવ અને રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવી હતી. પ્લેન ક્રેશ દુર્ઘટના બાદથી જ પોલીસ વિભાગ દ્વારા સતતપણે સંયમ અને શિસ્ત સાથે બહુઆયામી કામગીરી કરવામાં આવી હતી.

પોલીસ વિભાગ દ્વારા શહેર પોલીસની વિવિધ ટીમોને તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે મોકલીને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. શહેર પોલીસ કમિશનર જી. એસ. મલિકે પોલીસ વિભાગની કામગીરી વિશે વાત કરતાં જણાવ્યું હતું કે દુર્ઘટનાના દિવસથી જ પોલીસ અને વહીવટીતંત્ર સતત રાહત, બચાવ અને વ્યવસ્થા જાળવવા માટે કાર્યરત રહ્યું છે.

12મી જૂનના રોજ બપોરે દુર્ઘટનાના સમાચાર મળતાં તેમના સહિત પોલીસ દળોની વિવિધ ટુકડીઓ તરત જ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસ વિભાગે દુર્ઘટનાસ્થળે પહોંચીને તરત જ અન્ય એજન્સીઓ સાથે રાહત અને બચાવ કામગીરી હાથ ધરી હતી. ઘટનાસ્થળે ભીડને કાબૂમાં કરવા સાથે મૃતદેહો અને અસરગ્રસ્તોને હોસ્પિટલ પહોંચાડવા તથા ટ્રાફિક અને વ્યવસ્થાના નિયમનમાં પોલીસ તંત્રએ ચાવીરૂપ ભૂમિકા નિભાવી હતી.

પોલીસ કમિશનર જી. એસ. મલિકે એ જણાવ્યું કે આયોજનપૂર્વક અગ્નિશામકો અને એમ્બ્યુલન્સ માટે ગ્રીન કોરિડોર બનાવવામાં આવ્યા હતા, જેથી રાહત અને બચાવ કામગીરી ઝડપથી થઇ શકે. એસડીઆરએફ, એનડીઆરએફ અને એનએસજી, સીઆઈએસએફ, સીઆરપીએફ, બીએસએફ અને અર્ધલશ્કરી દળો સહિતની અન્ય ટીમો સાથે મળીને પોલીસ વિભાગના અધિકારીઓ, કર્મચારીઓએ સતત કામગીરી કરી હતી.

એ જ રીતે, સિવિલ હોસ્પિટલ ખાતે પણ હોસ્પિટલના દરેક વિભાગો કે જ્યાંથી સગાઓને તેમના સ્વજનોના પાર્થિવ મૃતદેહો સોંપવાની કામગીરી કરવામાં આવે છે ત્યાં પણ પોલીસકર્મીઓ વ્યવસ્થા જાળવવાની કામગીરી કરી રહ્યા છે. આરોગ્ય વિભાગ સાથે સુચારું સંકલન થકી પોલીસ વિભાગ ડીએનએ મેચિંગ બાદ દર્દીઓના સગાઓને પાર્થિવ દેહ સોંપવાની કામગીરીમાં પણ મદદરૂપ થઈ રહ્યા છે. એટલું જ નહીં, પોલીસકર્મીઓ મૃતદેહોને તેમના નિવાસસ્થાન સુધી પહોચાડવા માટે પણ જઈ રહ્યા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now