Ahmedabad News: શહેરમાં સરકારી આવાસ અપાવવાના બહાને નિર્દોષ નાગરિકો સાથે છેતરપિંડી આચરવાનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ કૌભાંડમાં અંદાજે 500થી વધુ લોકો ઠગાઈનો ભોગ બન્યા હોવાની આશંકા સેવાઈ રહી છે, જેને પગલે બોડકદેવ પોલીસ સ્ટેશન ખાતે ભોગ બનનારા લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.
શું છે સમગ્ર મામલો?
મળતી માહિતી મુજબ, અંકિત પટેલ અને રાગીણી પટેલ નામના બે વ્યક્તિઓએ લોકોને સરકારી આવાસ યોજના હેઠળ સસ્તામાં મકાન અપાવવાની લાલચ આપી હતી. આ માટે તેમણે દરેક વ્યક્તિ પાસેથી રૂ. 50,000 કે તેથી વધુની રકમ ઉઘરાવી હતી. આશરે એક વર્ષ પહેલાં આ પૈસા લેવામાં આવ્યા હતા, પરંતુ આજદિન સુધી કોઈને આવાસ મળ્યા નથી કે પૈસા પરત મળ્યા નથી.
6 એપ્રિલ 1980: જનતા પ્રયોગના પતનથી ‘કમળ’ના ઉદય સુધી : ભારતીય જનતા પાર્ટીના જન્મની સંઘર્ષગાથા
હાઈપ્રોફાઈલ ઓળખ આપી છેતરપિંડી કરી
ભોગ બનનારા લોકોએ આક્ષેપ કર્યો છે કે આરોપી અંકિત પટેલે પોતાની ખોટી ઓળખ આપીને વિશ્વાસ જીત્યો હતો. તે પોતે ઉદ્યોગ ભવનમાં કામ કરતો હોવાનું જણાવતો હતો. લોકો પર પ્રભાવ પાડવા માટે તે પૂર્વ મુખ્યમંત્રી આનંદીબહેન પટેલનો ભત્રીજો હોવાનો પણ દાવો કરતો હતો.
પોલીસ સ્ટેશનમાં હોબાળો
આજે મોટી સંખ્યામાં છેતરપિંડીનો ભોગ બનેલા લોકો બોડકદેવ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. રોષે ભરાયેલા લોકોએ આરોપીઓ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી ‘હુરિયો’ બોલાવ્યો હતો. ભોગ બનનાર લોકોની એક જ માંગ હતી કે, “ગમે તે ભોગે અમારા પૈસા પાછા આપો.”
પોલીસ કાર્યવાહી
મામલાની ગંભીરતાને જોતા બોડકદેવ પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે મુખ્ય આરોપી અંકિત પટેલને રાઉન્ડઅપ કરી તેની પૂછપરછ શરૂ કરી છે. સમગ્ર મામલે વિધિવત ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે સરકારી યોજનાઓના નામે ચાલતી લાલચોથી સાવધ રહેવું અત્યંત જરૂરી છે. પોલીસ હવે એ તપાસ કરી રહી છે કે આ કૌભાંડમાં અન્ય કોઈ મોટા માથાઓ સામેલ છે કે કેમ.






