Home Gujarat Ahmedabad Ahmedabad Firecracker Factory Amit Chavda Demand Safety Check

તક્ષશિલા, મોરબી, રાજકોટ બાદ હવે અમદાવાદ... : ક્યાં સુધી નિર્દોષો જીવ ગુમાવશે? અમિત ચાવડાના આકરા પ્રહાર

અમદાવાદમાં ફટાકડાની ફેક્ટરી
Published by: OBS Bureau
Last Updated: Jul 18, 2026, 01:55 PM IST

Ahmedabad News: અમદાવાદમાં ફટાકડાની ફેક્ટરીમાં થયેલા ભયાનક વિસ્ફોટ અને આગની ઘટનાને લઈને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડાએ ઊંડું દુઃખ વ્યક્ત કર્યું છે. અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, અમદાવાદમાં ફટાકડાની ફેક્ટરીમાં થયેલા વિસ્ફોટ અને આગની ઘટનામાં અનેક નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યાના અને અનેક લોકો ઘાયલ થયાના સમાચાર અત્યંત દુઃખદ અને દુર્ભાગ્યપૂર્ણ છે.

રાજ્ય સરકાર અને તંત્રને અપીલ

અમે તમામ મૃતકોના પવિત્ર આત્માની શાંતિ માટે પ્રાર્થના કરીએ છીએ તથા તેમના પરિવારજનો પ્રત્યે હાર્દિક સંવેદના વ્યક્ત કરીએ છીએ. સાથે જ તમામ ઘાયલોને તાત્કાલિક અને શ્રેષ્ઠ સારવાર મળે તથા બચાવ અને રાહત કામગીરી ઝડપથી પૂર્ણ કરવામાં આવે તેવી રાજ્ય સરકાર અને તંત્રને અપીલ કરીએ છીએ.

અમદાવાદ ફટાકડા ફેક્ટરીમાં ભયાનક દુર્ઘટના : ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે, તપાસ અને બચાવ કામગીરી અંગે શું આપ્યું નિવેદન?

સલામતીના નિયમોના અમલમાં ગંભીર બેદરકારી

ગુજરાતમાં વારંવાર બનતી આવી દુર્ઘટનાઓ માત્ર અકસ્માત નથી, પરંતુ તંત્રની બેદરકારી, ભ્રષ્ટાચાર અને સત્તાધીશોની મિલીભગતનું પરિણામ છે. સુરતનો તક્ષશિલા અગ્નિકાંડ, મોરબી દુર્ઘટના, વડોદરાનો હરણી કાંડ, રાજકોટ અગ્નિકાંડ, તાજેતરમાં ડીસા અને કપડવંજની ફટાકડાની ફેક્ટરીમાં થયેલા વિસ્ફોટો બાદ આજે અમદાવાદમાં બનેલી આ ઘટના સ્પષ્ટ કરે છે કે સલામતીના નિયમોના અમલમાં ગંભીર બેદરકારી રાખવામાં આવી રહી છે.

જવાબદાર તમામ અધિકારીઓ અને સંકળાયેલા લોકો સામે કડક કાર્યવાહી

સમગ્ર ગુજરાતમાં ગેરકાયદેસર રીતે ચાલતી ફેક્ટરીઓ, જોખમી એકમો અને અન્ય વ્યવસાયિક પ્રવૃત્તિઓને ભ્રષ્ટાચારના કારણે છૂટ આપવામાં આવે છે, જેના કારણે નિર્દોષ લોકો જીવ ગુમાવે છે. આ ઘટનાના જવાબદાર તમામ અધિકારીઓ અને સંકળાયેલા લોકો સામે કડક કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ.

અમદાવાદ ફટાકડા ફેક્ટરી દુર્ઘટના : PM મોદીએ PMNRFમાંથી ₹2 લાખની સહાય જાહેર કરી, રાજ્ય સરકાર આપશે મૃતકોના પરિવારને ₹4 લાખ

સમગ્ર ગુજરાતમાં જ્યાં જ્યાં ફટાકડાની ફેક્ટરીઓ, જોખમી ઉદ્યોગો, ગેમ ઝોન અને આગ જેવી દુર્ઘટનાઓ સર્જાય તેવી શક્યતા ધરાવતા એકમોને મંજૂરી આપવામાં આવી હોય ત્યાં તાત્કાલિક વિશેષ ચકાસણી અભિયાન હાથ ધરવામાં આવે અને સલામતીના તમામ નિયમોનું કડક પાલન સુનિશ્ચિત કરવામાં આવે, જેથી ભવિષ્યમાં આવી દુઃખદ ઘટનાઓનું પુનરાવર્તન અટકાવી શકાય. મૃતકોના પરિવારજનોને પૂરતું વળતર, જરૂરી સહાય તથા ઘાયલોને શ્રેષ્ઠ સારવાર ઉપલબ્ધ કરાવીને રાજ્ય સરકારે પોતાની જવાબદારીનું વહન કરવું જરૂરી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now