Home Gujarat Prantij Angadia Rs13 Lakh Robbery Sabarkantha

સાબરકાંઠાના પ્રાંતિજમાં આંગડિયા કર્મી પાસેથી ₹13 લાખની લૂંટ : CCTVના આધારે તપાસ શરૂ

પ્રાંતિજ માર્કેટયાર્ડ નજીક આંગડિયા પેઢીના કર્મચારી સાથે થયેલી લૂંટ બાદ તપાસ કરતી પોલીસ.
Published by: Prashant Doshiyar
Last Updated: Jul 18, 2026, 02:21 PM IST

Sabarkantha News: સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજમાં આંગડિયા પેઢીના કર્મચારી પાસેથી રૂ. 13 લાખની રોકડ રકમની લૂંટની ઘટના સામે આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ઘટનાની જાણ થતાં પ્રાંતિજ પોલીસ સહિતનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. પ્રાથમિક માહિતી અનુસાર, હાઇવે ત્રણ રસ્તા નજીક આવેલી આંગડિયા પેઢીમાંથી કર્મચારી રોકડ રકમ લઈને કારમાં નીકળ્યો હતો. આ દરમિયાન બાઇક પર આવેલા શખ્સોએ તેનો પીછો શરૂ કર્યો અને માર્કેટયાર્ડ નજીક પહોંચતા કારની આગળ બાઇક લાવી તેને રોકી હતી.

તકરાર બાદ રોકડથી ભરેલી બેગ ઝૂંટવી ફરાર

કાર રોકાયા બાદ બાઇકસવાર અને કર્મચારી વચ્ચે બોલાચાલી અને તકરાર થઈ હતી. આ દરમિયાન તકનો લાભ લઈ બાઇકસવાર શખ્સોએ કારમાંથી અંદાજે રૂ. 13 લાખની રોકડ ભરેલી બેગ ઝૂંટવી લીધી અને પળવારમાં સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં પ્રાંતિજ પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. પોલીસે આસપાસના વિસ્તારમાં નાકાબંધી કરી આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.

CCTV ફૂટેજના આધારે આરોપીઓ સુધી પહોંચવાના પ્રયાસ

પોલીસ દ્વારા ઘટનાસ્થળ તેમજ આસપાસના માર્ગો પર લાગેલા CCTV કેમેરાના ફૂટેજ એકત્રિત કરવામાં આવી રહ્યા છે. લૂંટારુઓની ઓળખ, તેઓ કઈ દિશામાં ફરાર થયા અને ઘટનામાં કેટલા લોકો સંડોવાયેલા હતા તે અંગે તપાસ ચાલી રહી છે.

પૂર્વયોજિત લૂંટ હોવાની આશંકા

પ્રાથમિક તપાસમાં પોલીસને આશંકા છે કે લૂંટારુઓને કર્મચારી પાસે મોટી રકમ હોવાની અગાઉથી જાણકારી હતી અને તેના આધારે સમગ્ર ઘટનાને અંજામ આપવામાં આવ્યો હોઈ શકે છે. પોલીસે આંગડિયા પેઢીના કર્મચારીઓ અને અન્ય સંબંધિત લોકોના નિવેદનો પણ નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો
: અમદાવાદના રામોલ ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ બાદ ઈસુદાન ગઢવીની માંગ : મૃતકોના પરિવારને 50 લાખ વળતર અને જવાબદારો સામે કડક કાર્યવાહી

વિવિધ ટીમો તપાસમાં જોડાઈ

લૂંટના ગુનાનો જલ્દી ભેદ ઉકેલવા માટે સ્થાનિક પોલીસ ઉપરાંત એલસીબી અને એસઓજી સહિતની ટીમોને પણ તપાસમાં જોડવામાં આવી શકે છે. પોલીસે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે ટેકનિકલ સર્વેલન્સ, CCTV ફૂટેજ અને અન્ય પુરાવાઓના આધારે આરોપીઓને ટૂંક સમયમાં ઝડપી લેવામાં આવશે.


joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now