Ahmedabad News: અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં રામોલ-ગતરાડ રોડ પર આજે (18 જુલાઈ) એક હૃદયકંપાવનારી ઘટના સામે આવી છે. અહીં ગેરકાયદેસર રીતે ધમધમતી ફટાકડાની એક ફેક્ટરીમાં પ્રચંડ વિસ્ફોટ થયો હતો. આ બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે તેનો અવાજ અંદાજે 5 કિલોમીટર દૂર સુધી સંભળાયો હતો અને આસપાસના સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ દુર્ઘટનામાં 8 લોકોના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે, જ્યારે 15 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.
પ્રાથમિક માહિતી મુજબ, વિસ્ફોટ એટલો ભયાનક હતો કે શ્રમિકોના શરીરના અવશેષો દૂર સુધી ફંગોળાયા હતા. વિસ્ફોટ બાદ ફેક્ટરીમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. ઘટનાની જાણ થતાં જ અમદાવાદ ફાયર એન્ડ ઇમર્જન્સી સર્વિસિસની પાંચથી વધુ ગાડીઓ, એમ્બ્યુલન્સ અને ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા. હાલ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લેવામાં આવ્યો છે અને ફાયર વિભાગ દ્વારા કુલિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે.
આ દુર્ઘટના અંગે ઘટનાસ્થળે પહોંચેલા વિવિધ વિભાગના ઉચ્ચ અધિકારીઓએ આપેલા સત્તાવાર નિવેદનો નીચે મુજબ છે..
શરદ સિંઘલ (JCP, ક્રાઈમ બ્રાંચ)નું નિવેદન
અગ્નિકાંડના સ્થળે પહોંચેલા ક્રાઈમ બ્રાંચના JCP શરદ સિંઘલે જણાવ્યું હતું કે, "આ વિસ્તાર રામોલમાં પડે છે અને આગળ જ RAFનું હેડક્વોર્ટર આવેલું છે. આ ઘટનાને પગલે તરત જ તમામ ટીમો ત્યાં પહોંચી ગઈ હતી. હાલ પોલીસ અને ફાયરની ટીમો ઘટનાસ્થળે હાજર છે અને રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે. એલ.ડી. હોસ્પિટલ અને સિવિલ હોસ્પિટલમાં પણ DGP કક્ષાના અધિકારી તૈનાત છે."
તેમણે વધુમાં ઉમેર્યું કે, "આ ઘટનામાં કુલ 15 લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ મામલે બેદરકારી બદલ આરોપીઓ વિરુદ્ધ મનુષ્ય વધનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ક્રાઈમ બ્રાંચ દ્વારા આ ઘટનામાં મુખ્ય આરોપી મેહુલ ડોડીયા સહિતના અન્ય જવાબદારોની શોધખોળ શરૂ કરી દેવામાં આવી છે. આ જમીન કોની છે તે અંગે પણ ઝીણવટભરી તપાસ જારી છે."
અમિત ડોંગરે (ચીફ ફાયર ઓફિસર)નું નિવેદન
દુર્ઘટના અને બચાવ કામગીરી અંગે માહિતી આપતા ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરેએ જણાવ્યું હતું કે, "ફાયર કંટ્રોલ રૂમને આ બ્લાસ્ટ અને આગ અંગેનો મેસેજ મળતા જ તાત્કાલિક ફાયરની ટુકડીઓને ઘટનાસ્થળે રવાના કરી દેવામાં આવી હતી. અમારી ટીમોએ કલાકોની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો છે."
તેમણે કાયદાકીય મંજૂરીઓ અંગે પ્રશ્ન ઉઠાવતા સ્પષ્ટ કર્યું કે, "આ ફેક્ટરી પાસે ફાયર વિભાગની NOC (No Objection Certificate) હતી કે નહીં તે અંગે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે અને જો નિયમોનું ઉલ્લંઘન થયું હશે તો કડક કાર્યવાહી કરાશે."
બંછાનિધિ પાનીનું નિવેદન
અમદાવાદ મ્યુનિ.કમિશ્નર બંછાનિધિ પાનીએ આ ઘટના અંગે જણાવ્યું હતું કે દુર્ઘટના સ્થળે અમારી ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. અલગ અલગ ટીમો દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. એક્સપ્લોઝીવ પરમિશન અન્ય મંજુરીઓની તપાસ કરી રહ્યા છે.
રતુલ દાસ (RAF કમાન્ડન્ટ) નું નિવેદન
આ દુર્ઘટના વસ્ત્રાલ સ્થિત RAF (Rapid Action Force) કેમ્પની બિલકુલ પાછળ જ ઘટી હોવાથી RAFના જવાનોએ દેવદૂત બનીને ભૂમિકા ભજવી હતી. RAF કમાન્ડન્ટ રતુલ દાસે જણાવ્યું હતું કે, "ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ થતા જ કેમ્પમાં એલર્ટ જાહેર કરાયું હતું. અવાજ સાંભળીને RAFની QRT (Quick Response Team) સૌથી પહેલા દોડી ગઈ હતી અને ત્યારબાદ તુરંત જ RAFની અન્ય ટીમો પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી."
તેમણે ઉમેર્યું કે, ફાયર બ્રિગેડ પહોંચે તે પહેલાં જ જવાનોએ ફેક્ટરીની અંદર ફસાયેલા અને ઈજાગ્રસ્ત થયેલા લોકોને બહાર કાઢવાની કપરી કામગીરી શરૂ કરી દીધી હતી. સમયસર થયેલી આ ત્વરિત કામગીરીને કારણે અનેક લોકોના જીવ બચાવવામાં મોટી સફળતા મળી છે.
તંત્રની કામગીરી સામે ઉઠતા સવાલો
આ ભયાનક દુર્ઘટના બાદ સમગ્ર વહીવટી તંત્ર દોડતું તો થયું છે, પરંતુ સ્થાનિક સ્તરે અનેક ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે. આ ફટાકડાની ફેક્ટરી કોની મંજૂરીથી રહેણાંક અને સંવેદનશીલ વિસ્તારની નજીક ધમધમતી હતી? ફેક્ટરીની અંદર સુરક્ષાના નિયમોનું પાલન થતું હતું કે કેમ? આટલી મોટી ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી હતી છતાં અગાઉ તંત્રએ પોતાની ફરજ કેમ ન નિભાવી? આ નિર્દોષ 8 લોકોના મોતની દુર્ઘટના માટે અસલી જવાબદાર કોણ? અને શું જવાબદારો સામે દાખલારૂપ પગલાં લેવાશે?





