Ahmedabad News: અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં આવેલી ગેરકાયદેસર ફટાકડા ફેક્ટરીમાં થયેલા વિનાશક બ્લાસ્ટ બાદ પોલીસ તપાસ વધુ ઝડપી બની છે. આ દુર્ઘટનામાં અનેક નિર્દોષ લોકોના જીવ ગયા બાદ હવે સમગ્ર કેસમાં સંડોવાયેલા લોકો સામે કાયદાકીય કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. રામોલ પોલીસે અત્યાર સુધીમાં રમીલા ડોડીયા, પવન અગ્રવાલ, સંતોષ સોલંકી અને સાદિક સૈયદ સહિત ચારથી વધુ લોકોની અટકાયત કરી હોવાનું સામે આવ્યું છે. બીજી તરફ, ફેક્ટરીના મુખ્ય સંચાલક મેહુલ ડોડીયા ઘટના બાદ આખી રાત અમદાવાદમાં અલગ-અલગ સ્થળોએ ફરતો રહ્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, ઘટનાના તમામ પાસાઓની ગંભીરતાથી તપાસ કરવામાં આવી રહી છે. ગેરકાયદેસર રીતે ફટાકડાનું ઉત્પાદન કેવી રીતે ચાલતું હતું, તેમાં કોણ-કોણ સંડોવાયેલું હતું અને આ સમગ્ર નેટવર્કને કોણે આર્થિક તથા અન્ય રીતે મદદ કરી હતી તે દિશામાં તપાસ આગળ વધી રહી છે.
કપડવંજથી સાદિક સૈયદ ઝડપાયો
બ્લાસ્ટ કેસમાં નામ સામે આવેલા સાદિક સૈયદને રામોલ પોલીસે ખેડા જિલ્લાના કપડવંજ વિસ્તારમાંથી ઝડપી પાડ્યો છે. પોલીસના જણાવ્યા મુજબ સાદિક સૈયદ સામે ખેડા જિલ્લામાં પણ અન્ય એક કેસમાં વોન્ટેડ હોવાની માહિતી મળી છે. તેની પૂછપરછના આધારે ગેરકાયદેસર ફટાકડા ફેક્ટરીના સંચાલન અને તેમાં સામેલ અન્ય લોકો વિશે મહત્વની માહિતી મળવાની શક્યતા છે. પોલીસે રમીલા ડોડીયા, પવન અગ્રવાલ અને સંતોષ સોલંકીની પણ અટકાયત કરીને પૂછપરછ શરૂ કરી છે. તપાસ દરમિયાન આ તમામ લોકોની ભૂમિકા અને તેમની વચ્ચેના આર્થિક વ્યવહારોની પણ ચકાસણી કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો: અમદાવાદ રિવરફ્રન્ટ પર પાર્કિંગમાં ઉભેલી કારમાં લાગી આગ : પોલીસ-ફાયર બ્રિગેડની સમયસર કામગીરીથી મોટી દુર્ઘટના ટળી
મેહુલ ડોડીયાએ ઘટના બાદ અનેક લોકોનો કર્યો સંપર્ક
તપાસ દરમિયાન સામે આવેલી વિગતો મુજબ, ફેક્ટરી માલિક મેહુલ ડોડીયા બ્લાસ્ટ બાદ ધરપકડથી બચવા માટે આખી રાત અમદાવાદમાં અલગ-અલગ સ્થળોએ ફરતો રહ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, ઘટનાની જાણ થતાં જ તેણે સૌથી પહેલા સંતોષ સોલંકીનો સંપર્ક કર્યો અને નાણાંની વ્યવસ્થા માટે મદદ માગી હતી. ત્યારબાદ તેણે પવન અગ્રવાલને મળ્યાની માહિતી પણ સામે આવી છે. તપાસ મુજબ પવન અગ્રવાલ ફેક્ટરીમાંથી ફટાકડાનો માલ ખરીદતો હતો અને વધુ ઉત્પાદન માટે તેણે અગાઉ નાણાકીય મદદ પણ કરી હોવાનું તપાસમાં સામે આવ્યું છે. આ સમગ્ર આર્થિક વ્યવહારની વિગતો મેળવવા પોલીસે સંબંધિત દસ્તાવેજો અને ડિજિટલ પુરાવાઓની તપાસ શરૂ કરી છે.
મિત્ર, ભાઈ અને વકીલનો પણ કર્યો સંપર્ક
પોલીસ તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે પવન અગ્રવાલને મળ્યા બાદ મેહુલ ડોડીયા તેના મિત્ર હરીશ મકવાણાને મળવા ગયો હતો. ત્યારબાદ તેણે પોતાના ભાઈ જેકીનો પણ સંપર્ક કર્યો હતો. તપાસ મુજબ જેકી પણ પોલીસની નજરથી બચવા માટે શહેરમાં સ્કૂટી પર ફરતો રહ્યો હોવાની માહિતી સામે આવી છે. આ ઉપરાંત મેહુલ ડોડીયાએ એક વકીલનો પણ સંપર્ક કર્યો હતો. તપાસમાં એવી માહિતી સામે આવી છે કે વકીલે તેને રાત્રિના સમયે પોલીસ સમક્ષ હાજર ન થવાની સલાહ આપી હોવાનું કહેવાઈ રહ્યું છે. જોકે, આ સમગ્ર મુદ્દે પોલીસ તમામ પાસાઓની તપાસ કરી રહી છે અને દરેક માહિતીની સત્તાવાર પુષ્ટિ બાદ જ આગળની કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચો: અમદાવાદમાં ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ મામલે નોંધાઈ FIR : 12 વર્ષ પહેલાં આ જ ફેક્ટરીમાં થયેલા બ્લાટથી ગયો હતો કિશોરનો જીવ
બે વખત ફેક્ટરી બંધ કરવાની ભલામણ થઈ હોવાનો ખુલાસો
આ સમગ્ર કેસમાં સૌથી ચોંકાવનારી માહિતી એ સામે આવી છે કે રામોલ પોલીસ ઇન્સ્પેક્ટર (PI) દ્વારા અગાઉ બે વખત આ ગેરકાયદેસર ફેક્ટરી બંધ કરાવવા માટે સંબંધિત તંત્રને રિપોર્ટ મોકલવામાં આવ્યો હતો. માહિતી અનુસાર, 1 સપ્ટેમ્બર, 2025 અને 18 માર્ચ, 2026ના રોજ રામોલ PI દ્વારા ફેક્ટરી વિરુદ્ધ કાર્યવાહી કરવા અને તેને બંધ કરાવવા માટે રિપોર્ટ કરવામાં આવ્યો હતો. તેમ છતાં ફેક્ટરીમાં કામગીરી ચાલુ રહી હતી. હવે આ રિપોર્ટ બાદ પણ ફેક્ટરી કેમ બંધ ન થઈ અને કયા સ્તરે બેદરકારી રહી તે મુદ્દે પણ તપાસ શરૂ કરવામાં આવી છે.
ગેરકાયદેસર ફેક્ટરી કેવી રીતે ધમધમતી રહી?
આ દુર્ઘટના બાદ અનેક સવાલો ઊભા થયા છે. જો ફેક્ટરી વિરુદ્ધ અગાઉથી પોલીસ દ્વારા રિપોર્ટ કરવામાં આવ્યો હતો, તો પછી સંબંધિત વિભાગોએ સમયસર કાર્યવાહી કેમ ન કરી? જરૂરી લાયસન્સ અને સુરક્ષા ધોરણો વિના ફટાકડાનું ઉત્પાદન કેવી રીતે ચાલુ રહ્યું? અને નિયમિત ચકાસણી દરમિયાન આ ગેરરીતિઓ કેમ સામે આવી નહીં? તપાસ એજન્સીઓ હવે આ તમામ મુદ્દાઓની પણ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. જો કોઈ સરકારી અધિકારી અથવા અન્ય વ્યક્તિની બેદરકારી કે સંડોવણી સામે આવશે તો તેમની સામે પણ કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે.
તપાસ હજુ ચાલુ, વધુ ધરપકડની શક્યતા
રામોલ પોલીસ, ફોરેન્સિક નિષ્ણાતો અને અન્ય તપાસ એજન્સીઓ ઘટનાસ્થળેથી મળેલા પુરાવાઓનું વિશ્લેષણ કરી રહી છે. ફેક્ટરીના નાણાકીય વ્યવહારો, ભાગીદારી, લાયસન્સ, વિસ્ફોટકોની ખરીદી અને સપ્લાય ચેઇનની પણ તપાસ કરવામાં આવી રહી છે. પોલીસનું કહેવું છે કે તપાસ હજુ પ્રારંભિક તબક્કામાં છે અને પુરાવાના આધારે વધુ લોકોની સંડોવણી સામે આવે તો તેમની સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ દુર્ઘટનામાં જવાબદાર દરેક વ્યક્તિ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે અને સમગ્ર ઘટનાની જવાબદારી નક્કી કરવા માટે તપાસ તમામ દિશામાં આગળ વધી રહી છે.