અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં મંગળવારે ફૂડ પોઈઝનિંગની ઘટના સામે આવતા આરોગ્ય વિભાગમાં ખળભળાટ મચી ગયો હતો. લગ્નપ્રસંગ દરમિયાન પીરસાયેલા ખોરાક બાદ આશરે 70 લોકોને ઝાડા અને ઉલટીની તકલીફ થતાં તેમને તાત્કાલિક શહેરની વિવિધ હોસ્પિટલોમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાએ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય તંત્રની કામગીરી પર સવાલો ઉભા કર્યા છે.
શું છે સમગ્ર મામલો?
મળતી માહિતી મુજબ, અમદાવાદના દાણીલીમડાની શક્તિ સોસાયટીના એક પરિવાર દ્વારા કાંકરિયા વિસ્તારમાં આવેલા પિકનિક હાઉસમાં લગ્નપ્રસંગનું ભોજન આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ચિકન, ફિશ, હલવો, દહીંવડા અને છાશ સહિતની વાનગીઓ પીરસવામાં આવી હતી. ભોજન બાદ કેટલાક લોકોને અસ્વસ્થતા અનુભવાતા ઝાડા-ઉલટીની અસર જોવા મળી હતી, જેના કારણે તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવાની ફરજ પડી હતી.
આ ઘટનામાં ચેપીરોગની હોસ્પિટલમાં 46, શિફા હોસ્પિટલમાં 20 અને એલ.જી. હોસ્પિટલમાં 3 લોકો સહિત કુલ 70 લોકોને સારવાર આપવામાં આવી હતી. આરોગ્ય વિભાગે તાત્કાલિક કાર્યવાહી કરીને દર્દીઓની સ્થિતિ પર નજર રાખી છે.
આ મામલે મ્યુનિસિપલ કમિશનરની સમીક્ષા બેઠક
આ ઘટનાને પગલે મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ હતી, જેમાં વિવિધ વિભાગોના અધિકારીઓ હાજર રહ્યા હતા. બેઠકમાં શહેરમાં પરમીશન વગર વેચાતા નોનવેજ ખોરાક સામે કડક કાર્યવાહી કરવા સૂચનાઓ આપવામાં આવી હતી.
આ પણ વાંચો: ગુજરાતમાં એકસાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય : આ જિલ્લાઓમાં વરસાદી ચેતવણી, વાવાઝોડા જેવો પવન ફૂંકાશે
કમિશનરે ખાસ કરીને મ્યુનિસિપલ પાર્ટી પ્લોટ અને જાહેર સ્થળોએ નોનવેજ ખોરાકના દુરુપયોગ પર નિયંત્રણ લાવવા કહ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે વધેલો નોનવેજ કચરો ડ્રેનેજમાં નાખવાથી લાઈન બ્લોક થવાની સમસ્યા ઊભી થાય છે, જેથી આવા લોકો સામે કડક પગલાં લેવાની જરૂર છે.
વધુમાં, જાહેર આરોગ્યને જોખમમાં મૂકે તેવી પ્રવૃત્તિઓ સામે કડક વલણ અપનાવવા માટે પણ સૂચના આપવામાં આવી છે. જો કોઈ વ્યક્તિ કે સંસ્થા દ્વારા આવા બેદરકારીભર્યા કૃત્યો કરવામાં આવે, તો તેને બ્લેકલિસ્ટ કરવી તેમજ જરૂરી જણાય તો પોલીસ ફરિયાદ નોંધવાની કાર્યવાહી પણ કરવી જોઈએ.






