Home Gujarat Ahmedabad Ahmedabad Chandkheda Food Poisoning Two Children Death

ચાંદખેડા 'ઢોસાનું ખીરું' મુદ્દે પોલીસ તપાસ તેજ : PI મકવાણાએ આપી ઘટનાની ચોંકાવનારી વિગતો, પરિજન અને દુકાનદારના સામસામે આક્ષેપો!

ચાંદખેડા મુદ્દે પરિજન અને પતિ-પત્ની બતાવતું દ્રશ્ય
Published by: Chintan Chavda
Last Updated: Apr 07, 2026, 10:15 AM IST

6 એપ્રિલના રોજ અમદાવાદમાં એક રહસ્યમય અને શોકિંગ ઘટના સામે આવી હતી. ચાંદખેડા વિસ્તારમાં તૈયાર ખીરું લાવી તેના ઢોસા બનાવી ખાવાથી બે માસૂમ બાળકીના મોત નિપજ્યાનો પરિવારે આક્ષેપ કર્યો છે. મારુતિ પ્લાઝા સોસાયટીમાં રહેતા વિમલ પ્રજાપતિ ધનશ્યામ ડેરીમાંથી ખીરું લાવ્યા હતા. તેમાંથી ઢોસા બનાવી ખાતા પરિવારની તબિયત લથડી હતી. જેમાં 3 મહિનાની રાહા અને 4 વર્ષની મીશ્રી નામની બાળકીના મોત નિપજ્યાં હતા.

મૃતકોના પરિજને શું કહ્યું?

પરિવારજન ગૌરીશંકર પ્રજાપતિએ જણાવ્યું હતું કે, "મારો છોકરો સાંજે 8 વાગ્યે ઘનશ્યામ ડેરી આઈસોલેશન રોડ પરથી ખીરું (ઢોસાનું) લઈ આવ્યો હતો. ત્યારબાદ તેણે ઢોસા બનાવીને ખાધા હતા. બીજા દિવસે સવારે તેને ઉલટીઓ થવા લાગી, તેથી તેને હોસ્પિટલમાં એડમિટ કર્યો. તેની પત્નીને ખબર ન હતી કે આ ખાવાથી જ ઉલટીઓ થઈ છે, એટલે તેણે અને તેની સાડા ત્રણ વર્ષની દીકરીએ પણ ઢોસા ખાધા. બીજા દિવસથી તેમને પણ ઉલટીઓ થવા લાગી."

ન્યાયની માંગ કરતાં ગૌરીશંકર પ્રજાપતિએ જણાવ્યું, "અમે ચારેયને હોસ્પિટલ લઈ ગયા, જેમાં બે મહિનાની નાની બાળકીનું ટૂંકી સારવાર બાદ મૃત્યુ થયું છે. બીજા દિવસે સાડા ત્રણ વર્ષની દીકરીને પણ હોસ્પિટલ લઈ ગયા હતા પરંતુ ડોક્ટરો તેને બચાવી શક્યા નહીં. ડોક્ટરોએ ઓક્સિજનની કમી જણાવી તેને મૃત જાહેર કરી હતી. અત્યારે મારો છોકરો અને તેની પત્ની કે.ડી. હોસ્પિટલના ICU માં એડમિટ છે. અમારી માંગ છે કે પોલીસ આ બાબતે પૂરી તપાસ કરે અને અમને ન્યાય અપાવે."

ડેરીના માલિકોએ આક્ષેપો નકાર્યા

બીજી તરફ ડેરીના માલિક કેતન પટેલ અને વિપુલ પટેલે આ આક્ષેપોને નકારી કાઢ્યા છે. તેમના જણાવ્યા મુજબ, એ જ દિવસે વેચાયેલ ખીરું અનેક ગ્રાહકોને આપવામાં આવ્યું હતું અને અન્ય કોઈ તરફથી આવી ફરિયાદ મળી નથી. તેઓએ જણાવ્યું કે સીસીટીવી ફૂટેજ અને ગ્રાહકોના પ્રતિસાદના આધારે ખીરામાં કોઈ ખામી હોવાની શક્યતા ઓછી છે. તેમણે વધુમાં કહ્યું કે ગ્રાહક 1 એપ્રિલે ખીરું લઈને ગયા હતા અને 3 એપ્રિલે ફરિયાદ કરવા આવ્યા હતા.

ચાંદખેડા PI નું નિવેદન

પોલીસ ઇન્સ્પેક્ટર જે. કે. મકવાણા ચાંદખેડામાં થયેલા બે બાળકીઓના મૃત્યુના મામલે વિગતો આપતા જણાવ્યું કે, "તારીખ 5/4/2026 ના રોજ વિપુલકુમાર ગૌરીશંકર પ્રજાપતિએ જાહેરાત કરી હતી કે તેમની ત્રણ વર્ષની દીકરી મીશ્રીનું મૃત્યુ થયું છે. આ મામલે પૂછપરછ કરતાં તેમણે જણાવ્યું કે, તારીખ 1/4/2026 ના રોજ સાંજના સમયે તેમણે IOC રોડ પર આવેલી ઘનશ્યામ ડેરીમાંથી ખીરું લીધું હતું. આ ખીરામાંથી ઢોસા બનાવીને તેમના પરિવારે ખાધા હતા. બીજા દિવસે પણ આ ખીરામાંથી જ બનાવેલી વાનગી જમી હતી. જેના કારણે ફૂડ પોઈઝનિંગ થતાં પરિવારના સભ્યોની તબિયત લથડી હતી."


આ પણ વાંચો: ચાંદખેડા 'ઢોંસાનું ખીરું' કેસમાં નવો વળાંક : અઢી માસની બાળકીનો મૃતદેહ બહાર કઢાયો

PI એ વધુમાં જણાવ્યું, "શરૂઆતમાં સામાન્ય સારવાર લેતા રાહત મળી હતી, પરંતુ બાદમાં તબિયત વધુ ખરાબ થતાં તેમને KD હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તારીખ 4/4/2026 ના રોજ તેમની અઢી મહિનાની દીકરીનું અચાનક મૃત્યુ થયું હતું, જે બાબતે પરિવારે પોલીસને કોઈ જાણ કરી નહોતી અને અંતિમ વિધિ કરી નાખી હતી. ત્યારબાદ તારીખ 5/4/2026 ના રોજ તેમની ત્રણ વર્ષની દીકરીને સવારે અચાનક ચક્કર આવતા પડી ગઈ હતી, તેને હોસ્પિટલ લઈ જવામાં આવતા તેને મૃત જાહેર કરવામાં આવી હતી."

આ પણ વાંચો: રવિવારની મિજબાની માતમમાં ફેરવાઈ! : એક જ પરિવારના 4 સભ્યો ખીરાનો શિકાર, 2 માસૂમના જીવ હોમાયા

"આ મામલે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં અકસ્માતે મોતનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. મૃતક બાળકીનું પેનલ ડોક્ટર દ્વારા PM (Post-Mortem) કરવામાં આવ્યું છે. આ કેસમાં વધુ તપાસ માટે FSL અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમને સાથે રાખીને મૃતકના ઘર તેમજ ઘનશ્યામ ડેરીમાં તપાસ હાથ ધરીને સેમ્પલ લેવામાં આવ્યા છે." એમ જે.કે. મકવાણા એ જણાવ્યું.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now