અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં ઢોસાના ખીરાને લઈને થયેલી દુઃખદ ઘટનામાં તપાસ હવે વધુ ગહન બની રહી છે. બે માસૂમ બાળકીના શંકાસ્પદ મોત બાદ તંત્ર સંપૂર્ણ રીતે એક્શનમાં આવ્યું છે અને દરેક પાસાની તપાસ શરૂ કરી છે.
મળતી માહિતી મુજબ, ઘટનાના અનુસંધાને FSL (ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી)ની હાજરીમાં અઢી માસની બાળકીનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો છે. હવે તેનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે, જેથી મોતનું ચોક્કસ કારણ જાણી શકાય. મહત્વપૂર્ણ બાબત એ છે કે પરિવાર દ્વારા અગાઉ બાળકીની અંતિમવિધિ કરી દેવામાં આવી હતી, પરંતુ શંકાસ્પદ પરિસ્થિતિને કારણે હવે ફરી તપાસ હાથ ધરવામાં આવી છે.
શું છે સમગ્ર મામલો?
આ સમગ્ર બનાવ 6 એપ્રિલે સામે આવ્યો હતો, જ્યારે ચાંદખેડાની મારુતિ પ્લાઝા સોસાયટીમાં રહેતા વિમલ પ્રજાપતિ ઘનશ્યામ ડેરીમાંથી ઢોસાનું ખીરું લઈને આવ્યા હતા. પરિવાર દ્વારા તેમાંથી ઢોસા બનાવી ખાધા બાદ તમામ સભ્યોની તબિયત બગડી હતી. આ ઘટનામાં 3 મહિનાની રાહા અને 4 વર્ષની મીશ્રી નામની બે બાળકીના મોત નિપજ્યાં હતા, જ્યારે માતા-પિતા હાલ કેડી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
આ પણ વાંચોઃ ચાંદખેડા 'ઢોસાનું ખીરું' મુદ્દે પોલીસ તપાસ તેજ : PI મકવાણાએ આપી ઘટનાની ચોંકાવનારી વિગતો, પરિજન અને દુકાનદારના સામસામે આક્ષેપો!
પરિવારજનોનો આક્ષેપ છે કે ડેરીમાંથી લાવવામાં આવેલા ખીરાને કારણે જ ફૂડ પોઈઝનિંગ થયું હતું, જેના કારણે આ દુર્ઘટના બની. બીજી તરફ, તંત્ર દ્વારા આ દાવાની સાચાશ તપાસવા માટે વૈજ્ઞાનિક પદ્ધતિથી તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
આ પણ વાંચો: રવિવારની મિજબાની માતમમાં ફેરવાઈ! : એક જ પરિવારના 4 સભ્યો ખીરાનો શિકાર, 2 માસૂમના જીવ હોમાયા
ચાંદખેડા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો છે અને આગળની તપાસ શરૂ કરી છે. સાથે જ FSL ટીમ દ્વારા ખીરાના સેમ્પલ લઈને તેની ગુણવત્તા અને તેમાં કોઈ ઝેરી તત્વ હતું કે નહીં તેની તપાસ કરવામાં આવી રહી છે.
હાલમાં આ બનાવે શહેરમાં ચિંતા અને રોષનું વાતાવરણ ઉભું કર્યું છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને લેબોરેટરી તપાસ બાદ જ આ ઘટનાનું સાચું કારણ સામે આવશે, જેના આધારે આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચો: ચાંદખેડા 'ઢોસાનું ખીરું' કેસમાં ચોંકાવનારો વળાંક : FSL તપાસ વચ્ચે ડોક્ટરનું મોટું નિવેદન






