અમદાવાદ: શહેરના ચાંદખેડા વિસ્તારમાં બે માસૂમ બાળકીઓના શંકાસ્પદ મોતની ઘટનાએ સમગ્ર ગુજરાતને હચમચાવી દીધું છે. ખાસ કરીને પરિવાર દ્વારા ઢોંસાના ખીરાને મોતનું કારણ ગણાવતા જનતામાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. શું ખરેખર બજારમાંથી મળતું ખીરું જીવલેણ હોઈ શકે? આ સવાલ અત્યારે દરેક ગૃહિણીને સતાવી રહ્યો છે. પોલીસ આ મામલે સઘન તપાસ કરી રહી છે, પરંતુ હજુ સુધી કોઈ નક્કર પુરાવા મળ્યા નથી. હાલમાં તમામની નજર એફએસએલ (FSL) રિપોર્ટ પર ટકેલી છે, જે આગામી બે થી ત્રણ દિવસમાં આવવાની શક્યતા છે. આ રિપોર્ટ બાદ જ ખબર પડશે કે મોતનું કારણ ખરેખર ઝેરી ખોરાક હતો કે પછી અન્ય કોઈ ગુપ્ત રહસ્ય.
પોલીસની તપાસ તેજ: માતા-પિતાના નિવેદનમાં કોઈ વિરોધાભાસ નથી
ચાંદખેડા પોલીસ સ્ટેશનના પીઆઈ જે.કે. મકવાણાએ જણાવ્યું હતું કે, પોલીસ આ કેસમાં દરેક પાસાઓની તપાસ કરી રહી છે. ગઈકાલે બાળકીની માતા ભાવનાબેન પ્રજાપતિને હોસ્પિટલમાંથી રજા મળતા જ પોલીસ સ્ટેશન લાવી તેમની વિગતવાર પૂછપરછ કરવામાં આવી હતી. અગાઉ પિતા વિમલભાઈની પણ પૂછપરછ થઈ ચૂકી છે. મહત્વની વાત એ છે કે, માતા અને પિતા બંનેના નિવેદનો એકસમાન છે અને તેમાં કોઈ પણ પ્રકારનો વિરોધાભાસ જોવા મળ્યો નથી. બંનેનું એક જ રટણ છે કે, ઢોંસા ખાધા બાદ જ આખા પરિવારની તબિયત લથડી હતી.
આ પણ વાંચો: અમદાવાદના 'ઢોંસાનું ખીરું' કેસમાં હવે માતાને લઈ ગઈ પોલીસ : ગણતરીના કલાકોમાં ઉચકાશે રહસ્યો પરથી પડદો
સિવિલની એક્સપર્ટ પેનલ કરશે મેડિકલ ફાઈલની ચકાસણી
બાળકીઓના મોત પાછળ સારવારમાં કોઈ ક્ષતિ તો નથી રહી ને? તે દિશામાં પણ પોલીસે તપાસ શરૂ કરી છે. બાળકીઓને જે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, તે કેડી હોસ્પિટલના તમામ મેડિકલ રિપોર્ટ્સ અને સારવારની ફાઈલો મંગાવવામાં આવી છે. આ ફાઈલો સિવિલ હોસ્પિટલની એક્સપર્ટ ડોક્ટરોની પેનલને સોંપવામાં આવશે. જો સારવાર દરમિયાન કોઈ તબીબી ભૂલ થઈ હશે, તો એક્સપર્ટ પેનલના અભિપ્રાય બાદ પોલીસ તે દિશામાં પણ કાર્યવાહી કરશે.
લાઈ ડિટેક્શન ટેસ્ટ અને 1 થી 3 એપ્રિલનું રહસ્ય
પોલીસના જણાવ્યા અનુસાર, જો એફએસએલ અને પીએમ રિપોર્ટમાં પણ મોતનું ચોક્કસ કારણ સ્પષ્ટ નહીં થાય, તો અંતિમ વિકલ્પ તરીકે પરિવારના સભ્યોનો 'લાઈ ડિટેક્શન ટેસ્ટ' કરાવવામાં આવશે. પોલીસ એ પણ તપાસી રહી છે કે, તારીખ 1 થી 3 એપ્રિલ દરમિયાન પરિવારે ઢોંસા સિવાય અન્ય કોઈ ખોરાક લીધો હતો કે કેમ. ખીરું ડેરીમાંથી લાવ્યા બાદ ઘરે કયા સંજોગોમાં રાખવામાં આવ્યું હતું અને તે કયા કારણોસર અખાદ્ય બન્યું તેની પણ ફોરેન્સિક તપાસ ચાલી રહી છે.
આ પણ વાંચો: કોંગ્રેસમાં જોડાતા જ ભાજપના પૂર્વ MLAએ ફોડ્યો બોમ્બ : પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ ભાજપે કરી હતી હકાલપટ્ટી
માતાની ડાયરીમાં 'પુત્ર પ્રાપ્તિ'ની નોંધ અંગે ખુલાસો
તપાસ દરમિયાન માતા ભાવનાબેનની એક ડાયરી મળી આવી હતી જેમાં પુત્ર પ્રાપ્તિની માનતા અંગે ઉલ્લેખ હતો. આ અંગે પૂછપરછ કરતા પોલીસે સ્પષ્ટ કર્યું કે, આ એક સામાન્ય પારિવારિક બાબત હોઈ શકે છે. પ્રાથમિક તપાસમાં હજુ સુધી બાળકીઓની હત્યા કરવામાં આવી હોય તેવા કોઈ સંકેતો મળ્યા નથી. હાલ પોલીસ વિસેરા રિપોર્ટની પણ રાહ જોઈ રહી છે, જે આ કેસમાં સૌથી મોટી કડી સાબિત થઈ શકે છે.




