Home Gujarat Ahmedabad Amraiwadis Pocso Crime Accused Absconding Police Have Started Efforts To Arrest Accused

અમરાઇવાડીનો પોક્સોના ગુનાનો આરોપી ફરાર : પોલીસે આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા

અમરાઇવાડીનો પોક્સોના ગુનાનો આરોપી ફરાર
Published by: OBS Bureau
Last Updated: Jun 07, 2025, 03:40 PM IST

મણિનગર એલજી હોસ્પિટલમાંથી અમરાઇવાડીનો પોક્સોના ગુનાનો આરોપી પોલીસ જાપ્તામાંથી ફરાર થયો હોવાની ઘટના સામે આવતા પોલીસ દોડતી થઈ છે. અમરાઇવાડી પોલીસ સ્ટેશનમાં પોક્સોના ગુનામાં ચાર આરોપીને પકડીને પોલીસ મણિનગર એલજી હોસ્પિટલમાં મેડિકલ ચેકઅપ માટે લઇ ગઇ હતી. જ્યારે હોસ્પિટલમાં એક દર્દીનું મોત થતા સંબંધીઓની ભીડ ભેગી થઇ હતી. તે દરમ્યાન ભીડનો લાભ લઇને એક આરોપી પોલીસકર્મીઓની નજરચૂકવી ફરાર થઇ ગયો હતો. આ અંગે હેડ કોન્સ્ટેબલે આરોપી સામે મણિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવતા પોલીસે આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

અમરાઇવાડી પોલીસ સ્ટેશનમાં હેડકોન્સ્ટેબલ તરીકે અરવિંદભાઇ બબાભાઇ ફરજ બજાવે છે. ગત 31 મેએ અમરાઇવાડી પોલીસ સ્ટેશનમાં પોક્સો એક્ટ હેઠળ વાલજી સોલંકી, રમીલા સોલંકી, જયસુખ વાઘેલા, કેસરબેન વાઘેલા સામે ફરિયાદ નોંધાઇ હતી. જેમાં પોલીસે પોસ્કોના કેસમાં ચારેયની ધરપકડ કરી હતી. ત્યારે ચારેય આરોપીને સ્પેશિયલ પોક્સો કોર્ટમાં રજુ કરે તે પહેલા મેડીકલ ચેકઅપ માટે એલજી હોસ્પિટલ લઇ જવાના હતા. જેથી અમરાઇવાડી પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટરની મંજુરી લઇને તમામ આરોપીઓને લોકઅપની બહાર કાઢ્યા હતા. હેડકોન્સ્ટેબલ અરવિંદભાઇ, પોલીસ કોન્સ્ટેબલ સંજય, મહિલા પોલીસ કર્મી હેત્તલબેન ચારેય આરોપીઓને લઇને સરકારી વાહનમાં એલજી હોસ્પિટલ લઇ ગયા હતા.

પોલીસ કોન્સ્ટેબલ સંજયભાઇ વાહન પાર્ક કરવા ગયા હતા ત્યારે અરવિંદભાઇ અને હેત્તલબેન ચારેય આરોપીઓને એલજી હોસ્પિટલના ટ્રોમાં વોર્ડમાં લઇ ગયા હતા. હોસ્પિટલના ડોક્ટર ચારેય આરોપીઓની સારવાર કરતા હતા અને પોલીસ કર્મચારીને તેનો બંકલ નંબર પુછતા હતા. ત્યારે આરોપી વાલજી ડોક્ટરની બાજુના ટેબલ પર બેઠો હતો જ્યારે રમીલા, જયસુખ અને કેસર પોલીસ હેડ કોન્સ્ટેબલ અરવિંદભાઇની બાજુમાં ઉભા હતા. આ દરમ્યાન હોસ્પિટલમાં સારવાર માટે આવેલા દર્દીનું મોત થઇ જતા તેમના સંબંધીઓ રડી રહ્યા હતા લોકોની ભીડ થઇ હતી. ત્યારે ભીડનો લાભ લઇને આરોપી જયસુખ પોલીસકર્મીઓની નજર ચૂકવી વોર્ડમાંથી બહાર નીકળી ફરાર થઇ ગયો હતો. ત્યારે ભીડ ઓછી થઇ ત્યારે અરવિંદભાઇની ધ્યાન આરોપીઓ તરફ જતા જયસુખ ગુમ હતો. બાદમાં પોલીસે આસપાસ આરોપીની શોધખોળ કરી પરંતુ મળી આવ્યો ન હતો. આ અંગે હેડ કોન્સ્ટેબલ અરવિંદભાઇએ આરોપી જયસુખ સામે મણિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવતા પોલીસે આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. પોક્સો જેવા ગંભીર કેસનો આરોપી પોલીસ જાપ્તામાંથી ફરાર થઇ જતા ઉચ્ચ પોલીસ અધિકારીઓએ પોલીસની કામગીરી મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ત્યારે બાકીના ત્રણેય આરોપીઓને સેન્ટ્રલ જેલ મોકલવામાં આવ્યા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now