Home Gujarat Ahmedabad Ahmedabad Air India Flights Cancelled June August 2026

હવાઈ મુસાફરો સાવધાન! : આગામી 3 મહિના માટે અમદાવાદની અનેક ફ્લાઈટ રદ, મુસાફરોની મુશ્કેલી વધશે

Air India Flight Cancellation
Image Credit: pinterest
Published by: Nirali Gohil
Last Updated: May 28, 2026, 03:47 AM IST

અમદાવાદ: જો તમે આગામી દિવસોમાં અમદાવાદથી દિલ્હી, મુંબઈ, બેંગલુરુ, હૈદરાબાદ અથવા લંડન જવાની યોજના બનાવી રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. એર ઇન્ડિયાએ ઓપરેશનલ પડકારો, ઇંધણના સતત વધી રહેલા ખર્ચ અને આંતરરાષ્ટ્રીય એરસ્પેસ સંબંધિત સમસ્યાઓને ધ્યાનમાં રાખીને મોટો નિર્ણય લીધો છે. જેના કારણે આગામી ત્રણ મહિના દરમિયાન અમદાવાદ એરપોર્ટથી દોડતી કેટલીક ડોમેસ્ટિક તેમજ ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સને રદ કરવામાં આવી છે. આ નિર્ણયથી ખાસ કરીને એવા મુસાફરોને મોટો ફટકો પડશે, જેઓ નિયમિત રીતે બિઝનેસ, નોકરી કે વ્યક્તિગત કારણોસર હવાઈ મુસાફરી કરતા હોય છે. ઘણા મુસાફરોએ પહેલેથી જ મહિનાઓ પહેલાં બુકિંગ કરાવી દીધું હોવાથી હવે તેમને છેલ્લી ઘડીએ વિકલ્પ શોધવાની ચિંતા વધી ગઈ છે. ફ્લાઇટ્સ રદ થવા ઉપરાંત કેટલાક રૂટ પર ફ્લાઇટની સંખ્યા ઘટાડવામાં આવી છે અને સમયપત્રકમાં પણ મોટા ફેરફારો કરાયા છે.

જૂનથી ઓગસ્ટ સુધી એર ઇન્ડિયાનો મોટો નિર્ણય

મળતી માહિતી મુજબ, એર ઇન્ડિયાએ જૂનથી ઓગસ્ટ 2026 દરમિયાન અમદાવાદ એરપોર્ટથી દોડતી કેટલીક મહત્વપૂર્ણ ફ્લાઇટ્સને તાત્કાલિક અસરથી રદ કરવાનો નિર્ણય લીધો છે. તેમાં દિલ્હી, મુંબઈ અને લંડન જેવા મહત્વના રૂટનો સમાવેશ થાય છે. કેટલાક ડોમેસ્ટિક રૂટ્સ પર ફ્લાઇટ્સના ફેરા ઘટાડવામાં આવ્યા છે, જેના કારણે મુસાફરોને ઓછા વિકલ્પો મળશે. આ ફેરફારના કારણે અમદાવાદથી દેશના મોટા શહેરોમાં જતાં લોકો માટે મુસાફરી વધુ મુશ્કેલ બની શકે છે. ખાસ કરીને રોજબરોજના કામકાજ કે ઓફિશિયલ ટૂર માટે હવાઈ મુસાફરી પર આધારિત લોકો માટે આ નિર્ણય મુશ્કેલી ઊભી કરી શકે છે.

આ પણ વાંચો: અમદાવાદમાં ઈબોલા અંગે એલર્ટ : આફ્રિકન દેશોમાંથી આવેલા 11 લોકો હોમ આઈસોલેશનમાં, SVP હોસ્પિટલમાં 60 બેડનો અલગ વોર્ડ તૈયાર

લંડન ગેટવિકની સીધી ફ્લાઇટ પર પણ અસર

માત્ર ડોમેસ્ટિક રૂટ્સ જ નહીં પરંતુ ઇન્ટરનેશનલ રૂટ્સ પર પણ અસર જોવા મળી રહી છે. ઓગસ્ટ મહિનાની કેટલીક તારીખોમાં અમદાવાદથી લંડન (ગેટવિક) વચ્ચે દોડતી સીધી ફ્લાઇટ્સ પણ રદ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. જેના કારણે યુકે જવા માટે પહેલેથી જ ટિકિટ બુક કરાવનાર મુસાફરો મુશ્કેલીમાં મુકાયા છે. ઘણા લોકોએ 2 થી 4 મહિના પહેલાં એડવાન્સ બુકિંગ કરાવ્યું હોવાથી હવે તેમને નવી ફ્લાઇટ શોધવા માટે વધારાનો ખર્ચ કરવો પડી શકે છે. છેલ્લી ઘડીએ ટિકિટના ભાવમાં વધારો થવાની શક્યતા પણ નકારી શકાય તેમ નથી.

હજુ વધુ ફ્લાઇટ્સ રદ થવાની શક્યતા

એરલાઇન્સના સૂત્રોના જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં વધુ કેટલીક ફ્લાઇટ્સના શેડ્યૂલમાં ફેરફાર અથવા રદ કરવાની જાહેરાત થઈ શકે છે. આવી સ્થિતિમાં મુસાફરોને પોતાની ફ્લાઇટનું સ્ટેટસ નિયમિત રીતે ચેક કરવાની સલાહ આપવામાં આવી છે. મુસાફરો એર ઇન્ડિયાની સત્તાવાર વેબસાઇટ અથવા એરપોર્ટ અપડેટ્સ દ્વારા ફ્લાઇટની સ્થિતિ જાણી શકે છે, જેથી છેલ્લી ઘડીએ થતી અસુવિધા અને આર્થિક નુકસાનથી બચી શકાય.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now