MLA Allowance Hike Debate: ગુજરાત વિધાનસભાના ધારાસભ્યો માટે તાજેતરમાં ગાંધીનગરના સેક્ટર-17માં 220 કરોડથી વધુના ખર્ચે બનેલા 216 લક્ઝરી ફ્લેટ્સનું લોકાર્પણ થયું છે. આ ફ્લેટ્સમાં 5-સ્ટાર હોટલ જેવી સુવિધાઓ છે, પરંતુ માસિક ભાડું માત્ર રૂ. 37.50 છે. આની સાથે જ હવે ધારાસભ્યોના મુસાફરી અને અન્ય ભથ્થાં વધારવાની ચર્ચા શરૂ થઈ છે, જેનાથી સામાન્ય જનતામાં રોષ વ્યક્ત થઈ રહ્યો છે. જ્યારે પ્રજા મોંઘવારી અને બેરોજગારીથી પીડાઈ રહી છે, ત્યારે ધારાસભ્યો પ્રજાના ટેક્સના પૈસે આલીશાન જીવનશૈલી માણી રહ્યા છે.
લક્ઝરી ફ્લેટ્સની વિશેષ સુવિધાઓ
આ નવા સદસ્ય નિવાસમાં દરેક ફ્લેટમાં ત્રણ બેડરૂમ, બે માસ્ટર બેડરૂમ, લિવિંગ રૂમ, રસોડું, ડાઈનિંગ એરિયા, ઓફિસ રૂમ, વેઈટિંગ રૂમ, ડ્રેસિંગ રૂમ, બાથરૂમ, ટોઈલેટ અને સર્વન્ટ રૂમનો સમાવેશ છે. ફ્લેટમાં 43 ઇંચનું LED TV, ટેબલ નેટવર્ક સાથે આધુનિક ફર્નિચર પણ છે. સંકુલમાં લેન્ડસ્કેપ ગાર્ડન, પ્લે એરિયા, ઓડિટોરિયમ, હેલ્થ ક્લબ, કેન્ટીન, કોમ્યુનિટી હોલ અને સ્વિમિંગ પૂલ જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે. આ ફ્લેટ્સની અંદાજિત કિંમત રૂ. 1 કરોડથી વધુ છે, પરંતુ ધારાસભ્યોને માત્ર રૂ. 37.50 માસિક ભાડે (રોજના સવા રૂપિયા જેટલું) મળે છે. મેઇન્ટેનન્સ અને લાઈટ બિલ પણ સરકાર ચૂકવે છે.
ભથ્થાં વધારાની ચર્ચા અને વર્તમાન લાભ
ફ્લેટ્સ મળ્યા બાદ હવે વિધાનસભા ખાતે સમિતિની બેઠકમાં ધારાસભ્યોના રેલ્વે-હવાઈ મુસાફરી ભથ્થા, મોંઘવારી ભથ્થુ, ટેલિફોન ભથ્થુ અને અન્ય ભથ્થાં વધારવાની ચર્ચા થઈ રહી છે. હાલ ધારાસભ્યોને માસિક પગાર-ભથ્થાં મળીને રૂ. 1.16 લાખથી વધુ મળે છે, જેમાં ટેલિફોન માટે રૂ. 7,000, સ્ટેશનરી માટે રૂ. 5,000 અને અન્ય લાભોનો સમાવેશ છે. પેટ્રોલ રૂ. 11/લીટર, ડીઝલ રૂ. 10/લીટર અને CNG રૂ. 9/લીટરના દરે એલાયન્સ મળે છે. મોટાભાગના ધારાસભ્યો લેટેસ્ટ મોડલની મોંઘી કારોમાં આવે છે.
પ્રજા વિરુદ્ધ વિરોધ અને રાજકીય એકમત
શાસક અને વિપક્ષના ધારાસભ્યો સુવિધાઓમાં એકમત ધરાવે છે, પરંતુ પ્રજા માટે જરૂરી સુવિધાઓમાં અડચણો છે. ઘણા લોકોને ખાવાના પૈસા નથી, પરંતુ ધારાસભ્યો 'સેવા'ના નામે જલસા કરી રહ્યા છે. ભાજપ, કોંગ્રેસ અને આપના ધારાસભ્યો લાભ મેળવવામાં એકસરખા છે. આગામી બજેટ સત્રમાં આ મુદ્દે ચર્ચા થવાની શક્યતા છે. જનતા માંગ કરી રહી છે કે પહેલાં ગરીબ અને મધ્યમ વર્ગને જીવનજરૂરી સુવિધાઓ આપવી જોઈએ, પછી ભલે ધારાસભ્યો બાદશાહી કરે.




















