Science News: પૃથ્વી આજે જેવી દેખાય છે, કરોડો વર્ષો પહેલા તે બિલકુલ એવી નહોતી. એક સમય એવો હતો જ્યારે તમામ મહાદ્વીપો (ખંડો) એકસાથે જોડાયેલા હતા, જેને 'પેન્જિયા' (Pangea) કહેવામાં આવતું હતું. સમય જતાં જમીનની નીચે રહેલી ટેક્ટોનિક પ્લેટ્સ ખસતી ગઈ અને પૃથ્વીના મોટા ટુકડાઓ વિખરાવા લાગ્યા. ભલે આપણને તેનો અનુભવ ન થતો હોય, પરંતુ આ પ્રક્રિયા આજે પણ ચાલુ છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે ઝામ્બિયાના કાફ્યૂ રિફ્ટ (Kafue Rift) માં એવા કેટલાક ફેરફારો થઈ રહ્યા છે જે આપણી ભૂગોળ બદલી શકે છે. એટલે કે, આફ્રિકન ખંડની નીચે નવી ટેક્ટોનિક બાઉન્ડ્રી બની રહી છે, જે ભવિષ્યમાં તેને બે ભાગમાં વહેંચી શકે છે.
તૂટી રહ્યા છે મહાદ્વીપો
'ફ્રન્ટિયર્સ ઇન અર્થ સાયન્સ' માં પ્રકાશિત થયેલા અભ્યાસ મુજબ, કાફ્યૂ રિફ્ટ એ ઝામ્બિયાથી નામિબિયા સુધી ફેલાયેલી 2,500 કિલોમીટર લાંબી વિશાળ રિફ્ટ સિસ્ટમનો એક ભાગ છે. અહીંના ગરમ પાણીના ઝરણાઓમાં જોવા મળેલા અસામાન્ય હીલિયમ આઇસોટોપ (Helium Isotopes) ના સંકેતો દર્શાવે છે કે પૃથ્વીના પોપડા (Crust) માં પડેલી તિરાડો એટલી ઊંડી છે કે તે સીધી પૃથ્વીના મેન્ટલ (Mantle) સાથે જોડાઈ ગઈ છે. ઓક્સફર્ડ યુનિવર્સિટીના પ્રોફેસર અને સંશોધન લેખક માઈક ડેલીએ જણાવ્યું હતું કે ઝામ્બિયાના કાફ્યૂ રિફ્ટના કિનારે આવેલા ગરમ ઝરણાઓમાં હીલિયમ આઇસોટોપના સંકેતો મળે છે, જે દર્શાવે છે કે આ ઝરણાઓનો પૃથ્વીના મેન્ટલ સાથે સીધો સંબંધ છે. આ જોડાણ એ વાતનો પુરાવો છે કે કાફ્યૂ રિફ્ટની ફોલ્ટ બાઉન્ડ્રી સક્રિય છે. આ શોધ સબ-સહારન આફ્રિકામાં મહાદ્વીપોના તૂટવાના પ્રારંભિક તબક્કા તરફ નિર્દેશ કરી શકે છે.
મહાદ્વીપો કેવી રીતે વહેંચાઈ શકે?
તમને જણાવી દઈએ કે 'રિફ્ટ' એ પૃથ્વીના પોપડામાં પડેલી મોટી તિરાડો છે, જે ટેક્ટોનિક પ્લેટ્સ દ્વારા જમીનના ભાગને વિરુદ્ધ દિશામાં ખેંચવાને કારણે સર્જાય છે. જો આ પ્રક્રિયા લાંબા સમય સુધી ચાલુ રહે, તો તે ખંડને વિભાજિત કરી શકે છે અને સંપૂર્ણપણે નવી ટેક્ટોનિક પ્લેટ્સ તથા નવા મહાસાગરોનું નિર્માણ કરી શકે છે. વૈજ્ઞાનિકો માને છે કે પૂર્વી આફ્રિકા પહેલેથી જ 'ઈસ્ટ આફ્રિકન રિફ્ટ સિસ્ટમ' દ્વારા આ પ્રક્રિયામાંથી પસાર થઈ રહ્યું છે.
'અમને બધું જ ખબર હતી...' : ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાનને મદદ કરનારા ચીનને ભારતનો રોકડિયો જવાબ
પ્લેટ્સ ખસવાને કારણે શું થાય છે?
પૃથ્વીની આ ખસતી પ્લેટ્સ ઉપલા પડ દ્વારા ખનીજોનું રિસાઈકલ કરે છે. તેનાથી મહાસાગરો અને ખંડોના સ્થાનો બદલાય છે અને જ્વાળામુખી તેમજ જીઓથર્મલ પ્રવૃત્તિઓને વેગ મળે છે. એટલું જ નહીં, આ ટેક્ટોનિક પ્લેટ્સ પૃથ્વીના કાર્બન સાયકલને નિયંત્રિત કરવામાં પણ મદદ કરે છે. સંશોધકોના મતે, એક સમય એવો પણ આવશે જ્યારે આપણી પૃથ્વી અત્યંત ઠંડી થઈ જશે અને તે સમયે આ ટેક્ટોનિક પ્લેટ્સ પોતાની જગ્યાએ થંભી જશે. જોકે, આવું થવામાં કદાચ અબજો વર્ષો લાગી શકે છે.





