રાજ્યમાં આવતીકાલે યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના મતદાન પૂર્વે વડોદરા શહેર અને જિલ્લામાં તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. આજે સવારથી જ વિવિધ ડિસ્પેચિંગ સેન્ટરો પરથી EVM અને અન્ય ચૂંટણીલક્ષી સામગ્રીનું વિતરણ શરૂ કરવામાં આવ્યું હતું. જોકે, આ પ્રક્રિયા દરમિયાન કરજણમાં આકરા તાપનાં કારણે એક કર્મચારી અચાનક ઢળી પડ્યાં હતાં.
કરજણમાં ફરજ દરમિયાન કર્મચારી ઢળી પડ્યા
કરજણ તાલુકા સેવા સદન ખાતે જ્યારે EVM અને ચૂંટણી કીટ વિતરણની કામગીરી ચાલી રહી હતી ત્યારે ફરજ પરના એક કર્મચારી ગરમી અને બફારાને સહન ન કરી શકતા અચાનક ઢળી પડ્યા હતા. આ ઘટનાને પગલે ત્યાં હાજર અન્ય સ્ટાફમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. જોકે વહીવટી તંત્રએ સ્થળ પર અગાઉથી જ મેડિકલ ટીમ તહેનાત રાખી હતી જેથી તબીબી ટીમે કર્મચારીને પ્રાથમિક સારવાર આપી હતી. કર્મચારીને પ્રાથમિક સારવાર આપ્યા બાદ તાત્કાલિક 108 મારફતે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. તબીબોના જણાવ્યા અનુસાર, હાલ કર્મચારીની સ્થિતિ સ્થિર છે અને તેમને ‘હીટ એક્ઝોશન’ (ગરમીના કારણે થતી અશક્તિ) થયું હોવાનું પ્રાથમિક અનુમાન છે.
આ પણ વાંચો: હીટ વેવથી આંખોને થઈ શકે છે મોટું નુકસાન : જાણો ઉનાળામાં કેવી રીતે રાખવી તેની કાળજી?
ગરમીને પહોંચી વળવા તંત્રની વિશેષ વ્યવસ્થા
વડોદરા જિલ્લામાં પારો સતત વધી રહ્યો હોવાથી કલેક્ટર અને ચૂંટણી તંત્રએ મતદાન મથકો તેમજ વિતરણ કેન્દ્રો પર ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. સામગ્રી વિતરણ અને સ્વીકાર કેન્દ્રો પર મોટા ડોમ અને શેડ ઉભા કરવામાં આવ્યા છે. કર્મચારીઓ અને મતદારો માટે ઠંડા પાણી અને કૂલરની વ્યવસ્થા કરવામાં આવી છે. દરેક સેન્ટર પર ઓઆરએસ (ORS) પેકેટ અને પ્રાથમિક દવાઓ સાથે મેડિકલ ટીમને ખડેપગે રાખવામાં આવી છે.
આ પણ વાંચો: લોકશાહીના પર્વ પર ગરમીની ‘સ્ટ્રાઈક’ : વડોદરાના રણમેદાનમાં ઉમેદવારો કેમ ચિંતામાં મુકાયા?
ચૂંટણી તંત્રએ અપીલ કરી છે કે ઉનાળાની આ ગરમીમાં મતદારો અને કર્મીઓએ પોતાની તબિયતનું ધ્યાન રાખવું, પૂરતા પ્રમાણમાં પાણી પીને મતદાન કરવા જવું. જિલ્લા ચૂંટણી તંત્ર આવતીકાલના મતદાન માટે સંપૂર્ણ રીતે સજ્જ હોવાનું વહીવટી અધિકારીઓએ જણાવ્યું છે.





