Home Tech/Gadgets Ad Blocker Users Will No Longer See Comments Or Descriptions Know Why Youtube Took This Decision

એડ બ્લોકર વાપરતા યુટ્યુબ યુઝર્સ સાવધાન! : હવે નહીં દેખાય કોમેન્ટ્સ કે ડિસ્ક્રિપ્શન, જાણો કેમ YouTube એ આવો નિર્ણય લીધો

એડ બ્લોકર વાપરતા યુટ્યુબ યુઝર્સ સાવધાન!
Published by: OBS Bureau
Last Updated: Feb 17, 2026, 01:28 PM IST

YouTube : જો તમે પણ યુટ્યુબ પર વીડિયો જોતી વખતે જાહેરાતોથી બચવા માટે એડ બ્લોકર (Ad Blocker) નો ઉપયોગ કરો છો, તો તમારા માટે આ સમાચાર મહત્ત્વના છે. વિશ્વના સૌથી લોકપ્રિય વીડિયો પ્લેટફોર્મ YouTube એ હવે એડ બ્લોકર્સનો ઉપયોગ કરતા યુઝર્સ સામે વધુ કડક પગલાં લેવાનું શરૂ કર્યું છે. સોશિયલ મીડિયા પર અનેક યુઝર્સ ફરિયાદ કરી રહ્યા છે કે તેમને વીડિયોના નીચેના ભાગમાં કોમેન્ટ્સ અને વીડિયો ડિસ્ક્રિપ્શન જોવા મળી રહ્યું નથી.

કોમેન્ટ્સ અને ડિસ્ક્રિપ્શન થયા ગાયબ

છેલ્લા કેટલાક દિવસોથી Reddit અને X પર યુઝર્સ દાવો કરી રહ્યા છે કે, વીડિયોમાં કોમેન્ટ્સ એક્ટિવ હોવા છતાં તેમને 'Comments are turned off' એવો મેસેજ બતાવવામાં આવે છે. આટલું જ નહીં, વીડિયો વિશેની માહિતી આપતું 'ડિસ્ક્રિપ્શન' પણ લોડ થઈ રહ્યું નથી. રસપ્રદ વાત એ છે કે, જેવું યુઝર્સ પોતાનું એડ બ્લોકર બંધ કરે છે, કે તરત જ આ બધી વિગતો ફરી દેખાવા લાગે છે.

પ્રીમિયમ તરફ ધકેલવાની રણનીતિ

યુટ્યુબ ઈચ્છે છે કે, વધુમાં વધુ લોકો તેના 'પ્રીમિયમ સબ્સ્ક્રિપ્શન' (YouTube Premium) નો ઉપયોગ કરે. આ માટે કંપની સતત ફ્રી યુઝર્સ માટેના ફીચર્સ પર કાપ મૂકી રહી છે. હાલમાં જ કંપનીએ યુટ્યુબ મ્યુઝિક પર લિરિક્સ જોવા માટે પણ પ્રીમિયમ મેમ્બર ફરજિયાત બનાવ્યું છે, જે અત્યાર સુધી ફ્રી હતું. હવે આ નવો પ્રયોગ પણ તે જ દિશામાં એક પગલું હોવાનું માનવામાં આવે છે.

YouTube નો મૌન સ્વીકાર

જોકે, આ નવી સમસ્યા અંગે યુટ્યુબ તરફથી હજુ સુધી કોઈ ઓફિશિયલ નિવેદન આવ્યું નથી. પરંતુ ભૂતકાળમાં કંપનીએ ઘણીવાર ચેતવણી આપી છે કે, એડ બ્લોકરનો ઉપયોગ પ્લેટફોર્મની શરતોનું ઉલ્લંઘન છે. 2023 અને 2024 માં પણ યુટ્યુબે ઘણા એવા ડિવાઇસ પર વીડિયો પ્લેબેક અટકાવી દીધું હતું જ્યાં એડ બ્લોકર ઈન્સ્ટોલ કરેલા હતા.

એડ બ્લોકર્સ કેમ છે માથાનો દુખાવો?

યુટ્યુબ માટે કમાણીનો મુખ્ય સ્ત્રોત જાહેરાતો (Ads) છે. જ્યારે યુઝર્સ એડ બ્લોકર વાપરે છે, ત્યારે કંપનીની આવક ઘટે છે. આ આવકનો એક હિસ્સો કન્ટેન્ટ ક્રિએટર્સને પણ મળે છે. જો જાહેરાતો બંધ થઈ જાય, તો યુટ્યુબ માટે આટલું મોટું પ્લેટફોર્મ ફ્રી રાખવું મુશ્કેલ બને છે. તેથી જ કંપની હવે યુઝર્સને કાં તો જાહેરાતો જોવા અથવા પ્રીમિયમ લેવા માટે મજબૂર કરી રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now