Home Gujarat Action Taken In Controversial Himmatnagar Cyber Crime Investigation

હિંમતનગર સાયબર ક્રાઈમની વિવાદાસ્પદ તપાસ મામલે કાર્યવાહી! : PI નહીં DySP કક્ષાએથી થશે તપાસ, ગાંધીનગર રેન્જ IGનો આદેશ

હિંમતનગર સાયબર ક્રાઈમની વિવાદાસ્પદ તપાસ મામલે કાર્યવાહી!
Published by: OBS Bureau
Last Updated: Jan 23, 2026, 09:57 AM IST

સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર સાયબર ક્રાઈમની વિવાદાસ્પદ તપાસને લઈને મામલો વધુ ગરમાયો છે. આ સમગ્ર પ્રકરણમાં હવે ગાંધીનગર રેન્જના આઈજી વિરેન્દ્રસિંહ યાદવે વધુ એક મહત્વનો હુકમ કર્યો છે. અત્યાર સુધી પીઆઈ કક્ષાએ ચાલતી તપાસ હવે ડીવાયએસપી કક્ષાના અધિકારી દ્વારા કરવામાં આવશે. આ મુજબ હિંમતનગરના ડીવાયએસપી અતુલ પટેલને સાયબર ક્રાઈમની આ વિવાદાસ્પદ તપાસ સોંપવામાં આવી છે અને હવે સમગ્ર તપાસની તમામ અપડેટ સીધી ગાંધીનગર રેન્જ આઈજીને આપવામાં આવશે.

સાયબર ક્રાઈમની વિવાદાસ્પદ તપાસનો મામલો

આ કેસમાં આશંકા છે કે ક્રિકેટ સટ્ટોડિયાઓએ આશરે 100 જેટલા બેંક ખાતા ભાડે મેળવી હવાલા મારફતે નાણાંની હેરફેર કરી હતી. અગાઉ પોલીસને 31 બેંક ખાતાની કિટ અને 60 બેંક ખાતાની વિગતો મળતા ફરિયાદ નોંધાઈ હતી. જોકે, તપાસ દરમિયાન ત્રણ આરોપીઓને ચૂપચાપ ઝડપી લઈ મામલાનું ફીડલું વાળી દેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનો આરોપ લાગતા ભારે વિવાદ સર્જાયો હતો. આ મામલાનું ફીડલું વાળવા પાછળનો ઈરાદો શંકાસ્પદ લાગતા તપાસ ગાંધીનગર રેન્જ કચેરીને ટ્રાન્સફર કરવામાં આવી હતી.

કેટલાક અધિકારીઓ પર કાર્યવાહી થવાની લટકતી તલવાર!

હવે રેન્જ આઈજી દ્વારા આ સમગ્ર મામલે ઉંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવશે અને મોટી કાર્યવાહી થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આરોપીઓને હાજર કરાવવા માટેની મધ્યસ્થી સહિત કેટલાક અધિકારીઓ શંકાના દાયરામાં આવ્યા છે. તપાસ વિવાદાસ્પદ બની જતા હવે કેટલાક અધિકારીઓ સામે કાર્યવાહી થવાની તલવાર પણ લટકી રહી છે. આ સાથે એવી પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ સમગ્ર પ્રકરણ આઈપીએલ પહેલા જ ક્રિકેટ સટ્ટોડિયાઓના હવાલા નેટવર્કને ફેલાવવાનું હોઈ શકે છે, જેને લઈ પોલીસ તંત્ર હવે વધુ સતર્ક બન્યું છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now