SRH vs PBKS : IPL 2026 માં શનિવારે રમાયેલી રોમાંચક મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદના બેટ્સમેનોએ પંજાબ કિંગ્સના બોલરોની કસોટી કરી નાખી હતી. મુલ્લાનપુરના મેદાન પર રમાયેલી આ મેચમાં હૈદરાબાદે નિર્ધારિત 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 219 રન બનાવ્યા છે. આ આક્રમક સ્કોરના પાયામાં ઓપનર અભિષેક શર્માની વિસ્ફોટક ઇનિંગ મુખ્ય રહી હતી.
અભિષેક શર્માનો તરખાટ
હૈદરાબાદના યુવા વિસ્ફોટક ઓપનર અભિષેક શર્માએ શરૂઆતથી જ પંજાબના બોલરો પર આક્રમણ કર્યું હતું. અભિષેક શર્માએ માત્ર 28 બોલમાં 74 રનની ધમાકેદાર ઇનિંગ રમી હતી, જેમાં તેને 5 ચોગ્ગા અને 8 ગગનચુંબી છગ્ગા ફટકાર્યા હતા. જેમાં અભિષેક શર્માનો સ્ટ્રાઇક રેટ 264.29 રહ્યો હતો. આ ઇનિંગ દરમિયાન અભિષેકે પાવરપ્લેમાં 7 સિક્સર ફટકારીને સનથ જયસૂર્યા, જોશ બટલર અને જોની બેયરસ્ટો જેવા દિગ્ગજોના રેકોર્ડની બરાબરી કરી લીધી છે.
રેકોર્ડબ્રેક પાર્ટનરશિપ
અભિષેક શર્મા અને ટ્રેવિસ હેડની જોડીએ ઇનિંગની શરૂઆત એવી રીતે કરી કે, જાણે ચોગ્ગા-છગ્ગાનો વરસાદ થઈ રહ્યો હોય. બંનેએ મળીને માત્ર 49 બોલમાં 120 રનની ઓપનિંગ પાર્ટનરશિપ કરી હતી. ટ્રેવિસ હેડે 23 બોલમાં 38 રન બનાવ્યા હતા. હૈદરાબાદે પાવરપ્લેની 6 ઓવરમાં 105 રન ફટકાર્યા હતા, જે IPL ઇતિહાસના સર્વોચ્ચ પાવરપ્લે સ્કોર્સમાં સ્થાન પામ્યો છે. જોકે, શશાંક સિંહે એક જ ઓવરમાં બંને ઓપનરોને આઉટ કરીને પંજાબને મેચમાં પરત લાવવાનો પ્રયાસ કર્યો હતો.
આ પણ ખાસ વાંચો : ટીમ ઈન્ડિયાના સ્ટાર પ્લેયરના પ્રેમમાં પડી આ સુંદર હસીના : ક્રિકેટર અભિષેક શર્માની ડેટિંગ લાઈફ આ વાયરલ ફોટો પછી ચર્ચાના ચકડોળે ચડી
મિડલ ઓર્ડરનું યોગદાન
ઓપનિંગ જોડી આઉટ થયા બાદ કેપ્ટન ઈશાન કિશને 17 બોલમાં 27 રનનું મહત્વનું યોગદાન આપ્યું હતું. હેનરિક ક્લાસને પણ સંયમપૂર્વક બેટિંગ કરતાં 33 બોલમાં 39 રન બનાવ્યા હતા. અંતિમ ઓવરોમાં અનિકેત વર્માએ માત્ર 9 બોલમાં 18 રન ફટકારીને ટીમના સ્કોરને 200 રનની પાર પહોંચાડવામાં મદદ કરી હતી. પંજાબ તરફથી અર્શદીપ સિંહ અને શશાંક સિંહે 2-2 વિકેટ ઝડપી હતી, જ્યારે ઝેવિયર બાર્ટલેટને એક સફળતા મળી હતી.





