Home Tech/Gadgets Aadhaar Update Rules Change November 2025

પહેલી નવેમ્બરથી બદલાશે આધાર કાર્ડના નિયમ : હવે ઘરે બેઠા માહિતી થશે અપડેટ, PAN સાથે લિંક કરવું હવે ફરજિયાત

પહેલી નવેમ્બરથી બદલાશે આધાર કાર્ડના નિયમ
Published by: OBS Bureau
Last Updated: Oct 28, 2025, 05:46 AM IST

આધાર ધારકો માટે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. આવતી 1 નવેમ્બર 2025થી યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) દ્વારા આધાર સંબંધિત કેટલાક નવા નિયમો લાગુ થવા જઈ રહ્યા છે. આ ફેરફારોના કારણે હવે તમારે આધારની માહિતી સુધારવા માટે નામાંકન કેન્દ્ર જવાની જરૂર નહીં રહે. ઘરે બેઠા જ ઓનલાઇન નામ, સરનામું, જન્મતારીખ અને મોબાઇલ નંબર જેવી વિગતો બદલી શકાશે.

ઘરે બેઠા આધાર અપડેટ કરવાની નવી સુવિધા

UIDAIના નવા નિયમો મુજબ આધારની માહિતી હવે સંપૂર્ણપણે ઓનલાઇન અપડેટ કરી શકાશે. અત્યાર સુધી આ પ્રક્રિયા માટે નામાંકન કેન્દ્ર પર જવું પડતું હતું, પરંતુ હવે સરકારી દસ્તાવેજો દ્વારા માહિતી આપમેળે વેરિફાઈ થશે.
ઉદાહરણ તરીકે, તમારું નામ અથવા સરનામું PAN, પાસપોર્ટ, ડ્રાઇવિંગ લાઇસન્સ અથવા રેશન કાર્ડ સાથે મેળ ખાતું હોય તો તે આપમેળે ચકાસાઈ જશે. આથી અપડેટની પ્રક્રિયા વધુ ઝડપી, સરળ અને સુરક્ષિત બનશે.

અપડેટ માટે નવી ફી માળખું

આધારની માહિતી અપડેટ કરવા માટેની ફી માળખામાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે.

  • નામ, સરનામું અથવા મોબાઇલ નંબર બદલવા માટે: ₹75

  • ફિંગરપ્રિન્ટ, આઈરિસ સ્કેન અથવા ફોટો અપડેટ કરવા માટે: ₹125

  • બાળકો માટે બાયોમેટ્રિક અપડેટ (5 થી 7 અને 15 થી 17 વર્ષ): મફત

  • ઓનલાઇન દસ્તાવેજ અપડેટ: 14 જૂન 2026 સુધી મફત

  • કેન્દ્ર પર દસ્તાવેજ અપડેટ: ₹75

  • આધાર પ્રિન્ટ ફી: ₹40

  • ઘરે નામાંકન સેવા: પ્રથમ વ્યક્તિ માટે ₹700 અને તે જ સરનામે દરેક વધારાના વ્યક્તિ માટે ₹350

આ નવી વ્યવસ્થા હેઠળ લોકોને લાંબી લાઈનમાં ઊભા રહેવાની જરૂર નહીં પડે અને મોટાભાગના કામ હવે મિનિટોમાં પૂરા થઈ શકશે.

આધાર-પાન લિંક ફરજિયાત

UIDAIએ જાહેર કરેલા અન્ય મહત્વપૂર્ણ નિયમ મુજબ હવે 31 ડિસેમ્બર 2025 સુધી તમામ પાન ધારકોને પોતાનું પાન કાર્ડ આધાર સાથે લિંક કરવું ફરજિયાત રહેશે. જો નિર્ધારિત સમય સુધી લિંકિંગ ન કરવામાં આવે, તો 1 જાન્યુઆરી 2026થી પાન કાર્ડ નિષ્ક્રિય થઈ જશે.
નવા પાન માટે અરજી કરનારાઓને પણ આધાર વેરિફિકેશન કરાવવું ફરજિયાત રહેશે. ઉપરાંત, બેંકો અને નાણાકીય સંસ્થાઓ માટે KYC પ્રક્રિયા સરળ બનાવાઈ છે, જેમાં હવે આધાર OTP, વિડિઓ KYC અથવા સામસામે ચકાસણીના વિકલ્પ ઉપલબ્ધ રહેશે.

સામાન્ય નાગરિકોને થશે મોટો ફાયદો

આ ફેરફારોથી આધાર ધારકોને સુવિધા અને સુરક્ષામાં વધારો થશે. ઘરે બેઠા માહિતી અપડેટ કરી શકવાથી સમય બચશે, અને દસ્તાવેજ ચકાસણી આપમેળે થવાથી ભૂલોની સંભાવના ઘટશે.
તેથી જો તમારું પાન હજી આધાર સાથે જોડાયેલું નથી, તો સમય ગુમાવ્યા વિના તેને લિંક કરી લો અને UIDAIની નવી ઓનલાઇન સુવિધાનો લાભ લો.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now