8th Pay Commission Latest Update: 8મા પગાર પંચમાં પગાર સુધારણા (સેલેરી રિવિઝન)ની કામગીરી હવે વેગ પકડશે. પંચમાં કન્સલ્ટન્ટ્સની ભરતી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. તાજેતરમાં જ પંચ દ્વારા કન્સલ્ટન્ટ્સની નિમણૂક માટે જાહેરાત બહાર પાડવામાં આવી હતી. આ નિમણૂકો કોન્ટ્રાક્ટ બેઝ (કરાર આધારિત) પર કરવામાં આવી રહી છે. કેન્દ્ર સરકારના 69 લાખ પેન્શનરો અને 49 લાખ કર્મચારીઓ માટે 8મા પગાર પંચ સાથે જોડાયેલું એક મહત્વનું અપડેટ સામે આવ્યું છે. તેમના પગાર, ભથ્થાં અને પેન્શન સુધારણાની કામગીરીમાં હવે તેજી આવવા લાગી છે. નવું અપડેટ આ જ બાબતને લઈને છે.
કોન્ટ્રાક્ટ બેઝ પર ભરતી શરૂ
8મા પગાર પંચ માટે કેન્દ્ર સરકારે ભરતી પ્રક્રિયા આગળ વધારતા કન્સલ્ટન્ટ્સની ભરતી શરૂ કરી દીધી છે. તાજેતરમાં બહાર પાડવામાં આવેલા એક ઓફિસ મેમોરેન્ડમમાં, પંચે કરારના આધારે કન્સલ્ટન્ટ્સની નિમણૂક માટે અરજીઓ મંગાવી છે. આ પહેલાં પંચે વિવિધ કર્મચારી સંગઠનો સાથે બેઠક કરીને તેમના સૂચનો પણ મેળવી લીધા છે.
ઓફિસ મેમોરેન્ડમમાં શું કહેવાયું છે?
'ફાઇનાન્સિયલ એક્સપ્રેસ'ના અહેવાલ મુજબ, પંચની સત્તાવાર વેબસાઇટ (8cpc) પર જાહેર કરાયેલા ઓફિસ મેમોરેન્ડમમાં જણાવવામાં આવ્યું છે કે, 8મું કેન્દ્રીય પગાર પંચ ડેટા એનાલિસિસ, પગાર માળખાની સમીક્ષા, વિવિધ મંત્રાલયો સાથે સંકલન અને નાણાકીય અસરોના અભ્યાસ માટે નિષ્ણાતો (એક્સપર્ટ્સ)ની નિમણૂક કરશે.
સેલેરી સ્ટ્રક્ચરમાં થશે મોટો ફેરફાર
8મા પગાર પંચની ભલામણો સામે આવતાની સાથે જ લાખો કર્મચારીઓને પગાર માળખામાં મોટા ફેરફારની અપેક્ષા છે. લઘુત્તમ વેતન (મિનિમમ સેલેરી) અને ફિટમેન્ટ ફેક્ટરને લઈને જાતજાતની અટકળો લગાવવામાં આવી રહી છે. વધતી જતી મોંઘવારીને ધ્યાનમાં રાખીને પણ પગાર સુધારણાની માંગે જોર પકડ્યું છે.
પંચ કયા મુદ્દાઓ પર કામ કરશે?
8મું પગાર પંચ આ વખતે બેઝિક સેલેરીની સાથે સાથે વિવિધ ભથ્થાં, બોનસ, ગ્રેચ્યુઈટી અને પેન્શન વ્યવસ્થાની પણ સમીક્ષા કરશે. નિમણૂક પામેલા કન્સલ્ટન્ટ્સ વર્તમાન પગાર માળખાનો અભ્યાસ કરવાની સાથે સંભવિત પગાર વધારાના કારણે પડનારા નાણાકીય બોજ અને અસરનું આકલન કરશે.






