Medicine Price Hike: પેટ્રોલ, ડીઝલ અને દૂધના ભાવમાં થયેલા વધારા બાદ હવે સામાન્ય જનતા પર મોંઘવારીનો વધુ એક મોટો આંચકો આવવાની તૈયારી છે. પશ્ચિમ એશિયા (મિડલ ઈસ્ટ) માં ચાલી રહેલા યુદ્ધ અને તેના પરિણામે ખોરવાયેલી વૈશ્વિક સપ્લાય ચેઈનને કારણે ભારતીય ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ ભારે દબાણમાં છે. અહેવાલો અનુસાર, કેન્દ્ર સરકાર હવે 384 આવશ્યક અને જીવન રક્ષક દવાઓની કિંમતોમાં 'ઇમરજન્સી ભાવ વધારો' કરવાની મંજૂરી આપવા પર ગંભીરતાથી વિચારી રહી છે.
આ નિર્ણય પાછળનું મુખ્ય કારણ દવાઓ બનાવવા માટે જરૂરી કાચા માલ (API) અને કેમિકલ્સની આયાતમાં થતો ભારે ખર્ચ છે. જોકે, સરકારના સૂત્રો તરફથી એક રાહતના સમાચાર પણ મળ્યા છે કે આ ભાવ વધારો કાયમી નહીં, પરંતુ અસ્થાયી (Temporary) હશે. આંતરરાષ્ટ્રીય બજારમાં સ્થિતિ સામાન્ય થતા અને સપ્લાય ચેઈન સુધરતા જ આ વધેલી કિંમતોને પાછી ખેંચી લેવામાં આવશે. હાલમાં નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટી (NPPA) અને વાણિજ્ય મંત્રાલય આ મુદ્દે ઉચ્ચ સ્તરીય મંથન કરી રહ્યા છે.
દવાઓ શા માટે થઈ રહી છે મોંઘી?
દવા ઉદ્યોગના નિષ્ણાતોના મતે, મિડલ ઈસ્ટ સંકટને કારણે દવાઓના ઉત્પાદન માટે જરૂરી એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઇન્ગ્રેડિયન્ટ્સ (API) અને કેમિકલ્સના ભાવમાં 200 થી 300 ટકાનો જંગી વધારો થયો છે. માત્ર કાચો માલ જ નહીં, પરંતુ દવાઓના પેકેજિંગ મટીરિયલ અને આંતરરાષ્ટ્રીય પરિવહન (લોજિસ્ટિક્સ) ખર્ચમાં થયેલો વધારો પણ દવાઓને સામાન્ય માણસની પહોંચની બહાર લઈ જઈ રહ્યો છે.
આ પણ વાંચો: ભાજપ બાદ 'કોકરોચ જનતા પાર્ટી' એ કોંગ્રેસને પણ પછાડી: હવે ટ્રેડમાર્ક મેળવવા માટે લાગી અરજીઓની લાઈન!
કઈ દવાઓ પર જોવા મળી શકે છે ભાવ વધારો?
સરકાર જે 384 જીવન રક્ષક દવાઓની સૂચિ પર વિચાર કરી રહી છે, તેમાં મુખ્યત્વે નીચે મુજબની દવાઓનો સમાવેશ થાય છે:
એન્ટીબાયોટીક્સ: એમોક્સિસિલિન, એઝિથ્રોમાઇસિન.
હૃદય અને બ્લડ પ્રેશર: એમ્લોડિપાઇન, એટોરવાસ્ટેટિન.
તાવ અને દુખાવો: પેરાસીટામોલ.
સ્ટોરોઇડ્સ અને વિટામિન્સ: ડેક્સામેથાસોન અને એસ્કોર્બિક એસિડ (વિટામિન સી).
ઈંધણ સંકટ અને સરકારની તૈયારીઓ
દેશમાં તાજેતરમાં પેટ્રોલ અને ડીઝલમાં થયેલા ભાવ વધારાને પગલે સરકારી તંત્ર પણ સતર્ક બન્યું છે. નવી દિલ્હીમાં પેટ્રોલ ₹98.64 અને ડીઝલ ₹91.58 પ્રતિ લિટરના સ્તરે પહોંચ્યું છે. આ સ્થિતિ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિદેશી હૂંડિયામણ બચાવવા અને આર્થિક સ્થિરતા જાળવવા માટે દેશવાસીઓને ઈંધણનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવા તથા વિદેશ યાત્રાઓ હાલ પૂરતી ટાળવા અપીલ કરી છે. પેટ્રોલિયમ મંત્રાલયના સંયુક્ત સચિવ સુજાતા શર્માએ આશ્વાસન આપ્યું છે કે ભારત પાસે હાલ પેટ્રોલ અને ડીઝલનો પૂરતો સ્ટોક છે. જોકે, પડકાર એલપીજી (LPG) ગેસનો છે, કારણ કે ભારત તેની 60 ટકા જરૂરિયાત આયાત કરે છે અને તેમાંથી 90 ટકા સપ્લાય 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ' મારફતે આવે છે, જે યુદ્ધને કારણે હાલ અવરોધાયેલી છે. આથી, સરકાર હવે દેશમાં જ ગેસનું ઉત્પાદન વધારવા પર વિશેષ ભાર આપી રહી છે.






