Everest Tragedy: દુનિયાના સર્વોચ્ચ શિખર માઉન્ટ એવરેસ્ટને સર કરવું એ કોઈ નાની સિદ્ધિ નથી, પરંતુ આ સાહસની એક કાળી બાજુ પણ છે. તાજેતરમાં ભારતના બે બહાદુર પર્વતારોહકો અરુણ કુમાર તિવારી અને સંદીપ આરેએ એવરેસ્ટ પર સફળતાપૂર્વક પગ મૂકીને ત્યાં ભારતનો તિરંગો લહેરાવ્યો હતો, પરંતુ નિયતિને કંઈક બીજું જ મંજૂર હતું. પરત ફરતી વખતે એવરેસ્ટના ભયાનક 'ડેથ ઝોન'માં અતિશય થાક અને ઓક્સિજનના અભાવે આ બંને પર્વતારોહકોએ અંતિમ શ્વાસ લીધા હતા. નેપાળના સત્તાવાર તંત્રએ શુક્રવારે આ દુઃખદ ઘટનાની પુષ્ટિ કરતા પર્વતારોહણ ક્ષેત્રમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું છે.
શેરપાઓના અથાગ પ્રયત્નો છતાં જીવ ન બચી શક્યો
પ્રાપ્ત વિગતો અનુસાર, સંદીપ આરેએ બુધવારે અને અરુણ કુમાર તિવારીએ ગુરુવારે સાંજે 5.30 વાગ્યાની આસપાસ એવરેસ્ટના શિખરને સર કર્યું હતું. રિટર્ન જર્ની દરમિયાન તેઓ પરત ફરી રહ્યા હતા ત્યારે કુદરતના અતિશય પ્રતિકૂળ સંજોગો તેમની આડે આવ્યા. સંદીપ આરે અત્યંત અશક્ત થઈ ગયા હતા, ત્યારે અનુભવી શેરપા ગાઇડ્સે તેમને બચાવવા માટે રાતોરાત ઓપરેશન ચલાવ્યું હતું. તેઓ સંદીપને 'બાલકની એરિયા'થી નીચે 'સાઉથ કોલ' સુધી લઈ આવવામાં સફળ રહ્યા હતા, પરંતુ ત્યાં જ તેમણે દમ તોડી દીધો હતો. બીજી તરફ, અરુણ તિવારી જ્યારે 'હિલેરી સ્ટેપ' નજીક હતા ત્યારે ભારે થાક અનુભવતા હતા. તેમને પણ બે શેરપાઓ દ્વારા નીચે લાવવાના તમામ પ્રયાસો નિષ્ફળ રહ્યા હતા અને રસ્તામાં જ તેમનું મોત થયું હતું.
આ પણ વાંચો: ભારત-બાંગ્લાદેશ સરહદ પર સુરક્ષાનું 'કવચ': સિલિગુડીમાં ફેન્સિંગ કામગીરીનો પ્રારંભ, સ્થાનિકોમાં ખુશીનો માહોલ
શું છે એવરેસ્ટનો જીવલેણ 'ડેથ ઝોન'?
પર્વતારોહકો માટે 8,000 મીટરથી ઉપરનો વિસ્તાર 'ડેથ ઝોન' તરીકે ઓળખાય છે. આ ઊંચાઈ પર વાતાવરણમાં ઓક્સિજનનું પ્રમાણ એટલું ઓછું હોય છે કે માનવ શરીર માટે શ્વાસ લેવો લગભગ અશક્ય બની જાય છે. જો પર્વતારોહક પાસે વધારાનો ઓક્સિજન સિલિન્ડર ન હોય, તો તેમના શરીરની કોષિકાઓ ઝડપથી મરવા લાગે છે અને મગજ કામ કરવાનું બંધ કરી દે છે, જે અંતે મૃત્યુમાં પરિણમે છે.
શું વધતી જતી ભીડ જવાબદાર છે?
નેપાળ સરકાર દ્વારા આ વર્ષે રેકોર્ડ બ્રેક 493થી વધુ લોકોને એવરેસ્ટ ચઢવાની પરમિટ આપવામાં આવી છે. નિષ્ણાતોના મતે, જ્યારે 'ડેથ ઝોન' જેવા અતિ જોખમી વિસ્તારોમાં સેંકડો લોકો લાઈનમાં ઊભા રહે છે, ત્યારે ત્યાં ટ્રાફિક જામ જેવી સ્થિતિ સર્જાય છે. કઠોર ઠંડીમાં કલાકો સુધી એક જ જગ્યાએ અટવાઈ રહેવાથી પર્વતારોહકોનો મર્યાદિત કૃત્રિમ ઓક્સિજન ખતમ થઈ જાય છે. ભારતના આ બંને પર્વતારોહકો પણ કદાચ આ જ ભીડ અને પ્રતિકૂળ સંજોગોનો ભોગ બન્યા હોવાની આશંકા સેવાઈ રહી છે.






