દેશભરમાં ગરમી હવે માત્ર અસુવિધા નહીં પરંતુ ગંભીર આરોગ્ય સંકટનું રૂપ લઈ રહી છે. શુક્રવારે સામે આવેલા આંકડાઓએ સમગ્ર દુનિયાનું ધ્યાન ભારત તરફ ખેંચ્યું, જ્યારે દુનિયાના 100 સૌથી ગરમ શહેરોમાંથી 97 શહેરો ભારતના હોવાનું સામે આવ્યું. ઉત્તર, મધ્ય અને પૂર્વ ભારત ભીષણ હીટવેવની ઝપેટમાં છે અને અનેક શહેરોમાં તાપમાન 45 થી 48 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે.
ઓડિશાનું બાલાંગીર બન્યું દેશનું સૌથી ગરમ શહેર
AQI.inના આંકડા મુજબ ભારતીય સમય પ્રમાણે બપોરે લગભગ 2:50 વાગ્યે દુનિયાના સૌથી ગરમ શહેરોની યાદીમાં ભારતના શહેરોનો દબદબો રહ્યો હતો. ઓડિશાના બાલાંગીરમાં સૌથી વધુ 48 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું, જે દેશનું સૌથી ગરમ શહેર બન્યું.
તે બાદ બિહારના સાસારામમાં પણ 48 ડિગ્રી આસપાસ તાપમાન નોંધાયું, જ્યારે ઉત્તર પ્રદેશના વારાણસીમાં 47 ડિગ્રી તાપમાન સાથે ગરમીનો કહેર જોવા મળ્યો.
મોસમ વિભાગના નિષ્ણાતોનું કહેવું છે કે આ પ્રકારનું તાપમાન સામાન્ય ઉનાળાની સરખામણીએ ઘણું વધુ છે અને લાંબા સમય સુધી આવી સ્થિતિ રહે તો માનવ આરોગ્ય, પાણી પુરવઠા અને વીજળી વ્યવસ્થાઓ પર ગંભીર અસર પડી શકે છે.
દુનિયાના સૌથી ગરમ શહેરોમાં ભારતનું પ્રભુત્વ
ભારત સિવાય માત્ર નેપાળના ત્રણ શહેરો જ દુનિયાના સૌથી ગરમ શહેરોની યાદીમાં સ્થાન મેળવી શક્યા હતા. તેમાં:
ધાંગડી – 23મું સ્થાન
નેપાલગંજ – 34મું સ્થાન
લુમ્બિની સંસ્કૃતિક વિસ્તાર – 76મું સ્થાન
આ શહેરોમાં પણ તાપમાન 45 થી 46 ડિગ્રી વચ્ચે રહ્યું. ભારતમાં મુઝફ્ફરનગર, અયોધ્યા, પટિયાલા, વોરંગલ, હરિદ્વાર, ગ્વાલિયર, ધનબાદ, ચંડીગઢ, આગ્રા, ભરતપુર અને સિંગરૌલી જેવા શહેરોમાં પણ 45 થી 46 ડિગ્રી સુધી પારો પહોંચ્યો હતો.
હીટસ્ટ્રોકના કેસોમાં વધારો
ગરમી વધતા હવે આરોગ્ય સંબંધિત સમસ્યાઓ પણ ગંભીર બની રહી છે. રિપોર્ટ મુજબ માત્ર આંધ્ર પ્રદેશમાં જ માર્ચથી મે વચ્ચે ગરમી સંબંધિત 300થી વધુ શંકાસ્પદ કેસ નોંધાયા છે. 1 મે થી 19 મે દરમિયાન રાજ્યમાં હીટસ્ટ્રોકના 325 શંકાસ્પદ કેસ સામે આવ્યા છે. આરોગ્ય વિભાગ મુજબ તેમાંના એક તૃતીયાંશ કેસ માત્ર મે મહિનાની શરૂઆત પછી નોંધાયા છે. ડૉક્ટરોનું કહેવું છે કે હીટસ્ટ્રોક એક મેડિકલ ઇમરજન્સી છે, જેમાં શરીરનું તાપમાન ખતરનાક સ્તરે વધી જાય છે. જો સમયસર સારવાર ન મળે તો જીવલેણ સ્થિતિ સર્જાઈ શકે છે.
હોસ્પિટલોમાં દર્દીઓની લાંબી લાઇનો
ભીષણ ગરમીના કારણે અનેક રાજ્યોમાં હોસ્પિટલોમાં ડિહાઇડ્રેશન, ઉલ્ટી, ચક્કર અને ડાયેરિયાના દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. ખાસ કરીને વૃદ્ધો, બાળકો અને બહાર કામ કરતા મજૂરો માટે પરિસ્થિતિ વધુ જોખમી બની છે. ઘણા શહેરોમાં સરકારી હોસ્પિટલોના ઈમરજન્સી વિભાગોમાં ભારે ભીડ જોવા મળી રહી છે. આરોગ્ય નિષ્ણાતો સતત લોકોને પૂરતું પાણી પીવા, સીધી ધૂપથી બચવા અને શરીરને ઠંડું રાખવાની સલાહ આપી રહ્યા છે.
સરકાર અને હવામાન વિભાગની ચેતવણી
રાજ્ય સરકારો અને સ્થાનિક પ્રશાસનોએ લોકોને સવારે 11 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી ઘરની બહાર ન નીકળવાની સલાહ આપી છે. આ સમયગાળા દરમિયાન હીટવેવ સૌથી વધુ ખતરનાક હોય છે. ભારતીય હવામાન વિભાગ (IMD)એ 22 મે થી 27 મે વચ્ચે દિલ્હી સહિત ઉત્તર ભારતના મોટા વિસ્તારોમાં “લૂ” થી લઈને “Severe Heat Wave” જેવી સ્થિતિ રહેવાની આગાહી કરી છે. મોસમ વિભાગ મુજબ આગામી દિવસોમાં તાપમાનમાં વધુ વધારો થવાની શક્યતા છે.
ગુજરાતમાં પણ પાણીની ચિંતા
પશ્ચિમ ભારત, ખાસ કરીને ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પાણીની સમસ્યા પણ વધી રહી છે. વધતી ગરમી અને પાણીની માંગને કારણે અનેક વિસ્તારોમાં પાણી પુરવઠા પર દબાણ વધી ગયું છે.
ગ્રામ્ય વિસ્તારોમાં પાણી માટે લાંબી કતારો અને ટેન્કરો પર વધતી નિર્ભરતા જોવા મળી રહી છે. નિષ્ણાતોનું કહેવું છે કે જો આગામી અઠવાડિયામાં વરસાદી પરિસ્થિતિ ન બને તો પાણી સંકટ વધુ ગંભીર બની શકે છે.





