અમદાવાદ-હિંમતનગર નેશનલ હાઈવે 48 પર આવેલ પ્રાંતિજ તાલુકાના કાટવાડ ઓવરબ્રિજ પાસેથી સોમવારે વહેલી સવારે પસાર થઈ રહેલ એક ટ્રકની પાછળ લકઝરી ઘુસી જતાં ત્રણ લોકોના મોત નિપજયા હતા. લકઝરીમાં મુસાફરી કરી રહેલા 8 લોકોને ગંભીર ઈજા થયા બાદ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
મળતી માહિતી મુજબ રવિવારે રાત્રે મુંબઈથી ઉપડેલી એક ખાનગી લકઝરીમાં બેસી કેટલાક મુસાફરો ઉદેપુર તરફ જઈ રહયા હતા. આ લકઝરીમાં મુંબઈના બોરીવલ્લીમાં રહેતા કેટલાક લોકો પણ સામેલ હતા ત્યારે સોમવારે વહેલી સવારે આ લકઝરી પ્રાંતિજ તાલુકાના કાટવાડ ઓવરબ્રિજ નજીક ટ્રક પાછળ ખાનગી લકઝરી બસ ધડાકાભેર અથડાઈ હતી. ટ્રક પાછળ ઘુસી ગયેલ લકઝરીમાં બેઠેલા 3 લોકોના ગંભીર મોત નિપજયા હતા જયારે અન્ય 8 જણાને ઈજા પહોંચી હતી.
અકસ્માત એટલો ગંભીર હતો કે બસમાં બેઠેલા ઈજાગ્રસ્તોને બહાર કાઢવા માટે બસના પતરાને કાપવામાં આવ્યા હતા. અકસ્માત બાદ ટ્રક ચાલક ત્યાથી નાસી છુટ્યો હતો. અકસ્માત અંગે 108ને જાણ કરાયા બાદ ઈજાગ્રસ્તોને બચાવવા માટે 4 એમ્બ્યુલન્સ ઝડપથી આવી પહોંચી હતી. ત્યારબાદ બચાવ ટીમે આવીને પ્રાંતિજ ફાયરબ્રિગ્રેડની ટીમે પતરા કાપી ઈજાગ્રસ્તોને બહાર કાઢી એક કલાકની જહેમત બાદ આઠેય ઈજાગ્રસ્તોને સારવાર માટે હિંમતનગર સિવિલમાં મોકલી અપાયા હતા. મૃતકોમાં 2 પુરુષ અને 1 સ્ત્રીનો સમાવેશ થાય છે. અને ઈજાગ્રસ્તોની ઓળખ કરવા માટે પ્રાંતિજ પોલીસે લકઝરીમાં બેઠેલ કેટલાક મુસાફરો સાથે પુછપરછ કરી મૃતકના પરિવારોને જાણ કરી હિંમતનગર બોલાવ્યા હતા.
અમદાવાદ માટે કોંગ્રેસનો 'માસ્ટર પ્લાન'!: સ્થાનિક ચૂંટણી માટે કોંગ્રેસે બહાર પાડ્યો મેનિફેસ્ટો, જાણો શું છે વાયદા





