Home Gujarat Womans Life Saved By Successfully Removing Safety Pin Stuck In Esophagus

સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં ઈએનટી ડોક્ટરોની કુશળતા : અન્નનળીમાં ફસાયેલ સેફ્ટી પીન સફળતાપૂર્વક બહાર કાઢી મહિલાનું જીવન બચાવ્યું

સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં ઈએનટી ડોક્ટરોની કુશળતા
Published by: OBS Bureau
Last Updated: Jan 18, 2026, 11:53 AM IST

Civil Hospital Ahmedabad Sucessful surgery: અમદાવાદની સિવિલ હોસ્પિટલના ઈએનટી (E&T)વિભાગના નિષ્ણાત ડોક્ટરોએ એક અસાધારણ કુશળતા અને મહેનતથી 48 વર્ષીય મહિલાનું જીવન બચાવ્યું છે. દર્દીને દાંત સાફ કરતી વખતે સેફ્ટી પીન ગળી ગઈ હતી, જે અન્નનળીમાં ફસાઈ જવાથી જીવલેણ બની શકે તેમ હતું. આ કેસમાં ડોક્ટરોની તાત્કાલિક અને સફળ કાર્યવાહીએ દર્દીને સંપૂર્ણ સ્વસ્થ કરી દીધી છે.ડૉ. ઇલા ઉપાધ્યાય, ઈએનટી વિભાગના વડા, સિવિલ હોસ્પિટલ અમદાવાદે જણાવ્યું કે, "સેફ્ટી પીન ગળામાં ફસાઈ જવાથી આંતરિક ઇજાનો ગંભીર ખતરો હતો અને વિલંબ જીવલેણ સાબિત થઈ શકે તેમ હતું." દર્દીઓએ તાત્કાલિક તબીબી મદદ લેવી જરૂરી છે.

દાંત સાફ કરતા અચાનક ખેંચ આવતા ઘટના

દર્દી સરૂબાલા રમેશચંદ્ર (48 વર્ષ) ખેંચની બીમારીથી પીડિત હતા. આશરે 20 દિવસ પહેલા દાંત સાફ કરવા માટે સેફ્ટી પીનનો ઉપયોગ કરતી વખતે અચાનક ખેંચ આવતા પીન ગળી ગઈ હતી. તે અન્નનળીમાં ભરાઈ ગઈ અને દર્દીને ગળામાં તકલીફ થવા લાગી. માનસિક બીમારી તેમજ ખેંચની તકલીફ હોય તેવા દર્દીઓએ આવી ધારદાર વસ્તુઓથી દૂર રહેવું જોઈએ એવી સલાહ ડૉ. ઇલા ઉપાધ્યાયે આપી છે. 15 જાન્યુઆરીએ દર્દીને સિવિલ હોસ્પિટલના ઈમરજન્સી વિભાગમાં લાવવામાં આવ્યા. દર્દીની હિસ્ટ્રી જાણતા ડોક્ટરોને ખબર પડી કે 20 દિવસ પહેલા આ ઘટના બની હતી. એક્સ-રે તપાસમાં C-7 અને T-1 મણકાના લેવલે અન્નનળીમાં સેફ્ટી પીન ફસાયેલી જોવા મળી હતી.

સફળ ઓપરેશન અને ટીમની મહેનત

16 જાન્યુઆરીએ ડૉ. ઇલા ઉપાધ્યાયના નેતૃત્વમાં ઈએનટી વિભાગની ટીમ અને એનેસ્થેસિયા વિભાગના ડૉ. ભાવના રાવલની સહાયથી ઈસોફેગોસ્કોપી (Esophagoscopy) પ્રક્રિયા કરવામાં આવી. આ પ્રક્રિયા અત્યંત જોખમી હતી, પરંતુ ડોક્ટરોની મહામહેનત અને કુશળતાથી સફળતાપૂર્વક સેફ્ટી પીન બહાર કાઢવામાં આવી. અન્નનળીના બીજા કોઈ ભાગને ઈજા થઈ નહીં. ઓપરેશન બાદ દર્દીની પરિસ્થિતિ સંપૂર્ણ સામાન્ય થઈ ગઈ અને હવે તેઓ કોઈ તકલીફ વિના મોંઢેથી ખાવાનું લઈ શકે છે.

ડૉક્ટરની સલાહ અને જાગૃતિ

આ કેસ સિવિલ હોસ્પિટલના ડોક્ટરોની કુશળતા અને સમર્પણનું ઉદાહરણ છે. ડૉ. ઇલા ઉપાધ્યાયે કહ્યું કે, "માનસિક બીમારી અથવા ખેંચની તકલીફ ધરાવતા લોકોએ ધારદાર વસ્તુઓથી દૂર રહેવું જોઈએ." આવી ઘટનાઓમાં તાત્કાલિક હોસ્પિટલમાં જવું અને વિલંબ ન કરવો એ જીવન બચાવી શકે છે. સિવિલ હોસ્પિટલ જેવી સરકારી સંસ્થાઓમાં ઉચ્ચ કક્ષાની સારવાર મફતમાં મળી રહે છે, જે લોકો માટે આશીર્વાદરૂપ છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now