Home Gujarat The System For Handing Over Mortal Remains Is Functioning Round The Clock

નશ્વર અવશેષો સોંપવા તંત્ર રાઉન્ડ ધ ક્લોક કાર્યરત : મૃતદેહ પહોંચાડવા 591ની ટીમ, 192 એમ્બ્યુલન્સની ખાસ વ્યવસ્થા

નશ્વર અવશેષો સોંપવા તંત્ર રાઉન્ડ ધ ક્લોક કાર્યરત
Published by: OBS Bureau
Last Updated: Jun 14, 2025, 02:57 PM IST

અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ રાજ્ય સરકારે ત્વરિત એક્શન સાથે ગણતરીની મિનિટોમાં રાહત-બચાવ કામગીરી શરૂ કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારની આપદા પ્રબંધનની સંપૂર્ણ સજ્જતાથી વિવિધ તંત્રના સંકલન-સહયોગથી નશ્વર અવશેષો સોંપવાની કામગીરી ઝડપી બની છે. એફ.એસ.એલની ૩ ટીમ દ્વારા ડીએનએ સેમ્પલ એનાલીસીસની કામગીરી ચાલી રહી છે તેમાં અત્યાર સુધીમાં 248 સગાં-સંબંધીઓના બલ્ડ સેમ્પલ લેવામાં આવ્યાં છે.

પરીવારને 9 મૃતદેહો સુપરત કરવામાં આવ્યાં
ગઈ કાલે 8 મૃતદેહોની ઓળખ કરવામાં આવી છે, જે મુસાફરો નહિં પરંતુ વિમાન દુર્ઘટના સ્થળ આસપાસના રહેવાસી હતા. તેને કાનૂની પ્રક્રિયા બાદ તેમના સંબંધીઓને સોંપવામાં આવ્યા હતા. આજે વધુ 11 મૃતદેહોની ઓળખ કરવામાં આવી છે તેમાંથી 9 મૃતદેહો સુપરત કરવામાં આવ્યાં છે જ્યારે અન્ય 2 સુપરત કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

કસોટી ભવનમાં 12 નિષ્ણાંતોની ટીમ કાર્યરત
આરોગ્ય વિભાગે ટ્રોમા સેન્ટર ખાતે ઓર્થોર્પેડિક, ન્યુરો, મેડિસિન, પ્લાસ્ટિક અને બર્ન્સના 100 જેટલા નિષ્ણાંતો-સહાયકોની 5 ટીમ તેમજ પોસ્ટમોર્ટમ રૂમ ખાતે 32 નિષ્ણાંતો અને 20 સહાયકોની ટીમ તેમજ બી.જે. મેડિકલ કોલેજના કસોટી ભવન ખાતે 12 નિષ્ણાંતોની ટીમ કાર્યરત કરી છે. રાજ્ય સરકારે નશ્વર અવશેષોની સગા-સંબંધીઓને સોંપવા માટે ડૉક્ટર્સ, સહાયકો, ડ્રાઈવરોની 591 ટીમ મેમ્બર્સ સહિત 192 એમ્બ્યુલન્સની વ્યવસ્થા રાજ્ય સરકારે કરી છે. નશ્વર અવશેષો લઈ જવા માટે એમ્બ્યુલન્સ અને પોલીસ પાયલોટ સેવા પણ પ્રદાન કરવામાં આવે છે.

તંત્ર દ્વારા 230 ટીમની રચના કરવામાં આવી
સંબંધિત જિલ્લાઓમાં નશ્વર અવશેષોને સંબંધિત જિલ્લાઓમાં પહોંચાડવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કુલ 230 ટીમની રચના કરવામાં આવી છે. આ માટે અમદાવાદ જિલ્લા વહીવટી તંત્રએ પણ 230 કર્મચારીઓની નિમણૂંક તથા કામગીરીના સંકલન માટે ત્રણ નાયબ કલેકટર કક્ષાના અધિકારની નિમણૂંક કરી છે. તેમજ હવાઈ માર્ગે મૃતદેહ લઈ જવા માંગતા લોકો માટે રાજ્ય સરકાર એર ઈન્ડિયા સાથે સંકલન કરવામાં આવી રહ્યું છે.


કંટ્રોલ રૂમ પર 600થી વધુ ફોન કોલ્સ આવ્યાં
હોસ્પિટલ તંત્ર, જિલ્લા વહીવટી તંત્ર અને સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરની મદદ માટે રાજ્ય સરકાર દ્વારા 5 IAS અધિકારીઓ, 25 અધિક/નાયબ કલેકટર, 25 મામલતદારની સેવા પૂરી પાડવામાં આવી છે. તેમના દ્વારા મુખ્યત્વે નશ્વર અવશેષો તેમના કુટુંબીજનોને ઝડપથી સુપરત કરી શકાય તે અંગેની કામગીરી સુનિશ્ચિત કરવામાં આવી રહી છે. દુર્ઘટનામાં અસરગ્રસ્તને મદદરૂપ થવા માટે બી.જે. મેડિકલ કોલેજના કસોટી ભવનમાં હેલ્પડેસ્ક ઊભું કરાયું છે, જેમા કન્ટ્રોલ રૂમના સંકલન સહિતની તમામ વ્યવસ્થા કાર્યરત કરવામાં આવી છે. અત્યાર સુધીમાં સિવિલ હોસ્પિટલ, SEOC,પોલીસ, 108 સહિતની હેલ્પલાઇન તેમજ કંટ્રોલ રૂમ પર 600થી વધુ ફોન કોલ્સ આવ્યાં છે, જે અન્વયે યોગ્ય સંકલનથી કાર્યવાહી કરવામાં આવી છે.

નશ્વર અવશેષો સોંપતી વખતે, રાજ્ય સરકાર દ્વારા મૃત્યુ પ્રમાણપત્ર, અકસ્માત મૃત્યુ કેસ (AD) રિપોર્ટ, પોલીસ તપાસ, પોસ્ટમોર્ટમ નોટ, DNA મેચિંગ અંગેનો FSL રિપોર્ટ, શરીર પર મળેલા કોઈપણ ઘરેણાં અથવા વસ્તુઓ પણ સોંપવામાં આવી રહી છે.

લોકો સહયોગી બન્યા
વિમાન અકસ્માતની આ દુર્ઘટનામાં રાહત અને બચાવની કામગીરીમાં સ્થાનિક રહેવાસીઓ, ખાનગી ડૉક્ટર્સ અને પ્રજાજનો સરકારની સાથે ખભે ખભો મિલાવી સહયોગી બન્યા હતાં. દુર્ઘટના સમયે તરત જ સ્થાનિક રહેવાસીઓ તંત્રના સહયોગમાં જોડાયાં હતાં અને ઘાયલોને બહાર કાઢવા, આગ બુઝવવા વગેરે કામગીરીમાં સરકારની એજન્સીઓને સહયોગી થયા હતાં.

1300 યુનિટ જેટલું બ્લડ એકત્રિત કરવામાં આવ્યું
ઈન્ડીયન મેડીકલ એશોસીએશન (IMA)ના આશરે 100 જેટલા ડૉક્ટરો બચાવ કામગીરીમાં જોડાયા હતાં. તેમજ જુદા જુદા 4 સ્થળોએ યોજાયેલ બ્લડ ડોનેશન કેમ્પ મારફતે આશરે 1300 યુનિટ જેટલું બ્લડ એકત્રિત કરવામાં આવ્યું હતું.અમદાવાદ સિવિલ હોસ્પિટલના ડેઝિગ્નેટેડ નંબર પરથી અધિકૃત વ્યક્તિ દ્વારા કરવામાં આવેલા ફોન કોલને જ ધ્યાને લે. આ કોલમાં જ DNA મેચ થયાની અને પાર્થિવ દેહ લેવા આવવાની જાણ કરવામાં આવશે.

આમ, સમગ્ર વહીવટી તંત્ર દુર્ઘટનાની ક્ષણોમાં તમામ પરિવારજનો સાથે રૂબરૂ સંપર્ક કરી તેઓનાં પરિવારજનોની સિવિલ હોસ્પિટલ ખાતે સેમ્પલીંગ વ્યવસ્થા, એરપોર્ટથી ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા, રહેવા-જમવાની વ્યવસ્થા, વાહન વ્યવસ્થા વગેરે બાબતોમાં મદદરૂપ થઈ આપત્તિના આ કપરાંકાળમાં સહાનુભૂતિપૂર્ણ કામગીરી કરી છે. 

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now