Home Gujarat The Central Government Has Declared June 25 As Constitution Assassination Day

25 જૂન કેન્દ્ર સરકારે સંવિધાન હત્યા દિવસ કર્યો જાહેર : વિષ્ણુ પંડ્યાએ ઇમરજન્સી કાળની યાતના અને સંઘર્ષને યાદ કરવાનો દિવસ ગણાવ્યો

25 જૂન કેન્દ્ર સરકારે સંવિધાન હત્યા દિવસ કર્યો જાહેર
Published by: OBS Bureau
Last Updated: Jun 24, 2025, 01:26 PM IST

25 જૂનના રોજ અમદાવાદ જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં અને દેશમાં 'સંવિધાન હત્યા દિવસ' નિમિત્તે લોકશાહીના મૂલ્યો માટે સંઘર્ષ કરનારા બંધારણના હિમાયતીઓને યાદ કરવાના હેતુથી વિશેષ કાર્યક્રમો યોજાવાના છે ત્યારે આ ઐતિહાસિક દિવસનું મહત્ત્વ શું છે, તે જાણવું જરૂરી છે. કટોકટી શું હતી અને બંધારણનું મહત્ત્વ યુવા પેઢીને જાણવા મળે તે અગત્યનું છે.

ઈતિહાસની તવારીખમાં વર્ષ 1975માં તત્કાલિન વડાપ્રધાન દ્વારા ૨૫મી જૂને દેશમાં કટોકટી લાદવામાં આવી હતી. મેન્ટેનન્સ ઓફ ઇન્ટરનલ સિક્યોરિટી એક્ટ (MISA) અંતર્ગત કોઈ પણ પ્રકારની ટ્રાયલ વગર કોઈ પણ વ્યક્તિની અટકાયત કરી તેને જેલભેગા કરી દેવામાં આવતા હતા. નાગરિકોના અને પ્રેસ-મીડિયાના હક્ક અને તેમની સ્વતંત્રતાને રાતોરાત આંચકી લેવામાં આવી હતી. વર્તમાન કેન્દ્ર સરકારે કટોકટીના આ કાળા દિવસને પ્રતિવર્ષ ૨૫ જૂને 'સંવિધાન હત્યા દિવસ' તરીકે મનાવવાની જાહેરાત કરી હતી.

પદ્મશ્રીથી સન્માનિત ઇતિહાસકાર અને સાહિત્યકાર વિષ્ણુ પંડ્યાએ ૧૯૭૫ની કટોકટીના એ કાળા દિવસોના પોતાના અનુભવો વર્ણવ્યા હતા.વિષ્ણુ પંડ્યાએ જણાવ્યું કે, જ્યારે 25 જૂન, 1975ના રોજ દેશભરમાં કટોકટી લાગુ કરવામાં આવી, ત્યારે ગુજરાત અને તામિલનાડુ બે એવાં રાજ્યો હતાં જ્યાં તાત્કાલિક અસરથી તેનો અમલ થયો ન હતો. ગુજરાતમાં તત્કાલીન જનતા મોરચાની સરકારે કટોકટીને સ્વીકારી ન હતી. જોકે, કમનસીબે, આ સરકાર લઘુમતીમાં આવતાં પ્રધાનમંડળના રાજીનામા બાદ, 13 માર્ચ, 1976થી ગુજરાતમાં પણ કટોકટી લાગુ પડી. અને 13 માર્ચથી જ સમગ્ર ગુજરાતમાં ધરપકડોનો સિલસિલો શરૂ થયો.

દેશભરમાં કટોકટી લાગુ પડી એનો સામનો કરવા ગુજરાતમાં 'બંધારણ બચાવો પરિષદ'ની રચના થઈ હતી. મણિબેન પટેલના નેતૃત્વમાં ઠેર ઠેર સત્યાગ્રહો થયેલા.

વિષ્ણુ પંડ્યા એ સમયે 'સાધના' સામયિકના તંત્રી હતા. આ સામયિકમાં છપાતા લેખો કટોકટી વિરુદ્ધના હતા અને તે કેન્દ્ર સરકારને આંખમાં કણાની જેમ ખૂંચતા હતા. આથી, જ્યારે ગુજરાતમાં કટોકટી લાગુ પડી કે તરત જ તેના તંત્રી વિષ્ણુ પંડ્યાની ધરપકડ કરવામાં આવી. એટલું જ નહીં, 'સાધના' સામયિકના તમામ કર્મચારીઓની પણ અટકાયત કરવામાં આવી, જેથી સાધના પ્રકાશિત ન થઈ શકે. આમ, આ વાણી સ્વાતંત્રતા ઉપરનો સૌથી મોટો પ્રહાર હતો.
દેશભરમાં કટોકટી લાગુ હતી તેને કારણે 'સાધના' સામયિકના લેખોને સેન્સર કરવામાં આવતા હતા. પરંતુ, 'સાધના' સામાયિક દ્વારા આ સેન્સરશિપ સામે હાઈકોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો. એક લેખ છાપવા માટે સામયિકે હાઈકોર્ટમાં જવું પડે, તે કટોકટીના સમયમાં વાણી સ્વાતંત્રતા કેટલી હદે છીનવી લેવામાં આવી હતી, તેનો જીવંત ચિતાર આપે છે.

સાધનાના તંત્રી તરીકે વિષ્ણુ પંડ્યાની પણ ધરપકડ કરવામાં આવી પછી તેમને સૌપ્રથમ કારંજ પોલીસ સ્ટેશન અને ત્યારબાદ ગાયકવાડ હવેલી લઈ જવામાં આવ્યા. સાંજ સુધી નક્કી થઈ શક્યું ન હતું કે રાજકીય કેદીઓને ક્યાં રાખવા. આખરે, તેમને એક જેલ તરફ લઈ જવામાં આવ્યા. જ્યારે જીપ અને પોલીસવાળા ખોડિયાર મંદિર પાસે ઊભા રહ્યા, ત્યારે ખબર પડી કે તેઓને ભાવનગર જેલમાં લઈ જવામાં આવી રહ્યા છે. તેમની સાથે સી.ટી. ધરુ, અનંતરાય જાની જેવા અનેક અગ્રણી લોકો રાજકીય કેદી તરીકે બંદીવાન હતા.


સમગ્ર દેશમાં લગભગ 1 લાખ 10 હજારથી વધુ અટકાયતો કરવામાં આવી હતી. 37,000થી વધુ પ્રકાશનોને સેન્સર કરવામાં આવ્યા હતા અને સામાન્ય માણસ ભય અને ભ્રમમાં જીવી રહ્યો હતો. જયપ્રકાશ નારાયણ, મોરારજી દેસાઈ, અટલ બિહારી વાજપાઈ, લાલકૃષ્ણ અડવાણી જેવા દિગ્ગજ નેતાઓ પણ જેલમાં બંધ હતા. આ સમયે ગુજરાતી બહેનોએ અટલ બિહારી વાજપાઈને રાખડી મોકલી હતી, પરંતુ સરકારે તેને પહોંચવા દીધી ન હતી.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now