શહેરમાં ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા 27 જૂનના રોજ યોજાવાની છે. અમદાવાદના આ સૌથી મોટા પ્રસંગને લઈને તડામાર તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાને લઈને સાદાઈથી રથયાત્રા નીકળશેએ વાત વચ્ચે મંદિર પ્રશાસને રંગેચંગે રથયાત્રા નીકળશે એવી જાહેરાત કરી છે. ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ પારંપરિક રૂટ પર લાખો દર્શનાર્થીઓની હાજરીમાં રથયાત્રા નીકળવાની છે, જેમાં દર વર્ષની જેમ જ આ વર્ષે પણ 101 ટ્રક ભાગ લેશે.
રથયાત્રામાં ઉપયોગ થશે અત્યાધુનિક ટેક્નોલોજી
રથયાત્રાના રૂટ પર 5 સ્થળે એન્ટી-ડ્રોન સિસ્ટમનો ઉપયોગ કરાશે તથા 75થી વધુ ડ્રોનથી સતત મોનિટરિંગ કરાશે. આ સાથે જ RCBની સેલિબ્રેશન પરેડ જેવી ભાગદોડના થાય એ માટે AIનો ઉપયોગ કરાશે. તથા ક્રાઉડ મેનેજમેન્ટ અને મેન્યુઅલ ઇન્ટેલિજન્સ સહિતની તૈયારીઓ ક્રાઇમ બ્રાન્ચે કરી છે.રથયાત્રામાં સુરક્ષાના ભાગરૂપે દુર્ઘટનાઓ ટાળવા પોલીસ મહિનાઓ પહેલાં તૈયાર થઈ જતી હોય છે, જેમાં ગુનેગારોની અટકાયત કરવી, શસ્ત્રોને પણ ઝડપી પાડવા, રથયાત્રાના રૂટ પર રિહર્સલ કરવું વગેરે બાબતોની કાળજી રાખવામાં આવે છે.
DCP અજિત રાજિયાને શું કહ્યું?
DCP અજિત રાજિયાને જણાવ્યું હતું કે,અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે છેલ્લા બેથી ત્રણ દિવસમાં ઘણા બધા હથિયારોના કેસો શોધ્યા છે. કોઈપણ પ્રકારની ભાગદોડ ના થાય એ માટે વ્યવસ્થા કરવામાં આવી છે. જમાલપુર જગન્નાથ મંદિરમાં થયેલી મિટિંગમાં લાઇવ ફૂટેજનો ડેમો પણ લેવામાં આવ્યો છે.ભીડનો ખ્યાલ ડ્રોનની હાઇટ સાથે આવતો હોય છે. એનાથી સમસ્યાઓ ઉકેલવામાં મદદ મળશે. રથયાત્રામાં 75થી વધુ ડ્રોનનો ઉપયોગ કરવામાં આવશે, જેમાં 45 ડ્રોન ક્રાઇમ બ્રાન્ચ પાસે છે, ઉપરાંત 30થી વધુ ખાનગી કંપનીનાં ડ્રોન દ્વારા દેખરેખ કરવામાં આવશે. તમામ ડ્રોનમાં GPS લગાડવામાં આવ્યા છે. પાંચ સ્થળે એન્ટી-ડ્રોન સિસ્ટમનો ઉપયોગ કરાશે ડ્રોન અને એના ઓપરેટરે કેટલી ઊંચાઈએ તેમજ કેટલા અંતરમાં રહેવું, કઈ જગ્યાએ રહેવું એ પણ નક્કી કરવામાં આવ્યું છે.
AI કેમેરા સાથે અદ્યતન ટેક્નોલોજી
જગન્નાથ મંદિર, સરસપુર, પ્રેમ દરવાજા, તંબુ ચોકી, દિલ્હી દરવાજા સહિત 5 સ્થળે એન્ટી-ડ્રોન સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવશે. બેંગલુરુ જેવી ભાગદોડની ઘટના ના બને એ માટે AI તકનીકનો પણ ઉપયોગ થવાનો છે. ઉપરાંત ઇમર્જન્સી માટે એમ્બ્યુલન્સ પ્રવેશ અને નીકળવાની પણ વ્યવસ્થા કરવામાં આવશે.






