મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા રાજ્યમાં સંસ્કૃત ભાષા અને સાહિત્યનાં જન માનસમાં પ્રચાર-પ્રસાર દ્વારા પ્રાચીનતમ ભાષા સંસ્કૃતને પ્રોત્સાહન તેમજ જતન-સંવર્ધન માટે યોજના પંચકમ લોંચ કરી હતી.
મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને યોજાયેલી ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડની સ્થાયી સમિતિની બેઠકમાં તેમણે બોર્ડના લોગોનું અનાવરણ પણ શિક્ષણ મંત્રી ડો. કુબેરભાઈ ડીંડોર અને સંસ્કૃત બોર્ડના અધ્યક્ષ ડો. હિમાંજય પાલીવાલની ઉપસ્થિતિમાં કર્યું હતું. ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા સંસ્કૃત ભાષા અને સાહિત્યનો વ્યાપક પ્રચાર થાય અને આ પ્રાચીન ભાષા જન-જન સુધી પહોંચે તેવા હેતુસર સંસ્કૃત સપ્તાહોત્સવ, સંસ્કૃત સંવર્ધન સહાયતા યોજના, સંસ્કૃત પ્રોત્સાહન યોજના અને શ્રીમદ્ ભગવત ગીતા યોજના તથા શત સુભાષિત કન્ઠ પાઠ યોજના એમ યોજના પંચકમ્ પ્રથમ ચરણમાં લોંચ કરવામાં આવી છે.
આ યોજના પંચકમ્ માં જે પાંચ યોજનાઓ સમાવિષ્ટ છે. તેમાં સંસ્કૃત સપ્તાહોત્સવ યોજના અન્વયે તા. ૬/૮/૨૦૨૫ થી તા. ૧૩/૮/૨૦૨૫ ના સપ્તાહ દરમિયાન સમગ્ર ગુજરાતમાં વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ અન્ય સંગઠનો દ્વારા ઉજવણી કરવામાં આવશે.સમગ્ર વાતાવરણ સંસ્કૃતમય બને તેવા પ્રયત્નો કરવામાં આવશે. દર વર્ષે શ્રાવણ સુદ પૂનમ (રક્ષાબંધન) ને સંસ્કૃત દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે તા. ૯/૮/૨૦૨૫ને શનિવારના રોજ સંસ્કૃત દિવસ છે તેના ઉપલક્ષ્યમાં આ સપ્તાહ ઉજવાશે.
ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડની સ્થાયી સમિતિની બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ બોર્ડની પ્રવૃત્તિઓનું પ્રસ્તુતિકરણ કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીએ ગુજરાત સરકારની સંસ્કૃત સંબંધિત નીતિઓ અને યોજનાઓના અમલીકરણ માટે નોડલ એજન્સી તરીકે કાર્યરત આ બોર્ડની પ્રવૃત્તિઓના વ્યાપ અને ભવિષ્યલક્ષી આયોજનો અંગે પણ બેઠકમાં માર્ગદર્શન આપ્યું હતું.
મુખ્ય સચિવ પંકજ જોષી, શિક્ષણ વિભાગના અધિક મુખ્ય સચિવ મતી સુનયના તોમર, શિક્ષણ અગ્ર સચિવ મુકેશકુમાર, નાણાં વિભાગના અગ્ર સચિવ ટી નટરાજન, મુખ્યમંત્રીના અધિક અગ્ર સચિવ અવંતિકા સિંઘ, ઉચ્ચ શિક્ષણ કમિશનર દિલીપ રાણા, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના અધ્યક્ષ પંડ્યા તેમજ બોર્ડના ખાસ ફરજ પરના અધિકારી અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ આ બેઠકમાં જોડાયા હતા.
'ગુજરાતનું અપમાન સહન નહીં થાય': મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મલ્લિકાર્જુન ખડગે સામે આકરા પ્રહાર






