ઉત્સવ...બાળકોના સર્વાંગી વિકાસનો થીમ સાથે તા. 26 થી 28 જૂન દરમિયાન સમગ્ર રાજ્યમાં યોજાનાર શાળા પ્રવેશોત્સવ તેમજ કન્યા કેળવણી મહોત્સવ-2025નો આજથી રાજ્યવ્યાપી શુભારંભ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત શાળા પ્રવેશોત્સવના પ્રથમ દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, રાજ્ય મંત્રી મંડળના સભ્યઓ સહિતના વિવિધ પદાધિકારીઓ અને ઉચ્ચ અધિકારીઓએ ઉત્સાહભેર નાના ભૂલકાઓને શાળામાં પ્રથમવાર પ્રવેશ કરાવ્યો હતો.
શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ-2025ને 'સમાજોત્સવ' બનાવવાના ધ્યેય સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહીસાગરના કડાણા તાલુકાની દિવડા પીએમ શાળાના બાળકોને પ્રવેશ અપાવીને શાળા પ્રવેશોત્સવના 23માં સંસ્કરણનો રાજ્યવ્યાપી શુભારંભ કરાવ્યો હતો. આ ઉપરાંત ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ થરાદ તાલુકાના સીમાવર્તી દેવટા, દીપડા અને મોટા મેસરા ગામની શાળામાં બાળકોને પ્રવેશ અપાવ્યો હતો.
મંત્રીઓ આ જગ્યાએ હાજર રહ્યા
- આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે મહેસાણા જિલ્લાના ઊંઝા સ્થિત કન્યા હાઇસ્કુલમાં ભૂલકાઓનો શાળામાં પ્રવેશ કરાવ્યો હતો.
- કૃષિ મંત્રી રાઘવજી પટેલે જામનગર જિલ્લાના જાંબુડા, અલિયા તથા બાળા ગામની શાળાઓમાં નવા પ્રવેશ મેળવનાર બાળ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ અર્પણ કરી શાળામાં પ્રવેશ અપાવ્યો હતો.
- પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા તાલુકાના ગોરખમઢી, કદવાર અને ધામળેજ ગામમાં બાળકોને શાળામાં પ્રવેશ કરાવ્યો હતો.
- ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતે પાટણ જિલ્લામાં સિદ્ધપુર તાલુકાના રાજપુરા, કમલીવાડા તેમજ પાટણ તાલુકાના ખોડિયારપુરાની શાળાઓમાં બાળકોને પ્રવેશ કરાવ્યો હતો.
- શિક્ષણ મંત્રી ડો. કુબેરભાઈ ડિંડોરે દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકામાં આવેલી સુખસર કૃષિ શાળામાં પ્રવેશપાત્ર ૩૫ વિદ્યાર્થીઓને પ્રવેશ અપાવ્યો હતો.
- મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુભેન બાબરીયાએ ગાંધીનગર શહેરની સેકટર-7, સેક્ટર-૮ અને સેક્ટર-૨ ની પ્રાથમિક શાળાઓ અને બાલવાટીકાના પ્રવેશપાત્ર કુલ ૭૯ બાળકોને શાળામાં પ્રવેશ કરાવ્યો હતો.
- વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઇ બેરાએ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાની અવેડાવાડી પ્રાથમિક શાળાની આંગણવાડી, બાલવાટિકા અને ધોરણ ૧માં ૫૩ જેટલા ભૂલકાઓને પ્રવેશ કરાવ્યો હતો.
- ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ સુરતની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત મહારાજા કૃષ્ણકુમારસિંહજી પ્રાથમિક શાળા ક્રમાંક-334, લતા મંગેશકર પ્રા.શા.ક્રમાંક-355 તેમજ પ્રમુખસ્વામી મહારાજ પ્રા.શા.ક્રમાંક-346ના મળી કુલ 583 ભૂલકાંઓને શાળા પ્રવેશ કરાવ્યો હતો.
- શિક્ષણ રાજ્યમંત્રીપ્રફુલભાઈ પાનસેરીયાએ ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના આમોદ્રા ખાતે બાળકોને શાળામાં રંગેચંગે પ્રવેશ કરાવ્યો હતો.
શાળા પ્રવેશોત્સવમાં તમામ મંત્રીઓ, પદાધિકારીઓ અને ઉચ્ચ અધિકારીઓએ ઉત્સાહભેર પ્રથમવાર શાળાએ આવતા ભૂલકાઓનું પુજન કરી પગલાં પાડીને પ્રવેશ કરાવ્યો હતો. તેમજ બાળકોને શૈક્ષણિક કીટ તથા પાઠ્યપુસ્તકોનું વિતરણ કરવામાં આવ્યું હતુ. આ ઉપરાંત મહાનુભાવોએ શાળાના પટાંગણમાં ‘એક પેડ માં કે નામ’ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ પણ કર્યું હતું
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ઉમેદવારોનું 5 મું લિસ્ટ જાહેર: ભાજપ-કોંગ્રેસના ગઢમાં મચશે ખળભળાટ?






