Home Gujarat High Court Grants Bail To Son To Meet Asaram

આશારામને મળવા હાઈકોર્ટે પૂત્રને આપ્યા જામીન : નારાયણ સાંઈને 05 દિવસના હંગામી જામીન, પોલીસ એસ્કોર્ટ સાથે રાજસ્થાન જશે

આશારામને મળવા હાઈકોર્ટે પૂત્રને આપ્યા જામીન
Published by: OBS Bureau
Last Updated: Jun 20, 2025, 02:30 PM IST

2019 માં સુરતની સેશન્સ કોર્ટે દુષ્કર્મના કેસમાં નારાયણ સાંઈને દોષિત ઠેરવીને આજીવન કેદની સજા ફટકારી હતી. તે સુરતની જેલમાં બંધ છે. ત્યારે તેને દુષ્કર્મ કેસમાં રાજસ્થાનમાં સજા ભોગવી રહેલા પોતાના 85 વર્ષીય વૃદ્ધ પિતા આશારામને મળવા ગુજરાત હાઇકોર્ટમાં હંગામી જામીન અરજી કરી હતી. તેના પિતાને હ્રદય અને ઉંમર સબંધી તકલીફો છે. તેમણે અગાઉ AIMS માં દાખલ પણ કરવામાં આવ્યા હતા. આ હંગામી જામીન અરજી ઉપર ગુજરાત હાઇકોર્ટની ડબલ જજની બેંચે ચુકાદો આપતા નારાયણ સાંઈને પોલીસ એસ્કોર્ટ સાથે 05 દિવસના હંગામી જામીન મંજૂર કર્યા છે.

અરજદાર દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે આસારામને હોસ્પિટલમાંથી 18 તારીખે ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે અને તેઓ જોધપુર 20 તારીખે પહોંચશે. ત્યારે નારાયણ સાંઈએ આશારામને મળવા માટે 07 દિવસના હંગામી જામીન આપવામાં આવે. જેમાં પોલીસ એસ્કોર્ટમાં પોલીસ કર્મચારીઓના ટ્રાવેલ, ફૂડ અને રહેવાનો ખર્ચ નારાયણ સાંઈ ઉપાડવા તૈયાર છે. જો કે પોલીસ કર્મચારીઓના દરરોજના વેજીસ આપવા અંગે નારાયણ સાઈએ કોર્ટમાં આનાકાની કરી હતી.

હાઇકોર્ટે કહ્યું હતું કે નારાયણ સાંઈ માટે તેના પિતાને મળવું મહત્વનું છે. એસ્કોર્ટ ખર્ચ હાઇકોર્ટ નક્કી કરશે નહીં. અરજદારે તેની વૃદ્ધ માતાને મળવા માટે પણ વધુ હંગામી જામીનની માંગ કરી હતી. તેને કહ્યું હતું કે છેલ્લે 10 વર્ષ પહેલાં તે તેના પિતાને મળ્યો હતો. પોલીસ જાપ્તામાં 01 PSI અને 04 કોન્સ્ટેબલ હશે. નારાયણ સાંઈ સુરતથી બાય રોડ રાજસ્થાન જશે. બીજી તરફ સરકારી વકીલે નારાયણ સાંઈની વર્તણુક અને તેને છોડવાથી ઉભી થનારી પરિસ્થિતિ અંગે કોર્ટને જાણ કરી હતી. જો કે કોર્ટે મૌખિક ઓર્ડર કર્યો હતો કે, લેખિત ઓર્ડથી 05 દિવસના હંગામી જામીન ગણવામાં આવશે. તેમાં 02 દિવસ ટ્રાવેલિંગના અને 03 દિવસ પિતાને મળવાના ગણતરી કરવામાં આવી હતી.

અગાઉની નારાયણ સાંઈની હાઇકોર્ટમાં થયેલી અરજીઓમાં ઉલ્લેખ થયેલો છે કે, છેલ્લે નારાયણ સાંઈને 2021માં મુક્ત કરવામાં આવ્યો હતો. તે 12 વર્ષથી જેલમાં છે. વર્ષ 2021માં અરજદારની માતાની તબિયત ખરાબ થતા તેને 04 દિવસ માટે જેલ મુક્તિ આપવામાં આવેલ હતી. ત્યારબાદ તેને કોઈ રાહત આપવામાં આવી નથી. તેને સરકારી અધિકારીઓને પણ લાંચ આપવાની કોશિશ કરેલ છે. અરજદારની જેલમાં વર્તણુક પણ યોગ્ય નથી. જેથી તેને જેલના નિયમો મુજબ અયોગ્ય વર્તણૂક બદલ જેલમાં અપાતી સજા પણ કરવામાં આવેલ છે. તેને જેલ મુક્ત કરવાથી અયોગ્ય ઘટના ઘટવાની શકયતાઓ રહેલ છે. તેને જેલ મુક્ત કરવો યોગ્ય જણાતું નથી.

તેને અગાઉ જેલમાં ભૂખ હડતાળ કરીને બીજા કેદીઓને ઉશ્કેર્યા હતા. જેને લઇને તેને હાઈ સિક્યુરિટી સેલમાં રાખવામાં આવ્યો છે. તેથી કેટલાક સમય માટે તેને ફોન કરવા દેવા ઉપર પ્રતિબંધ પણ ફરમાવવામાં આવ્યો હતો. તેની પાસેથી અગાઉ જેલમાં મોબાઈલ અને બેટરી મળી આવ્યા હતા. આથી જવાબદારો સામે નિયમો મુજબ કાર્યવાહી હાથ ધરાઇ છે. અગાઉ મોબાઈલ અને ચાર્જર પણ અરજદાર પાસેથી મળ્યા હતા. જેથી તેને જેલમાં મળવા આવતા લોકો ઉપર પણ પ્રતિબંધ મુકાયો છે.

વર્ષ 2013માં તેના સાધકો તરફથી DCPને જાનથી મારી નાખવા ધમકી અપાઈ હતી. કેસ નબળો કરવા પોલીસ, જ્યુડીશિયલ ઓફિસર વગેરેને લાંચ આપવા પ્રયત્ન કરાયો હતો. પીડિતા ઉપર પણ હુમલો કરાયો હતો. જ્યારે નારાયણ સાંઈની ધરપકડ કરાઈ ત્યારે તેના સાધકોએ ધમાલ મચાવી હતી. સાહેદો ઉપર પણ હુમલા થયેલા છે અને એક સાહેદનું મોત પણ નીપજેલું છે. એક સાધકને ત્યાં IT ની રેડમા 42 થેલા પકડાયા હતા. સાધકે દેશની જુદી જુદી જગ્યાએ ફરીને કરોડોની પ્રોપર્ટી ભેગી કરી હતી. આરોપી તરફથી એક PI ને પણ હત્યાની ધમકી મળી હતી. તેની બેરેકમાંથી તમાકુ પણ મળ્યું હતું.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now