Amit Shah Naxalism speech: લોકસભામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નક્સલવાદના મુદ્દે વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા. અમિત શાહે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપતા કહ્યું કે, ‘જે કોઈ હથિયાર ઉઠાવશે, તેનો હિસાબ ચૂકવવો પડશે.’ તેમણે બસ્તરમાં વિકાસના અભાવ માટે ‘લાલ આતંક’ના પડછાયાને જવાબદાર ગણાવ્યો અને કોંગ્રેસના 60 વર્ષના શાસન પર તીખા સવાલો કર્યા.
‘નક્સલવાદ મુક્ત ભારત’નો સંકલ્પ
અમિત શાહે ગૃહમાં જણાવ્યું હતું કે ડાબેરી વિચારધારાને કારણે નક્સલવાદ ફેલાયો છે, જે દેશની આંતરિક સુરક્ષા માટે સૌથી મોટો પડકાર રહ્યો છે. પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના જૂના નિવેદનનો હવાલો આપતા તેમણે કહ્યું કે, તે સમયે સમસ્યાનો સ્વીકાર તો કરવામાં આવ્યો હતો, પરંતુ ઉકેલ માટે કંઈ કરવામાં આવ્યું નહોતું. અમિત શાહે ઉમેર્યું, ‘2014માં સત્તા પરિવર્તન બાદ મોદીજીના શાસનમાં વર્ષો જૂની સમસ્યાઓનું નિરાકરણ આવ્યું છે. હવે નક્સલવાદ મુક્ત ભારતની રચના પણ આ જ કાર્યકાળમાં થઈ રહી છે.’
કોંગ્રેસના 60 વર્ષ વિરુદ્ધ મોદીના 12 વર્ષ
વિપક્ષ પર નિશાન સાધતા ગૃહમંત્રીએ પૂછ્યું કે, આઝાદીના 75 વર્ષમાંથી 60 વર્ષ શાસન કરનાર કોંગ્રેસના સમયમાં આદિવાસીઓ વિકાસથી વંચિત કેમ રહ્યા? તેમણે કહ્યું, ‘આદિવાસીઓને 60 વર્ષ સુધી ઘર, પાણી, શાળા અને બેંકની સુવિધાઓ કેમ ન મળી? આજે મોદી સરકાર બસ્તરના દરેક ગામમાં શાળા અને રાશનની દુકાનો ખોલવાની ઝુંબેશ ચલાવી રહી છે.’
બસ્તરમાંથી હટી રહ્યો છે ‘લાલ આતંક’નો પડછાયો
શાહે જણાવ્યું કે દેશના દરેક ગરીબને મફત અનાજ, ગેસ અને 5 લાખ સુધીનું સ્વાસ્થ્ય વીમા કવચ મળ્યું, પરંતુ બસ્તરના લોકો તેનાથી વંચિત રહી ગયા હતા કારણ કે ત્યાં નક્સલવાદનો સાયો હતો. તેમણે દાવો કર્યો હતો કે મોદી સરકારે તે ‘લાલ આતંક’ના પડછાયાને હટાવી દીધો છે, જેના કારણે આજે બસ્તર ઝડપથી વિકાસ કરી રહ્યું છે.
ગૃહમંત્રીએ કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું, ‘તમારી લડવાની પદ્ધતિ શું છે? આપણે અંગ્રેજોના શાસનમાં નથી જીવી રહ્યા. કેટલાક લોકોએ ભગત સિંહ અને બિરસા મુંડાની સરખામણી એવા લોકો સાથે કરી દીધી જે અક્ષમ્ય છે. શહીદ ભગત સિંહ અને ભગવાન બિરસા મુંડા જે અંગ્રેજો સામે લડ્યા, તેમની સરખામણી તમે બંધારણ તોડીને હાથમાં હથિયાર લઈ નિર્દોષોની હત્યા કરનારાઓ સાથે કરી રહ્યા છો? હું કહેવા માંગુ છું કે આવા વિષયોમાં રાજકીય સ્વાર્થથી ઉપર ઉઠવું જોઈએ.’
ઐતિહાસિક નિર્ણયોનો ઉલ્લેખ
પોતાના સંબોધનમાં ગૃહમંત્રીએ કલમ 370 હટાવવી, રામ મંદિર નિર્માણ, GST, CAA અને મહિલા અનામત જેવા ઐતિહાસિક નિર્ણયોનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે મોદીજીના નેતૃત્વમાં દેશે એવા મોટા કામ કર્યા છે જે દાયકાઓથી પેન્ડિંગ હતા.





