મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની શાળાઓના 13 લાખથી વધુ વિદ્યાર્થીઓને કુલ રૂ. 724 કરોડની સહાય નમો લક્ષ્મી યોજના, નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના, મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશિપ યોજના અને મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશિપ યોજના અન્વયે સિંગલ ક્લિક દ્વારા DBT થી વિદ્યાર્થીઓના ખાતામાં જમા કરાવી હતી. મુખ્યમંત્રીના નેતૃત્વમાં રાજ્ય સરકારે યોજનાઓના લાભ સંબંધિત લાભાર્થીઓને સરળતાથી પહોંચે તેવો ટ્રાન્સપરેન્ટ, સ્પીડી અને ટેકનોલોજી યુક્ત ગવર્નન્સનો અભિગમ અપનાવ્યો છે.
મુખ્યમંત્રીના માર્ગદર્શનમાં નમો લક્ષ્મી યોજના રાજ્ય સરકારે ધો.૯થી ૧૨માં અભ્યાસ કરતી કન્યાઓનો ડ્રોપ આઉટ રેટ ઘટે તેમજ કિશોરવયની વિદ્યાર્થિનીઓને શિક્ષણની સાથોસાથ પૂરતું પોષણ મળે અને તેઓનું સશક્તિકરણ થાય તે હેતુંથી કાર્યરત કરી છે.
ગુજરાત સેમિકંડક્ટર, ગ્રીન એનર્જી અને ડિજિટલ સાયન્સ જેવા ક્ષેત્રોનું હબ બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે, ત્યારે આ ક્ષેત્રો માટે ભવિષ્યમાં કુશળ તકનીકી કાર્યબળની મોટા પાયે માંગ ઊભી થશે. આ માટે વધુ ને વધુ વિદ્યાર્થીઓ ધો.૧૧ અને ૧૨માં વિજ્ઞાન પ્રવાહની પસંદગી કરે તે હેતુસર નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના ભવિષ્યમાં કુશળ તકનીકી કાર્યબળ પૂરું પાડવામાં મહત્વનો ભાગ ભજવશે.
મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશિપ યોજના
ધો. 1 થી 5 માં સળંગ અભ્યાસ કરી ધો.5 નો અભ્યાસ પૂર્ણ કરેલા હોય તેવા વિદ્યાર્થીઓ પૈકીના તેજસ્વી વિદ્યાર્થીઓ મેરીટના ધોરણે ધોરણ-૬ માં રાજ્યની શાળાઓમાં પ્રવેશ મેળવી ધોરણ-12 સુધીનું શિક્ષણ પ્રાપ્ત કરી શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા 30 હજાર તેજસ્વી વિદ્યાર્થીઓને સ્કોલરશિપ આપવામાં આવે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશિપ યોજના અંતર્ગત 60 હજાર વિદ્યાર્થીઓને રૂ. 31 કરોડથી વધુની સ્કોલરશિપ ગુરૂવારે ડાયરેક્ટ બેનિફિટ સિસ્ટમથી એનાયત કરી હતી.






