Home Gujarat 11th State Level International Yoga Day To Be Celebrated In Vadnagar

વડનગરમાં ઉજવાશે રાજ્યકક્ષાનો 11મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ : ભૂજંગાસન મુદ્રામાં વર્લ્ડ રેકોર્ડ પ્રસ્થાપિત કરવાનું ગુજરાતનું લક્ષ્ય

વડનગરમાં ઉજવાશે રાજ્યકક્ષાનો 11મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ
Published by: OBS Bureau
Last Updated: Jun 19, 2025, 02:45 PM IST

૧૧મા આંતરરાષ્ટ્રીય યોગદિવસની રાજ્ય કક્ષાની ઉજવણી ૨૧મી જૂન ૨૦૨૫, શનિવારના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની જન્મભૂમિ વડનગરમાં કરવામાં આવશે.યોગ ફોર વન અર્થ-વન હેલ્થની થીમ સાથે ઉજવાનારા આ ૧૧મા આંતરરાષ્ટ્રીય યોગદિવસ સાથે સમગ્ર ગુજરાતમાં આ ઉજવણીમાં સ્વસ્થ ગુજરાત- મેદસ્વીતા મુક્ત ગુજરાતનો ધ્યેય પણ રાખવામાં આવ્યો છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશા દર્શનમાં આ 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસના સમગ્ર રાજ્યવ્યાપી આયોજનને આખરી ઓપ આપવામાં આવ્યો છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વડનગરના તાના-રીરી ગાર્ડનમાં ૨૧મી જુને સવારે 6:૦૦ કલાકથી યોજાનારા રાજ્ય કક્ષાના મુખ્ય કાર્યક્રમમાં જોડાશે. આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલ તેમજ રમત-ગમત રાજ્ય મંત્રી હર્ષ સંઘવી અને અન્ય અગ્રણીઓ પણ આ રાજ્ય કક્ષાના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.

ભારતની પ્રાચીન સ્વાસ્થ્ય અને શારીરિક સુખાકારી પરંપરા એવા યોગને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સફળ પ્રયાસોથી વૈશ્વિક સ્વીકૃતિ મળી છે અને યુનાઈટેડ નેશન્સમાં ૧૭૭ દેશોના સમર્થનથી વિશ્વભરમાં યોગદિવસની ઉજવણી ૨૧મી જૂને કરવાનું સ્વીકારવામાં આવ્યું છે. તદઅનુસાર, સમગ્ર વિશ્વમાં ૨૦૧૫થી ૨૧મી જૂને સામુહિક યોગના કાર્યક્રમોથી આ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાય છે તે શ્રૃંખલામાં આ વર્ષે 11મો યોગદિવસ ઉજવાશે.વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આ 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસે યોગ સાધનામાં વિશાખાપટ્ટ્નમથી જોડાશે અને દેશવાસીઓને મેદસ્વિતા મુક્તિ સાથે યોગ દ્વારા સ્વાસ્થ્ય-તંદુરસ્તીની પ્રેરણા આપતો સંદેશ પણ આપશે.

તા. 21મી જૂન 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણીના સ્થળ વડનગર સહિત વિવિધ સ્થળોએ વડાપ્રધાનના આ સંદેશના જીવંત પ્રસારણનું આયોજન પણ કરવામાં આવ્યું છે.ગુજરાતભરમાં આ 11મા આંતરરાષ્ટ્રીય યોગદિવસને વ્યાપક જનભાગીદારીથી ઉજવવાનું વિસ્તૃત કાર્યઆયોજન રાજ્ય સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તથા રાજ્ય યોગ બોર્ડના સહયોગથી હાથ ધરવામાં આવ્યું છે. આ વર્ષે રાજ્ય ભરમાંથી અંદાજે 1 કરોડ 50 લાખથી વધુ નાગરિકોની સહભાગીતાથી યોગ દિવસ ઉજવવાનું લક્ષ્ય રાખવામાં આવેલું છે.

ગુજરાતે ગત વર્ષે 10મા વિશ્વ યોગદિવસની ઉજવણીમાં 1 કરોડ 31 લાખ લોકોની સહભાગીતાથી અગ્રેસરતા મેળવી હતી. આ વર્ષે 11 મા આંતરરાષ્ટ્રીય યોગદિવસના ઉપલક્ષમાં વડનગરના તાના-રીરી ગાર્ડન ખાતે ભુજંગાસનમાં નવો વર્લ્ડ રેકર્ડ પ્રસ્થાપિત કરવાનું લક્ષ્ય ગુજરાતે રાખ્યુ છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now