Home Gujarat 108 Becomes Lifeline In Plane Crash

વિમાન દુર્ઘટનામાં 108 બની લાઈફ લાઈન : 80 લોકોની ટીમ ઘટના સ્થળે તાત્કાલિક કામગીરીમાં જોડાઈ

વિમાન દુર્ઘટનામાં 108 બની લાઈફ લાઈન
Published by: OBS Bureau
Last Updated: Jun 17, 2025, 01:08 PM IST

૧૨ જૂન ૨૦૨૫ ના રોજ બપોરે લગભગ ૧.૪૦ વાગ્યે, અમદાવાદમાં વિમાન દુર્ઘટનાને કારણે કારણે તાત્કાલિક અને વ્યાપક ઇમરજન્સી રિસ્પોન્સની આવશ્યકતા ઊભી થઈ હતી, ત્યારે ૧૦૮ સેવાની કામગીરી ખૂબ સહરાનીય રહી હતી

અમદાવાદ વિમાન દુર્ઘટના અંગે ૧૦૮ અંગેની પ્રશંસનીય કામગીરી અંગે વાત કરતા ૧૦૮ જીવીકે ઈએમઆરઆઈના ચીફ ઓપરેટિંગ ઓફિસર (સીઓઓ) જશંવત પ્રજાપતિ કહ્યું કે, વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું એ સ્થળ ૧૦૮ સુપરવાઇઝરી સ્ટાફ ઑફિસથી ખૂબ નજીક (લગભગ ૫૦ મીટર) હતું. ઍરક્રાફ્ટ ક્રૅશનો અવાજ સાંભળીને ૧૦૮ના એક સુપરવાઇઝર સતિન્દર સંધુએ તાત્કાલિક ૧૦૮-ઇએમએસ ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટરને ફોન કરીને ઘટના અનુરૂપ પ્રોટોકોલ મુજબ અન્ય સ્થાનિક બચાવ સંસ્થાઓ જેમ કે પોલીસ, ફાયર અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ વગેરેને સમાંતરે જાણ કરવામાં આવી હતી અને તેઓ ઘટના સ્થળે દોડી ગયા અને વિમાન દુર્ઘટનાનો ભોગ બનેલા અને જીવંત મુસાફરો પૈકીના વિશ્વાસ કુમારને બચાવ્યા અને દર્દીને ૧૦૮ ઇએમએસ એમ્બ્યુલન્સમાં ખસેડ્યા હતા.

વિમાન દુર્ઘટના અંગે ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટરને આશરે ૨૫થી વધુ કૉલ મળ્યા હતા. બપોરે ૧.૪૧ વાગ્યે પહેલો કૉલ મળતાં જ ૪ એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટના સ્થળે રવાના કરવામાં આવી હતી અને એલર્ટ થયાના ૩ મિનિટમાં (લગભગ ૧.૪૪ વાગ્યે) પ્રથમ એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ફાયર વિભાગને પણ ઘટના વિશે જાણ કરવામાં આવી હતી.

આ સમગ્ર ઘટનાની સૂચના મળ્યા બાદ કુલ ૩૫ એમ્બ્યુલન્સ કામગીરીમાં જોડાઈ હતી અને હજુ પણ આ કામગીરી ચાલુ છે. કામગીરી દરમિયાન કુલ ૧૭૬ પીડિતોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જેમાંથી ૧૮ લોકો જીવતા હતા. હાલમાં ૨૫ એમ્બ્યુલન્સ ઘટના સ્થળે તબીબી સહાય અને પીડિતોને હોસ્પિટલમાં ખસેડવા અને આગળની કાર્યવાહી માટે તૈનાત છે

૧૦૮ - ઇએમએસની કુલ ૮૦ લોકોની ટીમ ઘટના સ્થળે સક્રિય રીતે કામગીરીમાં જોડાઈ હતી, જેમાં સુપરવાઇઝરી અને સપોર્ટ ટીમનો પણ સમાવેશ થાય છે. સુચારુ સંચાલન માટે ફાયર, પોલીસ, હોસ્પિટલ ટીમ અને અધિકારીઓ સાથે અસરકારક સંકલન કરવામાં આવ્યું હતું. ઇમરજન્સી રિસ્પોન્સ ઓપરેશન માટે એમ્બ્યુલન્સ ટીમને મદદ કરવા માટે સમગ્ર ઘટના દરમિયાન ઓપરેશન હેડ અને ફીલ્ડ સુપરવાઇઝર સ્થળ પર ખડેપગે હાજર રહ્યા હતા એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

અમદાવાદ વિમાન દુર્ઘટના એક દુ:ખદ ઘટના હતી, પરંતુ અમારી ઇમરજન્સી સેવાઓની ટીમે અસાધારણ પ્રતિભાવ, સંકલન અને પ્રતિબદ્ધતા દર્શાવી હતી. એમ્બ્યુલન્સને તાત્કાલિક રવાના કરવી, વ્યવસ્થિત રેસ્ક્યુ અને રિકવરી, અને સ્થળ પરના નેતૃત્વએ અસરકારકતા અને સંવેદનશીલતા સાથે આ ગંભીર પરિસ્થિતિનું સંચાલન કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now