Gandhinagar News: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે ગુજરાત વિધાનસભામાં ગૃહ, જેલ, કાયદા અને ન્યાય વિભાગની અંદાજપત્રીય માંગણીઓ પરની ચર્ચાનો ધારદાર જવાબ આપતા રાજ્યની સુરક્ષા અને સુશાસન અંગે સરકારની કટિબદ્ધતા વ્યક્ત કરી હતી. તેમણે વિપક્ષના પાયાવિહોણા આક્ષેપોનો જડબાતોડ જવાબ આપતા વિભાગોની સિદ્ધિઓના આંકડા રજૂ કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, વિકાસની ઈમારત હંમેશા કાયદો અને વ્યવસ્થાના મજબૂત પાયા પર જ ઊભી રહી શકે છે.
આ અંદાજપત્રમાં ગૃહ વિભાગ માટે ₹14,265 કરોડ અને કાયદા-ન્યાયતંત્ર માટે ₹2,702 કરોડ મળી કુલ ₹16,967 કરોડની ઐતિહાસિક જોગવાઈ કરવામાં આવી છે. આ ફાળવણી ગુજરાતના નાગરિકોના નિર્ભય જીવન અને મહિલાઓના સન્માનનો જીવંત દસ્તાવેજ છે. સંઘવીએ ઉમેર્યું કે, "ગૃહ વિભાગ એ ગુજરાતની ઢાલ છે, જ્યારે ન્યાયતંત્ર એ રાજદંડ છે." ભૂપેન્દ્ર પટેલની સરકારનો મંત્ર સ્પષ્ટ છે: ગુનેગારો માટે ઝીરો ટોલરન્સ અને સામાન્ય નાગરિક માટે ત્વરિત ન્યાય.
'BHARAT' (B.H.A.R.A.T.) વિઝન અંતર્ગત રાજ્યની સુરક્ષા વ્યવસ્થાને છ મુખ્ય સ્તંભો દ્વારા વધુ આધુનિક અને સુદ્રઢ બનાવવામાં આવી રહી છે તેમ જણાવતાં નાયબ મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે, આ વ્યૂહરચના હેઠળ Border, Coastal & Cyber Security ને પ્રાધાન્ય આપી પાકિસ્તાન સાથેની ૫૧૨ કિમીની આંતરરાષ્ટ્રીય સીમા અને 2300 કિમી લાંબા દરિયાકિનારે અત્યાધુનિક સર્વેલન્સ સિસ્ટમ તૈનાત કરાશે. સંઘવીએ કહ્યું કે High-Tech Infrastructure & Human Resources અંતર્ગત પોલીસ પરિવારો માટે નવા આવાસોનું નિર્માણ થઈ રહ્યું છે. આ ઉપરાંત, Action Against Terror, Drugs & Mafia હેઠળ ડ્રગ્સ માફિયાઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરી કરોડોનું ડ્રગ્સ ઝડપાયું છે.
આ અંગે નાયબ મુખ્યમંત્રીએ વધુ વિગતો આપતાં કહ્યું કે બીજા તબક્કામાં ટેકનોલોજી અને ઝડપી ન્યાય પ્રણાલી પર ભાર મુકતા Rapid Response, Rescue & Readiness ના પરિણામે 'ડાયલ 112 જન રક્ષક' પ્રોજેક્ટથી પોલીસનો રિસ્પોન્સ ટાઈમ ઘટીને માત્ર 11 મિનિટ 23 સેકન્ડ થયો છે. Accessible & Accelerated Justice સ્તંભ હેઠળ ફાસ્ટ-ટ્રેક પોક્સો કોર્ટોની સ્થાપના અને લોક અદાલતો દ્વારા 1 કરોડથી વધુ કેસોના નિકાલ સાથે ન્યાયિક પ્રક્રિયાને વેગ અપાયો છે. Technology-Driven Policing & Tracing ના ભાગરૂપે 'VISWAS' પ્રોજેક્ટ અને આધુનિક શસ્ત્રોથી પોલીસ દળને સજ્જ કરવામાં આવ્યું છે. આમ, આ છ સ્તંભોના સમન્વયથી ગુજરાત દેશનું સુરક્ષા કવચ બની વડાપ્રધાનશ્રીના 'નવા ભારતના સપના'ને સાકાર કરી રહ્યું છે.
ઇતિહાસમાં પ્રથમવાર ગુજરાતમાં પોલીસ પરિવારો માટે એકસાથે 20,400થી વધુ નવા આવાસોને મંજૂરી
દેશના ઇતિહાસમાં પ્રથમવાર ગુજરાતમાં પોલીસ પરિવારો માટે એકસાથે ૨૦,૪૦૦થી વધુ નવા આવાસોને મંજૂરી આપવામાં આવી છે તેમ જણાવતા નાયબ મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે પોલીસ કોન્સ્ટેબલ અને જેલ સિપાહીઓ માટેના જૂના 1-BHK મકાનોના નિયમને બદલીને હવે સુવિધાયુક્ત 2-BHK ના આવાસો આપવાનો ઐતિહાસિક નિર્ણય કર્યો છે. પોલીસ આવાસ નિગમ દ્વારા અત્યાર સુધીમાં પોલીસ પરિવારોને 45,000થી વધુ આવાસો સોંપી દેવાયા છે. હાલ રૂ. ૨,૬૦૪ કરોડના ખર્ચે નવા ૮,૧૦૪ આવાસો તૈયાર થઈ રહ્યા છે.
આતંકવાદ સામે ઝીરો ટોલરન્સ: ATS દ્વારા 29 આતંકીઓની ધરપકડ
ગુજરાત પોલીસે અને એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોર્ડની સમગ્ર ટીમને અભિનંદન પાઠવતા હર્ષ સંઘવીએ જણાવ્યું કે, વર્ષ 2023 થી 2026 સુધીમાં ગુજરાત એટીએસ (ATS) એ દેશવિરોધી ષડયંત્રોનો પર્દાફાશ કરી કુલ 29 જેટલા કટ્ટરપંથીઓ અને આતંકીઓની ધરપકડ કરી છે. જેમાં અલ-કાયદાનું ફંડિંગ નેટવર્ક, પોરબંદર-સુરતનું ISKP મોડ્યુલ અને શ્રીલંકન આતંકીઓનો સમાવેશ થાય છે. ખાસ કરીને, અયોધ્યા રામ મંદિર પર હુમલાનું કાવતરું રચનાર આતંકીને હરિયાણાથી જીવતા ગ્રેનેડ સાથે પકડી પાડી ગુજરાત પોલીસે પોતાની એલર્ટનેસ સાબિત કરી છે. આ જ ATS દ્વારા જાન્યુઆરી-2026 માં જૈશ-એ-મોહમ્મદની વિચારધારા ધરાવતા શખ્સની ધરપકડ કરી ટાર્ગેટેડ કિલિંગનું કાવતરું નિષ્ફળ બનાવવામાં આવ્યું છે.
અસમાજિક તત્વો તેમજ ભૂમાફિયાઓ પર ‘દાદાનું બુલડોઝર’: ₹2,246 કરોડની સરકારી જમીન મુક્ત
નાયબ મુખ્યમંત્રી સંઘવીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, આ શાંત અને સુરક્ષિત રાજ્યમાં દયા અને દાદાગીરી બંને એકસાથે નહીં ચાલે. રાજ્યમાં ભૂમાફિયાઓ અને અસામાજિક તત્વો સામે દાદાનું બુલડોઝર તો ફરશે જ. રાજ્યના માત્ર 6 જિલ્લાઓ દેવભૂમિ દ્વારકા, કચ્છ, સોમનાથ, જામનગર, જુનાગઢ અને દાહોદમાં જાન્યુઆરી-2026 સુધીમાં 7,902 ગેરકાયદે સાઇટ્સ પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે. આ કામગીરી દ્વારા 1,807 હેક્ટર જમીન દબાણમુક્ત કરાઈ છે, જેની બજાર કિંમત ₹2,246.55 કરોડ થાય છે. કચ્છમાં સૌથી વધુ ₹1,355 કરોડની જમીન અને ગીરસોમનાથમાં 3,010 સાઇટ્સ પર ડિમોલિશન કરી ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરાઈ છે. તે ઉપરાંત અમદાવાદનું ચંડોળા હોય કે રાજકોટનું જંગલેશ્વર ગેરકાયદેસર પચાવી પાડેલી આ જમીનો ઉપરના વિસ્તારો ગુનાખોરી અને ગેરકાયદે પ્રવૃત્તિના અડ્ડા બની ચૂક્યા હતા. હવે આ કીમતી જમીનો ખાલી થતા ત્યાં નાગરિકોને ઉપયોગી સુવિધાઓ અને શહેરી વિકાસના મોટા પ્રોજેક્ટ લોકોને મળશે.
ડ્રગ્સ માફિયાઓની કમર તોડતી ગુજરાત પોલીસ
ગુજરાતમાં નાના બાળકો ડ્રગ્સના રવાડે ચડ્યા હોવાના ખોટા આક્ષેપોનો જવાબ આપતા સંઘવીએ કહ્યું કે, રાજકીય ટીકાના ઉન્માદમાં ગુજરાતને બદનામ કરવાનું બંધ કરો. સાત વર્ષના બાળકો ડ્રગ્સના રવાડે ચડ્યા છે તે પ્રકારના નિવેદન વિપક્ષે સમજી વિચારીને આપવું જોઈએ. આ મુદ્દે રાજકારણ કરવું ન જોઈએ તે આપણી સામાજિક જવાબદારી છે. આવી નિવેદનબાજી ગુજરાત રાજ્યને બદનામ કરવાનું ષડયંત્ર છે. અત્યાર સુધીમાં NDPS એક્ટ હેઠળ ₹14 હજાર કરોડથી વધુ કિંમતનું 1 લાખ કિલોથી વધુ ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે. જેમાં 4316 ડ્રગ્સ માફિયા અને પેડલરોને જેલ ભેગા કરવામા આવ્યા છે. ડ્રગ્સ નેટવર્ક તોડવા માટે એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ (ANTF) ના 6 ઝોન કાર્યરત કરાયા છે.
સીમા સુરક્ષા અને ઘૂસણખોરો સામે કડક કાર્યવાહી
ગુજરાતની 512 કિમી લાંબી આંતરરાષ્ટ્રીય સરહદ અને 2,300 કિમી લાંબા દરિયાકિનારાની સુરક્ષા માટે સરકાર કટિબદ્ધ છે. પાકિસ્તાન અને બાંગ્લાદેશી ઘૂસણખોરોને વીણી-વીણીને ડિપોર્ટ કરવાની પ્રક્રિયા ચાલુ છે. સંઘવીએ કહ્યું કે, "હમારી શરાફત કો હમારી કમજોરી મત સમજના", જો કોઈએ ગુજરાતની સરહદ તરફ મેલી આંખ કરી તો પોલીસ તેની આંખ કાઢી લેવાની તાકાત રાખે છે. રાષ્ટ્રની સુરક્ષા માટે વોટબેંકની રાજનીતિ કરવા વાળા હવે ગયા, આ સરકાર ઘૂસણખોર બાંગ્લાદેશીઓને શોધી શોધીને કડક લુક આઉટ નોટિસ અને ડિપોર્ટેશનની કામગીરી કરી રહી છે.
પોક્સો એક્ટ હેઠળ છેલ્લા ચાર વર્ષમાં 907 ગુનેગારોને આજીવન કેદ અને 14 અત્યંત ગંભીર કિસ્સાઓમાં ફાંસીની સજા
દીકરીઓની સુરક્ષા અંગે વાત કરતા નાયબ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે દીકરીઓની સુરક્ષા એ અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા રહી છે. પોક્સો એક્ટ હેઠળ નોંધાયેલા ગુનાઓમાં ઝડપી તપાસ અને કડક સજા અપાવવાની દિશામાં ગુજરાત પોલીસે અભૂતપૂર્વ સફળતા મેળવી છે. વર્ષ 2022 થી 2026 દરમિયાન 286 કેસોમાં માત્ર 15 દિવસની અંદર અને 1,295 કેસોમાં 15 થી 30 દિવસના ટૂંકા ગાળામાં તપાસ પૂર્ણ કરી ચાર્જશીટ ફાઇલ કરવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન કુલ 1,439 કેસોમાં કોર્ટ દ્વારા સજા ફટકારવામાં આવી છે, જેમાં 907 અપરાધીઓને આજીવન કેદ અને 14 નરાધમોને ફાંસીની સજા અપાવી ગુજરાત પોલીસ દેશમાં ન્યાયનું ઉત્કૃષ્ટ રોલ મોડલ બન્યું છે.
સંઘવીએ કહ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના 'સૌને સમયસર ન્યાય'ના વિઝનને સાકાર કરવા રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે. બાળકો વિરુદ્ધના ગુનાઓમાં કાનૂની અને ભાવનાત્મક સહાય માટે દેશમાં પ્રથમવાર 'પેરા લીગલ વોલેન્ટિયર્સ' (PLVs) ની નિમણૂક કરવામાં આવશે. રાજ્યના 14 જિલ્લાઓમાં 18 નવી એક્સ્ક્લુઝીવ ફાસ્ટ-ટ્રેક પોક્સો કોર્ટની સ્થાપના અને છેવાડાના માનવીને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મેઘરજ, ઘોઘંબા, કોડિનાર અને અબડાસા ખાતે નવી સિનિયર સિવિલ જજ કોર્ટ શરૂ કરાશે. ગૃહ વિભાગ અને કાયદા-ન્યાયતંત્ર વિભાગોની મળી કુલ ₹16,967 કરોડની અંદાજપત્રિય માંગણીઓ વિધાનસભા ગૃહમાં પસાર કરવામાં આવી.




















