Home Tech/Gadgets Youtube Shorts Disable Mobile Step By Step Guide

YouTube Shorts થી છૂટકારો મેળવવો હવે વધુ સરળ : મોબાઈલમાં આવ્યું નવું ફિચર, મિનિટોમાં બંધ કરો સ્ક્રોલિંગની આદત!

YouTube Shorts
Published by: Aryan Shah
Last Updated: Apr 17, 2026, 01:20 PM IST

YouTube Shorts : આજના ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયા પર શૉર્ટ વીડિયો જોવાનો ક્રેઝ ખૂબ જ વધી ગયો છે. લોકો એકવાર શૉર્ટ્સ જોવાનું શરૂ કરે એટલે કલાકો સુધી સ્ક્રોલિંગ કરતાં રહે છે, જેના કારણે સમયનો ઘણો બગાડ થાય છે. યુઝર્સની આ સમસ્યાને ધ્યાનમાં રાખીને યુટ્યૂબે હવે એક શાનદાર ફીચર રજૂ કર્યું છે, જેનાથી તમે શૉર્ટ્સ જોવાની લિમિટ નક્કી કરી શકશો અથવા તેને સંપૂર્ણપણે બંધ પણ કરી શકશો.

નવું ટાઇમ મેનેજમેન્ટ ફીચર

યુટ્યૂબે હાલમાં તેની મોબાઈલ એપમાં 'ટાઇમ મેનેજમેન્ટ સેટિંગ્સ' હેઠળ 'શૉર્ટ્સ ફીડ લિમિટ' નો નવો ઓપ્શન ઉમેર્યો છે. આ ફીચર ખાસ કરીને એવા યુઝર્સ માટે છે, જેઓ પોતાની શૉર્ટ્સ જોવાની આદતને નિયંત્રિત કરવા માંગે છે. આ સેટિંગની મદદથી યુઝર્સ દરરોજ કેટલો સમય શૉર્ટ્સ જોવા છે તે નક્કી કરી શકશે.

ઝીરો મિનિટ લિમિટનો ફાયદો

આ ફીચરની સૌથી મોટી ખાસિયત એ છે કે, તેમાં તમે લિમિટને 'ઝીરો' (0) મિનિટ પર પણ સેટ કરી શકો છો. જો તમે ઝીરો મિનિટ સેટ કરશો, તો તમારી એપમાં શૉર્ટ્સ ફીડ સંપૂર્ણપણે દેખાતી બંધ થઈ જશે. જ્યારે પણ તમે શૉર્ટ્સ સેક્શનમાં જશો ત્યારે 'તમારી લિમિટ પૂરી થઈ ગઈ છે' તેવો મેસેજ જોવા મળશે.

સ્ટેપ-બાય-સ્ટેપ પ્રોસેસ

આ ફીચર સેટિંગ્સમાં થોડું અંદરના ભાગે હોવાથી તેને એક્ટિવેટ કરવા માટે તમારે નીચેના સ્ટેપ્સ ફોલો કરવા પડશે:

  1. સૌથી પહેલા તમારા મોબાઈલમાં યુટ્યૂબ એપ ઓપન કરો.

  2. તમારી પ્રોફાઈલ આઈકોન પર ક્લિક કરીને 'સેટિંગ્સ' (Settings) માં જાઓ.

  3. અહીં તમને 'ટાઇમ મેનેજમેન્ટ' (Time Management) નો ઓપ્શન દેખાશે, તેના પર ક્લિક કરો.

  4. હવે 'શૉર્ટ્સ ફીડ લિમિટ' (Shorts Feed Limit) પર ક્લિક કરો.

  5. તમારી પસંદગી મુજબ 15 મિનિટ થી 2 કલાક સુધીનો સમય અથવા '0' મિનિટ સલેક્ટ કરો.

માત્ર મોબાઈલ યુઝર્સ માટે સુવિધા

હાલમાં આ નવું ફીચર માત્ર એન્ડ્રોઈડ અને iOS મોબાઈલ એપ યુઝર્સ માટે જ ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે. ડેસ્કટોપ કે લેપટોપ પર બ્રાઉઝરનો ઉપયોગ કરતાં લોકોએ હજુ પણ શૉર્ટ્સ બ્લોક કરવા માટે થર્ડ પાર્ટી એક્સ્ટેન્શનની મદદ લેવી પડી શકે છે. ગૂગલ સપોર્ટ પેજ દ્વારા આ અપડેટની સત્તાવાર જાણકારી આપવામાં આવી છે.

સમયની બચત અને જાગૃતિ

યુટ્યૂબ શૉર્ટ્સ 2020 માં લોન્ચ થયા બાદ સતત લોકપ્રિય થઈ રહ્યું છે. તેમાં હવે 3 મિનિટ સુધીના વીડિયો અને AI ટૂલ્સ પણ ઉમેરાયા છે. જોકે, વધતા સ્ક્રીન ટાઇમની ચિંતા વચ્ચે યુટ્યૂબનું આ પગલું બાળકો અને એડલ્ટ યુઝર્સ બંને માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now