માણસના જીવની કોઈ કિંમત નથી તે ફરી એકવાર સાબિત થયું છે, કારણ કે અમદાવાદમાં નાની એવી રકમ માટે એક યુવકની હત્યા કરી દેવામાં આવી છે. આ ઘટના અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં બની છે, રોડ પરથી મળેલી એક લાશની તપાસમાં હત્યાનો ખુલાસો થયો છે, જોકે પોલીસે હત્યારાની ધરપકડ કરી પૂછપરછ કરતા હત્યા પાછળનું કારણ જાણી પોલીસ પણ ચોંકી ઉઠી હતી.
અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આવેલી કળશ રેસીડેન્સી પાસે ઓટોરિક્ષાના ચાલકે એક યુવકને રિક્ષાવડે ટક્કર મારી અને બાદમાં યુ ટર્ન મારી નીચે પડી ગયેલા યુવક પર રિક્ષા ફેરવી નાખી હતી. જેના કારણે યુવકનું મોત થયું હતું. આ ઘટના 19 મી એપ્રિલના રોજ બની હતી. 20 એપ્રિલે પોલીસને એક વ્યક્તિની લાશ નવરંગપુરા ચાર રસ્તા પાસે આવેલા જૈન દેરાસરની સામે જાહેર રોડ પરથી મળી હતી. પોલીસે આજુબાજુના સીસીટીવી તપાસ કરતા આ ગુનાનો ભેદ ઉકેલાયો છે. રિક્ષાના નંબરના આધારે તપાસ કરતા તે રિક્ષા ભુપેન્દ્રભાઈ નટ નામના વ્યક્તિની હતી, પરંતુ તે રિક્ષા સમીર નટ નામનો યુવક ચલાવતો હોવાની હકિકત સામે આવી હતી, પોલીસે સમીર નટની સિંધુભવન રોડ પરના ઔડાના મકાન ખાતેથી ધરપકડ કરી તપાસ કરતા તેણે હત્યાની કબુલાત કરી છે.
આરોપીની પૂછપરછમાં સામે આવ્યું કે આરોપી રિક્ષા ચલાવી 19મી તારીખે રાત્રે 8:00 વાગ્યાની આસપાસ તે વાડજ સર્કલ ખાતે પહોંચ્યો હતો, ત્યારે બસ સ્ટેશનની બાજુમાં આવેલા મંદિર પાસેથી રિક્ષામાં મુસાફરને બેસાડ્યો હતો, રિક્ષામાં પહેલાથી સવાર એક મુસાફરને લખુડી તલાવડી જવાનું હતું જ્યારે અન્ય મુસાફરને કાલુપુર ખાતે જવાનું હતું. આરોપી સમીર નટને નવરંગપુરા સુધી જ જવાનું હોય તેવું જણાવતા યુવકે નવરંગપુરા સુધી જવાની તૈયારી બતાવી હતી. જે બાદ સમીર નટએ એક મુસાફરને લખુડી તલાવડી પાસે ઉતારી નવરંગપુરા પાસે પહોંચતા રિક્ષામાં સવાર અન્ય મુસાફરે બાથરૂમ જવાનું કહેતા બંને જણા બાથરૂમ કરવા માટે નજીકમાં ગયા હતા. તે સમયે રિક્ષામાં મુસાફરી કરીને આવેલા યુવકે રિક્ષાના ભાડાના પૈસા પોતાની પાસે નથી અને તે ભાડું ચૂકવી શકશે નહીં તેવું જણાવી જૈન દેરાસર તરફ ચાલતા નીકળી ગયો હતો. જેથી આરોપીને ગુસ્સો આવી જતા પોતે રોંગ સાઈડમાં રિક્ષા ચલાવી પહેલા તે યુવકને ટક્કર મારી હતી અને તે નીચે પડી જતા રિક્ષા યુ ટર્ન મારી ફરીવાર તેના ઉપર ચડાવી દીધી હતી જેના કારણે તેનું મોત થયું હતું. હત્યા પાછળનું કારણ જાણીને પોલીસ પણ અચંબામાં પડી હતી, મૃતકે આરોપીને 30 રૂપિયા રિક્ષા ભાડું ના ચુકવતા તેણે ગુસ્સામાં આવીને આ હત્યાને અંજામ આપ્યો હોવાની હકીકત સામે આવી છે.
"ખાડિયાના ધારાસભ્ય અને આખી કોગ્રેસની માનસિકતા અસ્થિર થઈ ગઈ છે": ઈમરાન ખેડાવાલાના નિવેદન બાદ ભૂષણ ભટ્ટનો વળતો જવાબ





