Home Gujarat You Can Now Buy Seedlings Seen At The Flower Show In Ahmedabad

અમદાવાદમાં ફ્લાવર શોમાં નિહાળેલા રોપા હવે ખરીદી શકશો : ચાર નર્સરી પરથી વેચાણ, પ્રતિ રોપાનો ભાવ રૂ. 10 થી 235

અમદાવાદમાં ફ્લાવર શોમાં નિહાળેલા રોપા હવે ખરીદી શકશો
Published by: OBS Bureau
Last Updated: Feb 02, 2026, 04:20 AM IST

અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ પર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 1 જાન્યુઆરીથી 29 જાન્યુઆરી સુધી ભવ્ય ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ફ્લાવર શોમાં શહેરવાસીઓને વિવિધ જાતિના રંગબેરંગી ફૂલોના રોપાઓ જોવા મળ્યા હતા, જેને લઈ નાગરિકોમાં ખાસ ઉત્સાહ જોવા મળ્યો હતો. હવે આ ફ્લાવર શોમાં નિહાળેલા રોપાઓ નાગરિકો પોતાના ઘરે પણ લઈ જઈ શકશે, કારણ કે મ્યુનિસિપલ કોર્પોરેશનના ગાર્ડન વિભાગ દ્વારા રોપાઓના વેચાણનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ફ્લાવર શોમાં નિહાળેલા રોપા તમારા ઘરે લાવી શકશો!

આ રોપાઓ શહેરના અલગ અલગ વિસ્તારની ચાર નર્સરીઓ ખાતે વેચાણ માટે ઉપલબ્ધ રહેશે. ચાંદખેડા, એલિસબ્રિજ, નવરંગપુરા અને સાયન્સ સીટી વિસ્તારમાં આવેલી મ્યુનિસિપલ નર્સરીઓ પરથી નાગરિકો પોતાની પસંદગી મુજબ રોપાઓ ખરીદી શકશે. રોપાઓના ભાવ પ્રતિ નંગ રૂ. 10થી લઈને રૂ. 235 સુધી નક્કી કરવામાં આવ્યા છે. નાગરિકો 1 નંગથી લઈ 1,000 નંગથી વધુ ફૂલના રોપાઓ પણ ખરીદી શકશે. 1થી 100 નંગ, 100થી 1,000 નંગ અને 1,000થી વધુ નંગ માટે અલગ અલગ દર નક્કી કરવામાં આવ્યા છે અને દરેક જાતના રોપાનો ભાવ અલગ રાખવામાં આવ્યો છે.

રોપાઓ નાગરિકો મહત્તમ 1,000 નંગ સુધી જ લઈ જઈ શકશે

ફ્લાવર શોમાં ગજેનીયા, ડાયન્થસ, સિલોસીયા, વિન્કા, કેલેન્ડુલા, ઓર્નામેન્ટલ કેલ, બીગોનીયા, હાયપોસ્ટીસ, સિલ્વર ડસ્ટ, પીટુનીયા, યુફોર્બીયા, કોલીયસ, સેવંતી, સાલ્વીયા, એસ્ટર તેમજ ગ્રીન-રેડ અલ્ટનેન્થેરા જેવી અનેક જાતના આકર્ષક ફૂલોના રોપાઓ રાખવામાં આવ્યા હતા. આ તમામ રોપાઓ હવે નર્સરીઓમાં વેચાણ માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે. જો કે ડાયન્થસ, પીટુનીયા અને ગ્રીન-રેડ અલ્ટનેન્થેરા જેવી કેટલીક જાતોના રોપાઓ નાગરિકો મહત્તમ 1,000 નંગ સુધી જ લઈ જઈ શકશે.


મ્યુનિસિપલ કોર્પોરેશનના આ પગલાથી શહેરમાં હરિયાળી વધશે અને નાગરિકોને પોતાના ઘરો, બગીચા તથા સોસાયટીઓને સુંદર બનાવવાની ઉત્તમ તક મળશે. ફ્લાવર શોમાં પસંદ પડેલા રોપાઓ હવે સરળતાથી વાજબી ભાવે ઘર સુધી પહોંચતા નાગરિકોમાં ખુશી અને ઉત્સાહનો માહોલ સર્જાયો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now