Home Gujarat World Sparrow Day 2026 Vadodaras Star India Sparrow Ngo Is Doing Great Work To Save Endangered Sparrows

World Sparrow Day 2026 : 'એક હતી ચકી ને એક હતો ચકો' માત્ર વાર્તા ન બની જાય તે માટે વડોદરાની આ એનજીઓ કરી રહ્યું છે ભગીરથ કાર્ય

World Sparrow Day 2026
Published by: OBS Bureau
Last Updated: Mar 20, 2026, 01:30 AM IST

વડોદરા: "એક હતી ચકી અને એક હતો ચકો..." આ વાર્તા સાંભળીને આપણા સૌનું બાળપણ વીત્યું છે. એક સમયે ઘરના આંગણે અને વરંડામાં ચીં-ચીં કરતી ચકલીઓ હવે કોંક્રિટના જંગલોમાં ખોવાઈ રહી છે. વધતું જતું શહેરીકરણ, બદલાતી જીવનશૈલી અને ઘટતા જતાં વૃક્ષોને કારણે આજે ચકલીઓ 'લુપ્ત' થતા જીવોની યાદીમાં આવી ગઈ છે. વડોદરાની વિશ્વામિત્રી નદીના કિનારે વિહરતી ચકલીઓ આજે અલ્કાપુરી, ગોત્રી કે નિઝામપુરા જેવા વિસ્તારોમાં ચણ શોધવા માટે વલખાં મારી રહી છે. શું આપણે ચકલીને માત્ર 20 માર્ચના દિવસે જ યાદ કરીશું? આ પ્રશ્ન આજે દરેક પ્રકૃતિ પ્રેમીને સતાવી રહ્યો છે.

પર્યાવરણની સમતોલતા જાળવવામાં ચકલીનું યોગદાન અત્યંત મહત્વનું છે. ચકલી માત્ર એક નાનું પક્ષી નથી, પણ તે ખેતી અને પ્રકૃતિની મિત્ર છે. આ નાનકડા જીવને બચાવવા માટે વડોદરામાં છેલ્લા 26 વર્ષથી 'સ્ટાર ઇન્ડિયા સ્પેરો' નામની સંસ્થા પ્રેરણાદાયી કામગીરી કરી રહી છે, જેનો ઉદ્દેશ્ય શહેરમાં ફરી એકવાર ચકલીઓનો કલરવ ગુંજતો કરવાનો છે.

26 વર્ષથી ચકલીઓના સંરક્ષણ માટે સમર્પિત: સ્ટાર ઇન્ડિયા સ્પેરો

વડોદરામાં કાર્યરત સ્ટાર ઇન્ડિયા સ્પેરો એન.જી.ઓ. ચકલીઓના સંરક્ષણ માટે એક મજબૂત કડી સમાન છે. આ સંસ્થામાં આજે ૩૫૦ જેટલા આર્કિટેક્ટ્સ અને 1500થી વધુ સભ્યો સક્રિય રીતે જોડાયેલા છે. સંસ્થાના ડિરેક્ટર અને વ્યવસાયે આર્કિટેક્ટ શ્રી તનુજ દેસાઇ જણાવે છે કે, પહેલાના સમયમાં ઘરોની બનાવટ એવી હતી કે ચકલીઓ સરળતાથી માળા બનાવી શકતી હતી, પરંતુ આજના આધુનિક બિલ્ડીંગોમાં તેમના માટે કોઈ જગ્યા રહી નથી. સુપર માર્કેટના વધતા ચલણને કારણે કરિયાણાની દુકાનો બહાર વેરાતા દાણા પણ બંધ થયા છે, જેના કારણે આ પક્ષીઓ બેઘર અને ભૂખ્યા બન્યા છે.

ચકલી દિવસ માત્ર એક દિવસ નહીં, રોજ ઉજવવો જોઈએ

તનુજ દેસાઇએ ખાસ અનુરોધ કરતા જણાવ્યું છે કે, લોકો માત્ર વિશ્વ ચકલી દિવસે જ સેલ્ફી પડાવવા કે સ્ટેટસ મૂકવા દાણા નાખે તે પૂરતું નથી. ચકલીઓને જીવાડવા માટે તેમને દરરોજ ચણ અને પાણી આપવું અનિવાર્ય છે. સંસ્થા દ્વારા ચકલીઓ માટે ખાસ 'નેસ્ટ બોક્સ' (માળા) અને નાના ધાન્યની કીટનું વિતરણ કરવામાં આવે છે, જેથી લોકો પોતાની બાલ્કનીમાં પણ તેમને આશરો આપી શકે. ખાસ કરીને માર્ચથી મે મહિના સુધી ચકલીઓનો પ્રજનન કાળ હોય છે, ત્યારે તેમને સુરક્ષિત માળાની સૌથી વધુ જરૂર હોય છે.

ચકલીને બચાવવા માટે આપણે શું કરી શકીએ? (સેવાકીય માર્ગદર્શિકા)

ચકલીઓને ફરી આપણા આંગણે લાવવા માટે આટલા નાના પ્રયાસો પણ મોટા ફેરફારો લાવી શકે છે:

  • નિયમિત ચણ અને પાણી: તમારી ગેલેરી કે બારી પાસે દરરોજ જવાર, બાજરી કે તૂટેલા ચોખા અને સ્વચ્છ પાણીનું કુંડુ મૂકો.

  • કૃત્રિમ માળા (Nest Box): જો તમારા ઘરે કુદરતી જગ્યા ન હોય, તો લાકડાના નેસ્ટ બોક્સ લગાવો. માર્ચ અને એપ્રિલ મહિનામાં ઈંડાની સુરક્ષા માટે આ ખૂબ જરૂરી છે.

  • સ્થાનિક વૃક્ષારોપણ: ઘરની આસપાસ બોરડી, રાયણ કે વિલાયતી આંબલી જેવા કાંટાળા અને ઘટાટોપ વૃક્ષો વાવો, જ્યાં ચકલીઓ સુરક્ષિત માળા બનાવી શકે.

  • કીટનાશકોનો ત્યાગ: બગીચામાં રાસાયણિક દવાઓનો ઉપયોગ ટાળો, કારણ કે ચકલીઓ નાના જીવડાં ખાઈને કુદરતી રીતે જ પેસ્ટ કંટ્રોલનું કામ કરે છે.

  • સામૂહિક જાગૃતિ: પરિવાર અને બાળકોને ચકલીના મહત્વ વિશે સમજાવો જેથી આગામી પેઢી પણ પ્રકૃતિ સાથે જોડાયેલી રહે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now