Home Gujarat World Population Day Vadodara Parsi Family Living In Banaj Village History Gaekwad Period

વિશ્વ વસ્તી દિવસ - પારસી વિશેષ : વડોદરાના બાણજ ગામે વસેલા પારસી પરિવારનો 'ગાયકવાડ' સમયનો ઈતિહાસ, 450 વિઘા જમીન આપી 'ને...

વિશ્વ વસ્તી દિવસ - પારસી વિશેષ
Published by: OBS Bureau
Last Updated: Jul 10, 2025, 08:42 AM IST

11 જુલાઈ એટલે કે વિશ્વ વસ્તી દિવસ, આ દિવસનો ઉલ્લેખ થાય એટલે આપણી આંખ સામે વધતી જતી વસ્તી અને તેના પડકારોનું દ્રશ્ય આવી જ જાય. પરંતુ, વિશ્વભરમાં વસ્તી સંબંધિત મુદ્દાઓ પર જાગૃતિ લાવવા માટે ઉજવાતા આ દિવસે આજે વાત કરવી છે, એક એવા સમુદાયની, જેની વસ્તીની ઘટતી જતી સંખ્યા ચિંતાનો વિષય બની છે. હા વાત, પારસી સમુદાયની થઈ રહી છે. ભારતમાં અને ખાસ કરીને ગુજરાતમાં જે પારસી સમુદાય વસે છે, તેમાંથી મોટા ભાગના લોકો વિદેશ જઈને સ્થાયી થઈ જાય છે એટલે કે સ્થળાંતર કરે છે. આ સિવાય ઓછો જન્મદર, મોડા લગ્ન અને અપરિણિત રહેવાનો અભિગમ, આંતરધર્મીય લગ્ન અને વૃદ્ધ વસ્તી જેવા મુખ્ય કારણો પણ પારસીની ઘટતી જતી સંખ્યા માટે જવાબદાર છે. પારસીની ઘટતી વસ્તી તો આ લેખનો મુખ્ય વિષય છે, જેથી તેના પર વધારે વાત કરીએ તે પહેલા વડોદરા જિલ્લામાં વસતા એક પારસી પરિવાર વિશે જાણીએ. એ એટલા માટે કારણ કે મહારાજા સયાજીરાવ ગાયકવાડે તેમને અહીં સ્થાયી કર્યા હતા અને તેઓ હજુ પણ અહીં જ છે.
સદીઓ પહેલા પર્શિયાથી ભારતમાં આવ્યા અને...
મહારાજા સયાજીરાવ ગાયકવાડે દોરાબજી અરદેશજી કામાને ડભોઈ તાલુકામાં હાલ જે બાણજ ગામ તરીકે ઓળખાય છે, ત્યાં ૪૫૦ વિઘા જમીન આપી, જેથી તેઓ વસવાટ કરી શકે અને પોતાનું ગુજરાન ચલાવી શકે. પારસીઓ કે જેઓ સદીઓ પહેલા પર્શિયાથી ભારતમાં આવ્યા અને ગુજરાતમાં ખાસ કરીને દક્ષિણ ભાગના વલસાડ, સુરત અને નવસારીમાં સ્થાયી થયા. વડોદરા જિલ્લામાં એ સમયે પારસી સમુદાય ન્હોતો રહેતો. જેથી, ભારતની સંસ્કૃતિ, અર્થતંત્ર અને સમાજમાં નોંધપાત્ર યોગદાન આપનાર પારસી સમુદાયનો પરિવાર વડોદરામાં સ્થાયી થાય અને તેનો વ્યાપ વધે તે માટે આ એક મહત્વપૂર્ણ પગલું હતું. મહારાજા સયાજીરાવના આશ્રયથી દોરાબજી અરદેશજી કામા બાણજ ગામમાં સ્થાયી થયા. તેઓ ખેતી કરીને ગુજરાન ચલાવતા હતા. સ્પષ્ટ વક્તા, નેતૃત્વનો ગુણ અને બહોળા જ્ઞાનના કારણે તેઓ 20 વર્ષ સુધી બાણજ ગામના સરપંચ પણ રહ્યા. પોતાના ઉદાર સ્વભાવના કારણે તેમણે ગામમાં પ્રાથમિક શાળા બનાવવા માટે પોતાની થોડી જમીન પણ દાનમાં આપી હતી. ત્યારબાદ ઈન્દિરા ગાંધીની સરકારમાં ટોચની મર્યાદાનો કાયદો, પેઢી દર પેઢી ગંભીર બિમારીઓ જેવી ઘટનાઓના કારણે તેઓની જમીનનો વિસ્તાર ઘટતો ગયો. આજે દોરાબજી કામાની ત્રીજી પેઢી હોમીભાઈ કામા અહીં રહે છે, તેમની પાસે હાલ બાવન (૫૨) વિઘા જમીન છે, જેને ખેતી માટે ભાડા પટ્ટે આપીને તેઓ જીવનનિર્વાહ કરી રહ્યા છે.
પારસી સમુદાયમાં આંતરધર્મીય લગ્ન નિષેધ હોય છે
દોરાબજી અરદેશજી કામાના બીજા પત્ની કે જેઓ નોન પારસી હતા, તેમનાથી બે સંતાનો હતો. પારસી સમુદાયમાં આંતરધર્મીય લગ્ન નિષેધ હોય છે. પરંતુ તે સમયે પારસી આગેવાનોએ પોતાના અસ્તિત્વને જાળવી રાખવા માટે આ લગ્નને સ્વીકૃતિ આપી હતી. ત્યારબાદ દોરાબજીના સંતાન જમશેદજીને પાંચ સંતાન હતા, જેમાં ત્રણ ભાઈઓ અને બે બહેન હતી, જે લગ્ન બાદ હાલ વિદેશમાં છે. જ્યારે ત્રણ ભાઈમાંથી બે ભાઈઓના અકાળે અવસાન થતા એક ભાઈ રહ્યા છે, જેનું નામ મનેશભાઈ છે. આ મનેશભાઈએ પણ અહીં રહીને નોન પારસી મહિલા સાથે પ્રેમ લગ્ન કર્યા. અને હવે તેમનો પુત્ર હોમીભાઈ તેમની સાથે રહે છે. મનેશભાઈ તેમના પત્ની શંકુતલાબેન અને પુત્ર હોમીભાઈ સાથે એ જ બાણજ ગામમાં રહે છે, જે જમીન મહારાજા સયાજીરાવ ગાયકવાડે તેમના દાદા દોરાબજી કામાને સ્થાયી થવા આપી હતી. પેઢી દર પેઢી તેઓ તેમના અસ્તિત્વ અને પારસી રીત રિવાજોનું વહન કરી રહ્યા છે. દોરાબજી કામા અને ત્રીજી પેઢી સુધીની વાત અહીં એટલા માટે કરી છે, કારણ કે આ વાત સામાન્ય નથી. પારસી લોકો સામાન્યત: સમૃદ્ધ હોય છે. અને તેઓમાં વિદેશમાં સ્થાયી થવાનું ચલણ હોય છે. ત્યારે વડોદરા જિલ્લાનો આ પારસી પરિવાર છેલ્લી ત્રણ પેઢીથી વડોદરાના ડભોઈ તાલુકાના બાણજ ગામે વસવાટ કરી રહ્યા છે. ભારતમાં ટાટા, ગોદરેજ, વાડિયા જેવા અનેક ઔદ્યોગિક ગૃહો પારસી સમુદાયના છે. આ ઉપરાંત, કલા, વિજ્ઞાન, સૈન્ય અને રાજકારણમાં પણ પારસીઓએ ઉચ્ચ સ્થાનો પ્રાપ્ત કર્યા છે. ત્યારે બાણજ ગામમાં રહીને છેલ્લી ત્રણ પેઢીથી ખેતી કરીને જીવનનિર્વાહ કરતો આ પારસી પરિવાર વિશેષતા તરફ ધ્યાન દોરે છે.
ભારત સરકારે ‘જીઓ પારસી’ યોજના શરૂ કરી
હવે પારસી સમુદાયની વસ્તી વધારવા માટે સરકાર અને સમુદાયના પ્રયાસો પર નજર કરીએ, પારસી વસ્તી વધારવા માટે ભારત સરકારે ‘જીઓ પારસી’ યોજના શરૂ કરી છે. આ યોજનાનો હેતુ પારસી યુગલોને બાળજન્મ માટે પ્રોત્સાહિત કરવાનો, આધુનિક પ્રજનન તકનીકો માટે આર્થિક સહાય પૂરી પાડવાનો અને સમુદાયના યુવાનોને લગ્ન કરવા પ્રોત્સાહિત કરવાનો છે. પારસી પંચાયતો અને સંસ્થાઓ પણ સમુદાયના સભ્યોને એકબીજા સાથે જોડવા અને લગ્નને પ્રોત્સાહન આપવા માટે વિવિધ કાર્યક્રમો ચલાવે છે. વિશ્વ વસ્તી દિવસ આપણને માત્ર વધતી વસ્તીના પડકારો વિશે જ નહીં, પરંતુ પારસી સમુદાય જેવા લઘુમતી સમુદાયોની ઘટતી વસ્તીના પડકારો વિશે પણ વિચારવાનો અવસર આપે છે. આ સમુદાયો ભારતના સાંસ્કૃતિક મોઝેકનો એક મહત્વપૂર્ણ ભાગ છે, અને તેમની ઓળખ અને વારસો જાળવી રાખવો આપણા સૌની જવાબદારી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now